યુનાઇટેડ સ્ટેટ્સની અંતરિક્ષ એજન્સી નાસાએ આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (International Space Station – ISS) પર યોજાનાર વર્ષનો પહેલો સ્પેસવોક રદ કર્યો છે. આ સ્પેસવોક ગુરુવારે યોજાવાનો હતો, પરંતુ સ્ટેશન પર હાજર એક ક્રૂ મેમ્બરને લગતી તબીબી સમસ્યાને કારણે નાસાએ આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.


ક્રૂ મેમ્બરની તબિયત

નાસાના અધિકારીઓએ જણાવ્યું છે કે ક્રૂ મેમ્બરની તબિયત અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી, જેના કારણે સ્પેસવોકને તાત્કાલિક રીતે મુલતવી રાખવામાં આવ્યો. જોકે, નાસાએ તે અવકાશયાત્રીની ઓળખ જાહેર કરી નથી. સારા સમાચાર એ છે કે હાલ તે ક્રૂ મેમ્બર સ્થિર સ્થિતિમાં છે અને તેની તબિયત પર સતત નજર રાખવામાં આવી રહી છે.

સૌથી મોટી પ્રાથમિકતા ક્રૂ

નાસાએ સ્પષ્ટ કર્યું છે કે તેમની સૌથી મોટી પ્રાથમિકતા ક્રૂની સુરક્ષા છે. નાસાના પ્રવક્તા શેરિલ વોર્નરે જણાવ્યું હતું કે, “અમારું લક્ષ્ય મિશનને સુરક્ષિત રીતે પૂર્ણ કરવાનો છે. અમે દરેક વિકલ્પ પર વિચાર કરી રહ્યા છીએ, જેમાં જરૂર પડે તો મિશનને સમય પહેલાં પૂર્ણ કરવાનો વિકલ્પ પણ સામેલ છે.”

કુલ ચાર ક્રૂ મેમ્બર્સ સામેલ

આ મિશનમાં અમેરિકા, જાપાન અને રશિયાના કુલ ચાર ક્રૂ મેમ્બર્સ સામેલ છે. આ ક્રૂ ઓગસ્ટ મહિનામાં ફ્લોરિડાથી ઉડાન ભરીને આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર પહોંચ્યો હતો અને ત્યારથી વિવિધ વૈજ્ઞાનિક પ્રયોગો તથા સંશોધન કાર્યમાં વ્યસ્ત છે.

સ્પેસવોક જોખમી પ્રક્રિયા

સ્પેસવોક ખૂબ જ જોખમી પ્રક્રિયા માનવામાં આવે છે. તેમાં અવકાશયાત્રીઓને અવકાશ મથકની બહાર જઈને ટેક્નિકલ મરામત, અપગ્રેડ અને વૈજ્ઞાનિક સાધનોની સ્થાપના જેવી કામગીરી કરવી પડે છે. આવી સ્થિતિમાં જો કોઈપણ પ્રકારની તબીબી સમસ્યા હોય તો નાસા માટે જોખમ લેવું યોગ્ય નથી. આ કારણે નાસાએ કોઈ ઉતાવળ ન કરતાં ક્રૂની સલામતીને ધ્યાનમાં રાખીને સ્પેસવોક રદ કરવાનો સમજદાર નિર્ણય લીધો છે. ભવિષ્યમાં ક્રૂ મેમ્બરની તબિયત સંપૂર્ણ રીતે સ્વસ્થ થયા બાદ સ્પેસવોક માટે નવી તારીખ નક્કી કરવામાં આવશે.

આ પણ વાંચો : World News : વિદેશ મંત્રી જયશંકરે ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોનને મળ્યા, આવતા મહિને ભારત આવશે


  • Follow us on: