અમેરિકન શેરબજાર હાલમાં ભારે ઉથલપાથલ અને મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. માત્ર સાત ટ્રેડિંગ સત્રોમાં રોકાણકારોની $6 ટ્રિલિયન (આશરે 558 લાખ કરોડ રૂપિયા) જેટલી જંગી સંપત્તિ ધોવાઈ ગઈ છે. આ ઘટાડો કેટલો મોટો છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે આ રકમ પાકિસ્તાન જેવી 14 થી 15 અર્થવ્યવસ્થાઓને સંપૂર્ણપણે ખરીદી શકે તેમ છે, તેમજ 21 દેશોના સમગ્ર યુરોઝોનના GDP ($ 19.26 ટ્રિલિયન) નો લગભગ ત્રીજો ભાગ આ એક જ ઝટકામાં સાફ થઈ ગયો છે. 

અમેરીકન શેરબજારમાં 2020 પછીનો સૌથી મોટો ઘટાડો

શુક્રવારે અમેરિકન બેન્ચમાર્ક ઇન્ડેક્સ S&P 500 3.7% ના ઘટાડા સાથે બંધ થયો હતો. આ સતત સાતમો દિવસ હતો જ્યારે બજાર ઘટાડા સાથે બંધ રહ્યું, જે વર્ષ ૨૦૨૦ પછીનો સૌથી લાંબો ઘટાડાનો દોર છે. બીજી તરફ, ટેકનોલોજી કંપનીઓનો ઇન્ડેક્સ નાસ્ડેક 100 (Nasdaq 100) 5.6% તૂટ્યો હતો, જે માર્ચ 2020 પછીનું તેનું સૌથી ખરાબ અઠવાડિયું સાબિત થયું છે.

Nvidia થી લઈને Anthropic સુધીના શેરોમાં ગાબડાં

વોલ સ્ટ્રીટ પર છવાયેલા આ ગભરાટની સૌથી વધુ અસર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને સેમિકન્ડક્ટર ચિપ બનાવતી કંપનીઓ પર જોવા મળી છે:

  • ચિપ બનાવતી કંપનીઓનો ઇન્ડેક્સ 11% જેટલો ગગડ્યો છે.
  • દિગ્ગજ AI ચિપ મેકર Nvidia Corp. ના શેરમાં 14% નો મોટો કડાકો બોલાયો છે.
  • Anthropic PBC ના શેર પણ 9.1 % તૂટ્યા છે.
  • આ ભારે વેચવાલી વચ્ચે વોલ સ્ટ્રીટનો 'ફિયર ગેજ' (ભય માપક સૂચકાંક) એપ્રિલ 2025 પછીના સૌથી ઉચ્ચ સ્તરે પહોંચી ગયો છે.

રોકાણકારોનો મૂડ કેમ બદલાયો?

બજાર નિષ્ણાતોના મતે, રોકાણકારો હવે AI ક્ષેત્રમાં થઈ રહેલા અંધાધૂંધ રોકાણ અને તેના અપેક્ષિત વળતર અંગે ચિંતિત બન્યા છે. બજાર નિષ્ણાતના મતે  રોકાણકારો હવે મોટા દાવાઓને બદલે કંપનીઓની વાસ્તવિક કમાણી અને મૂલ્યાંકન (Valuation) પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. ડેટા સેન્ટરના બાંધકામમાં ધીમી ગતિ, AI પ્રોજેક્ટ્સ માટે ફંડિંગમાં ઘટાડો અને ટેક કંપનીઓની કમાણીની વૃદ્ધિ ધીમી પડવાને કારણે રોકાણકારો સાવધ થયા છે. જોકે, જે કંપનીઓ પાસે પહેલેથી જ વિશાળ ક્લાઉડ અને ડેટા સેન્ટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, તેમને આ સ્થિતિનો લાભ મળી શકે છે.

શું આ લાંબી મંદીની શરૂઆત છે?

બજારના આ કડાકા વચ્ચે રોકાણકારોના મનમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું બજાર લાંબા ગાળાની મંદી (Bear Market) તરફ આગળ વધી રહ્યું છે? મોર્ગન સ્ટેનલીના ઇ-ટ્રેડના ક્રિસ લાર્કિનના મતે, આ વેચવાલી ક્યારે અટકશે તે કહેવું મુશ્કેલ છે, પરંતુ ઇતિહાસ સાક્ષી છે કે આવા મોટાભાગના ઘટાડા મંદીમાં પરિણમતા નથી. ૧૯૮૩ થી અત્યાર સુધીમાં ઓલ-ટાઈમ હાઈ પરથી આવેલા ૧૫ મોટા ઘટાડામાંથી માત્ર ૫ વખત જ બજાર મંદીમાં ગયું છે.

અમેરીકન શેરબજારમાં અસંતુલન

નેશનવાઇડના માર્ક હેકેટનું માનવું છે કે ગભરાટમાં થયેલી આ વેચવાલી બજારનું સંતુલન સુધારવાની તક આપે છે, જેનાથી વર્ષના અંત સુધીમાં વધુ ટકાઉ તેજી જોવા મળી શકે છે. તેવી જ રીતે, eToro ના બ્રેટ કેનવેલ સલાહ આપે છે કે લાંબા ગાળાના રોકાણકારો માટે આ કરેક્શન ખરીદીની સારી તક બની શકે છે, જોકે ટૂંકા ગાળામાં વધુ ઉતાર-ચઢાવ માટે તૈયાર રહેવું પડશે.


આ પણ વાંચો : Ahmedabad: હાથી સિમેન્ટ સિધ્ધી સિમેન્ટે લોન્ચ કરી એડવાન્સ્ડ કન્સ્ટ્રક્શન કેમિકલ્સની નવી રેન્જ