અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે અમેરિકા હવે મેક્સિકોમાં ડ્રગ હેરફેર કરનારાઓ સામે જમીન આધારિત લશ્કરી કાર્યવાહી શરૂ કરી શકે છે. ટ્રમ્પે દાવો કર્યો હતો કે ડ્રગ કાર્ટેલ્સ મેક્સિકો પર રાજ કરે છે અને દર વર્ષે અમેરિકામાં લાખો લોકોના મોત માટે જવાબદાર છે.

દરિયાઇ માર્ગો રોકી લીધા

ટ્રમ્પે કહ્યું કે અમેરિકાએ દરિયાઈ માર્ગો દ્વારા થતી ડ્રગ્સની દાણચોરીને મોટાભાગે રોકી લીધી છે અને હવે જમીન માર્ગો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. તેમના મતે, ડ્રગ કાર્ટેલ્સ માત્ર ગુનાખોરી જ નહીં પરંતુ અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા માટે પણ મોટો ખતરો છે.

મેક્સિકો સરકારે હત્યાના દરમાં લગભગ 40 ટકાનો ઘટાડો

આ નિવેદનો એવા સમયે આવ્યા છે જ્યારે મેક્સિકો સરકારે પોતાના દેશમાં હત્યાના દરમાં લગભગ 40 ટકાનો ઘટાડો થયો હોવાનો દાવો કર્યો છે. મેક્સિકોનું કહેવું છે કે તે સંગઠિત અપરાધ સામે અસરકારક પગલાં લઈ રહ્યું છે અને કોઈપણ વિદેશી લશ્કરી હસ્તક્ષેપની જરૂર નથી.

સુરક્ષા બાબતે સહયોગ

આ મુદ્દે મેક્સિકોની નવી રાષ્ટ્રપતિ ક્લાઉડિયા શેનબૌમે ખૂબ જ સ્પષ્ટ વલણ અપનાવ્યું છે. તેમણે જણાવ્યું કે મેક્સિકો સુરક્ષા બાબતોમાં અમેરિકા સાથે સહયોગ કરવા તૈયાર છે, પરંતુ તે સહયોગ પરસ્પર આદર, સમાનતા અને દેશની સાર્વભૌમત્વની મર્યાદામાં હોવો જોઈએ. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે મેક્સિકો કોઈપણ એકપક્ષીય અમેરિકી લશ્કરી કાર્યવાહી સ્વીકારશે નહીં. શેનબૌમે ઉમેર્યું કે મેક્સિકો એક સ્વતંત્ર અને સાર્વભૌમ દેશ છે, જ્યાં શાસન લોકો કરે છે, કોઈ વિદેશી શક્તિ નહીં. ડ્રગ હેરફેર સામેની લડાઈમાં આંતરરાષ્ટ્રીય સહયોગ જરૂરી છે, પરંતુ તે દખલગીરી કે દબાણના આધારે ન હોઈ શકે.

માદુરો પર પણ ગંભીર આરોપો

ટ્રમ્પે વેનેઝુએલાના પૂર્વ રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો પર પણ ગંભીર આરોપો લગાવ્યા છે અને કહ્યું છે કે તેમની સરકાર ડ્રગ કાર્ટેલ્સને મદદ કરે છે. વેનેઝુએલા બાદ હવે મેક્સિકોને લઈને કરાયેલા આ નિવેદનો વાસ્તવિક કાર્યવાહી સુધી પહોંચશે કે નહીં, તે અંગે સમગ્ર વિશ્વની નજર અમેરિકા અને મેક્સિકો પર છે.

આ પણ વાંચો : NASAએ વર્ષનો પહેલો સ્પેસવોક રદ કર્યો, શા માટે લેવામાં આવ્યો આ નિર્ણય?