વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) દ્વારા ઇબોલા વાયરસને લઈને જાહેર કરાયેલી કટોકટી બાદ ભારત સરકાર પણ સજ્જ થઈ ગઈ છે. કેન્દ્ર સરકારના ડાયરેક્ટોરેટ જનરલ ઓફ હેલ્થ સર્વિસીસ (DGHS) અને આરોગ્ય મંત્રાલય દ્વારા દિલ્હી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઇબોલા વાયરસ અંગે એક હાઈ લેવલ હેલ્થ એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. આ ખતરનાક વાયરસ ભારતમાં ન પ્રવેશે તે માટે એરપોર્ટ અને અન્ય પ્રવેશ સ્થળો પર દેખરેખ અને તપાસ પ્રક્રિયા અત્યંત કડક કરી દેવામાં આવી છે.

ઉચ્ચ જોખમ ધરાવતા દેશોના મુસાફરો પર ખાસ નજર

સરકારી માર્ગદર્શિકા અનુસાર, ઇબોલા પ્રભાવિત દેશો અથવા તો ત્યાંથી પસાર થઈને ભારત આવી રહેલા મુસાફરોએ ખાસ સાવચેતી રાખવાની રહેશે. વિશેષ કરીને ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો (DR Congo), યુગાન્ડા અને દક્ષિણ સુદાન જેવા હાઈ-રિસ્ક ધરાવતા આફ્રિકન દેશોમાંથી આવતા પ્રવાસીઓ પર સખત નજર રાખવામાં આવી રહી છે. જો કોઈ મુસાફર વિદેશમાં ઇબોલાના દર્દી અથવા કોઈ શંકાસ્પદ વ્યક્તિના લોહી કે શારીરિક પ્રવાહી (Body Fluids) ના સીધા સંપર્કમાં આવ્યો હોય, તો તેણે ઇમિગ્રેશન ક્લિયરન્સ પહેલાં જ એરપોર્ટના હેલ્થ ડેસ્કને ફરજિયાત જાણ કરવાની રહેશે.

આ લક્ષણોને બિલકુલ અવગણશો નહીં

આરોગ્ય વિભાગે સ્પષ્ટ કર્યું છે કે એરપોર્ટ પર ઉતરતા કોઈપણ મુસાફરે નીચે મુજબના લક્ષણોને સામાન્ય ગણીને અવગણવા જોઈએ નહીં:

તીવ્ર તાવ આવવો

અતિશય નબળાઈ કે થાક લાગવો

માથાનો અસહ્ય દુખાવો અને સ્નાયુઓમાં ખેંચાણ

ઉલટી, ઝાડા કે ગળામાં સતત બળતરા થવી

શરીરમાંથી અસ્પષ્ટ રીતે રક્તસ્ત્રાવ (Bleeding) થવો

21 દિવસ સુધી દેખરેખ રાખવાની સલાહ

એરપોર્ટ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (APHO) ના જણાવ્યા અનુસાર, જો કોઈ મુસાફરને ભારતમાં આવ્યાના ૨૧ દિવસની અંદર પણ આવા કોઈ લક્ષણો દેખાય, તો તેણે તાત્કાલિક તબીબી સહાય લેવી જોઈએ અને પોતાના પ્રવાસના ઈતિહાસ (Travel History) વિશે ડોક્ટરોને સાચી માહિતી આપવી જોઈએ.

હાલ રાહતના સમાચાર એ છે કે ભારતમાં હજુ સુધી ઇબોલા વાયરસનો એક પણ કેસ નોંધાયો નથી. આમ છતાં, આંતરરાષ્ટ્રીય આરોગ્ય નિયમો (IHR) ને ધ્યાનમાં રાખીને જાહેર સુરક્ષા માટે આ અગમચેતીના પગલાં લેવાયા છે. તંત્રએ તમામ પ્રવાસીઓને એરપોર્ટ પર થતી મેડિકલ તપાસમાં સંપૂર્ણ સહયોગ આપવા અપીલ કરી છે.

આ પણ વાંચોઃ Tamil Nadu : 59 વર્ષ બાદ કોંગ્રેસની સત્તામાં વાપસી, આજે CM વિજયના મંત્રીમંડળનું વિસ્તરણ