વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્કની સ્પેસ કંપની, SpaceX, શેર બજારમાં ઇતિહાસ રચવા જઈ રહી છે. કંપનીએ તેના મોસ્ટ-અવેટેડ આઈપીઓ (IPO) માટે ડ્રાફ્ટ પેપર્સ સત્તાવાર રીતે યુએસ રેગ્યુલેટરી ઓથોરિટી (SEC) ને સબમિટ કરી દીધા છે. બજારના નિષ્ણાતોના મતે, આ આઈપીઓનું મૂલ્યાંકન $1.75 થી $2 ટ્રિલિયન (આશરે 145 થી 166 લાખ કરોડ રૂપિયા) ની વચ્ચે હોઈ શકે છે, જે તેને અત્યાર સુધીનો વિશ્વનો સૌથી મોટો IPO બનાવશે.
12 જૂને નાસ્ડેક પર લિસ્ટિંગની શક્યતા
રોઇટર્સના અહેવાલ મુજબ, SpaceX આગામી 12 જૂન સુધીમાં અમેરિકન શેર બજાર નાસ્ડેક (Nasdaq) પર 'SPCX' ટિકર સાથે લિસ્ટ થવાનું લક્ષ્ય રાખે છે. આ માટે રોડ શો 4 જૂનથી શરૂ થશે અને રોકાણકારો માટે શેરનું વેચાણ 11 જૂનથી શરૂ થવાની સંભાવના છે.
માત્ર રોકેટ કંપની નથી, બિઝનેસ ઘણો મોટો છે
એક સમય હતો જ્યારે સ્પેસએક્સને માત્ર રોકેટ લોન્ચ કરતી કંપની માનવામાં આવતી હતી, પરંતુ આજે તે સેટેલાઇટ મેન્યુફેક્ચરિંગ અને ગ્લોબલ ઇન્ટરનેટ ક્ષેત્રે ક્રાંતિ લાવી ચૂકી છે. કંપનીની સફળતા પાછળના મુખ્ય કારણો નીચે મુજબ છે:
સ્ટારલિંક (Starlink): સ્પેસએક્સનું સેટેલાઇટ ઇન્ટરનેટ નેટવર્ક 10 મિલિયન (1કરોડ) થી વધુ ગ્રાહકો ધરાવે છે, જે દર મહિને અબજો ડોલરનો નફો કમાઈ આપે છે.
રીયુઝેબલ રોકેટ ટેકનોલોજી: ફરીથી વાપરી શકાય તેવા રોકેટના કારણે અવકાશમાં સામાન મોકલવાનો ખર્ચ 80 ટકા જેટલો ઘટી ગયો છે.
AI કનેક્શન: સ્પેસએક્સ હવે એલોન મસ્કની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કંપની 'xAI' માં પણ હિસ્સેદારી ધરાવે છે.
રોકાણકારો માટે આ બે મોટી ચિંતાઓ
આ આઈપીઓ જેટલો આકર્ષક છે, એટલો જ તેમાં મોટો 'કેચ' પણ છે, જેના વિશે રોકાણકારોએ વિચારવું પડશે:
1. અતિશય ઊંચું મૂલ્યાંકન (Overvaluation): વર્ષ 2025 માં કંપનીની અંદાજિત આવક $18.7 બિલિયન છે, જેની સામે $૧.૭૫ ટ્રિલિયનનું મૂલ્યાંકન માંગવામાં આવી રહ્યું છે. આનો અર્થ એ થયો કે કંપની 90 ગણાથી વધુના પ્રાઇસ-ટુ-સેલ્સ (P/S) રેશિયો પર લિસ્ટ થશે. એપલ કે એનવીડિયા જેવી જાયન્ટ કંપનીઓ પણ આટલા ઊંચા વેલ્યુએશન પર ટ્રેડ કરતી નથી.
2. સુપર-વોટિંગ શેર્સનો પાવર: આઈપીઓ પછી પણ કંપનીના 43% શેર એલોન મસ્ક પાસે રહેશે. 'સુપર-વોટિંગ શેર' ની સિસ્ટમને કારણે કંપનીના 80 % મતદાનના અધિકારો મસ્ક એકલા જ નિયંત્રિત કરશે. એટલે કે, સામાન્ય લોકો પૈસા રોકશે પણ કંપનીના નિર્ણયો પર તેમનો કોઈ હક કે કંટ્રોલ રહેશે નહીં.
(Disclaimer: અહીં આપેલી માહિતી ફક્ત માહિતીના હેતુ માટે છે. એ નોંધવું મહત્વપૂર્ણ છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. રોકાણકાર તરીકે રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો. સંદેશ ન્યૂઝ ક્યારેય અહીં રોકાણ કરવાની ભલામણ કરતું નથી.)
આ પણ વાંચોઃ Ebola virus નો ખતરો, દિલ્હી એરપોર્ટ પર હાઈ એલર્ટ, કેન્દ્ર સરકારે જાહેર કરી હેલ્થ એડવાઇઝરી
આ પણ વાંચોઃ Ebola virus નો ખતરો, દિલ્હી એરપોર્ટ પર હાઈ એલર્ટ, કેન્દ્ર સરકારે જાહેર કરી હેલ્થ એડવાઇઝરી
