વૈશ્વિક સ્તરે વધતા તણાવ અને ઝડપી બદલાતા ભૂ-રાજકીય પરિસ્થિતિ વચ્ચે ભારત અને ફ્રાન્સ પોતાના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવી રહ્યા છે. તાજેતરમાં ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે મુલાકાત કરી અને PM નરેન્દ્ર મોદીની શુભેચ્છાઓ પાઠવી. આ મુલાકાત બંને દેશોની લાંબા સમયથી ચાલતી વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ બનાવતી ગણાય છે.


સોશિયલ મીડિયા પર મુલાકાતની માહિતી

વિદેશ મંત્રી જયશંકરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ મુલાકાત વિશે માહિતી શેર કરતા કહ્યું કે તેઓ રાષ્ટ્રપતિ મેક્રોનના સમકાલીન વૈશ્વિક વિકાસ માટેના દ્રષ્ટિકોણ અને ભારત–ફ્રાન્સ ભાગીદારી પ્રત્યેની તેમની સકારાત્મક ભાવનાથી ખૂબ પ્રભાવિત થયા છે. બંને નેતાઓએ વૈશ્વિક શાંતિ, સ્થિરતા અને સહકાર અંગે વિચારોની આપલે કરી.

મુલાકાત ખૂબ જ મહત્વપૂર્ણ

આ મુલાકાત ખાસ કરીને એ કારણસર મહત્વપૂર્ણ છે કારણ કે રાષ્ટ્રપતિ મેક્રોન આવતા મહિને ભારતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ નવી દિલ્હીમાં યોજાનારી ઈન્ડિયા–AI ઈમ્પેક્ટ સમિટ 2026માં ભાગ લેશે. આ સમિટ 19 અને 20 ફેબ્રુઆરીએ યોજાવાની છે અને તે ગ્લોબલ સાઉથમાં યોજાનારી પ્રથમ વૈશ્વિક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સમિટ હશે. આ સમિટની જાહેરાત PM નરેન્દ્ર મોદીએ ફ્રાન્સમાં યોજાયેલી AI એક્શન સમિટ દરમિયાન કરી હતી.

પેરિસમાં સંબોધન કર્યું

જયશંકરે પેરિસમાં ફ્રેન્ચ રાજદૂતોના પરિષદને પણ સંબોધન કર્યું હતું. તેમણે પોતાના ભાષણમાં નાણાં, વેપાર, ટેકનોલોજી, ઊર્જા, સંસાધનો અને કનેક્ટિવિટી જેવા ક્ષેત્રોમાં થનારા વૈશ્વિક ફેરફારો પર ભાર મૂક્યો. સાથે સાથે તેમણે બહુ-ધ્રુવીય વિશ્વ વ્યવસ્થા અને વ્યૂહાત્મક સ્વાયત્તતા માટે ભારત અને ફ્રાન્સની ભાગીદારી કેટલી મહત્વપૂર્ણ છે તે પણ સમજાવ્યું.


 ફ્રાન્સના વિદેશ મંત્રી સાથે મુલાકાત

આ ઉપરાંત, વિદેશ મંત્રી જયશંકરે ફ્રાન્સના વિદેશ મંત્રી જીન-નોએલ બારોટ સાથે પણ મુલાકાત કરી હતી. આ બેઠકમાં દ્વિપક્ષીય સહયોગ, ભારત–EU ભાગીદારી અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા થઈ. જયશંકરે ફ્રાન્સને ભારતના સૌથી જૂના અને વિશ્વસનીય વ્યૂહાત્મક ભાગીદારોમાંના એક તરીકે વર્ણવ્યું.

આ પણ વાંચો : Microsoft છોડીને રસ્તા સાફ કરે છે ભારતીય એન્જિનિયર ! પગાર જાણીને ચોંકી જશો


  • Follow us on: