ખાડી દેશોમાં વધતા તણાવ અને હોર્મુઝ જળમાર્ગમાંથી તેલનો પુરવઠો ખોરવાતા વિશ્વભરમાં હાહાકાર મચ્યો છે. પડોશી દેશો અને વિકસિત રાષ્ટ્રો પણ ઈંધણની અછતનો સામનો કરી રહ્યા છે, પરંતુ ભારત આ વૈશ્વિક ઉથલપાથલ વચ્ચે સુરક્ષિત છે. ભારત સરકારે પોતાની દૂરદર્શિતા અને મજબૂત કૂટનીતિના જોરે દેશમાં પેટ્રોલ-ડીઝલની અછત સર્જાવા દીધી નથી.

રશિયા બન્યું સૌથી મોટું મદદગાર

જ્યારે ખાડી દેશોમાંથી સપ્લાય અટકી ગઈ, ત્યારે ભારતે વ્યૂહાત્મક રીતે રશિયા તરફ વલણ કર્યું. માર્ચ મહિનામાં ભારતે રશિયા પાસેથી દરરોજ અંદાજે 1.98 મિલિયન બેરલ કાચું તેલ આયાત કર્યું છે, જે પાછલા મહિનાઓ કરતા બમણું છે. અમેરિકાના કડક પ્રતિબંધો છતાં, ભારતે પોતાના રાષ્ટ્રીય હિતોને સર્વોપરી રાખીને રશિયન તેલ પર વિશેષ છૂટ પણ મેળવી લીધી છે. આનાથી એપ્રિલ મહિના માટે 60 મિલિયન બેરલ વધારાના તેલનો સોદો પાકો થયો છે.

વૈવિધ્યસભર આયાત રણનીતિ

ભારત માત્ર એક દેશ પર નિર્ભર નથી. સરકારે અંગોલા, નાઈજીરિયા અને વેનેઝુએલા જેવા દેશો સાથે પણ તેલની આયાત વધારી દીધી છે. માર્ચમાં અંગોલાથી તેલની આયાત ત્રણ ગણી વધી છે. આ સાથે જ વેનેઝુએલા અને ઈરાન પાસેથી પણ ઈંધણ મેળવવાની પ્રક્રિયા તેજ કરવામાં આવી છે. આ એડવાન્સ પ્લાનિંગ ભારતીય અર્થતંત્ર માટે ‘સંજીવની’ સાબિત થઈ રહી છે.

સામાન્ય જનતાને મોંઘવારીમાંથી રાહત

વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ આસમાને હોવા છતાં, ભારત સરકારે પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર રાખ્યા છે. પેટ્રોલિયમ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ભારત વિશ્વનો એકમાત્ર એવો દેશ છે જ્યાં છેલ્લા ચાર વર્ષમાં તેલના ભાવમાં વધારો થયો નથી. એક્સાઈઝ ડ્યૂટીમાં ઘટાડો કરીને અને આંતરરાષ્ટ્રીય દબાણ સામે ઝૂક્યા વગર સરકારે સામાન્ય નાગરિકોને મોંઘવારીની મારથી સુરક્ષિત રાખ્યા છે.

આ પણ વાંચો:Washington Firing:આજે ગોળીબાર થશે..ટ્રમ્પના ડિનરમાં ફાયરિંગ પહેલાં જ પ્રેસ સચિવે કેમ આપ્યું હતું આવું નિવેદન?