તમિલનાડુના રાજકારણમાં એક બહુ મોટો અને ઐતિહાસિક વળાંક આવ્યો છે. અભિનેતામાંથી રાજનેતા બનેલા મુખ્યમંત્રી સી. જોસેફ વિજય (થલપતિ વિજય) ની સરકારના મંત્રીમંડળનું આજે વિસ્તરણ થવા જઈ રહ્યું છે. આ વિસ્તરણ એટલા માટે ઐતિહાસિક છે કારણ કે આશરે ૫૯ વર્ષના લાંબા અંતરાલ પછી કોંગ્રેસ પક્ષ તમિલનાડુમાં સરકારનો ભાગ બનવા જઈ રહ્યો છે. આ ઘટનાક્રમ રાજ્યના જૂના શાસક પક્ષ ડીએમકે (DMK) માટે બહુ મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે.

59 વર્ષ પછી કોંગ્રેસ સરકારમાં સામેલ

ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC) ના મહાસચિવ કે.સી. વેણુગોપાલે સોશિયલ મીડિયા પર સત્તાવાર જાહેરાત કરતાં જણાવ્યું કે, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ રાજેશ કુમાર અને પી. વિશ્વનાથનને તમિલનાડુ મંત્રીમંડળમાં સામેલ કરવાની મંજૂરી આપી દીધી છે. વર્ષ 1969 પછી આ પ્રથમ વાર છે જ્યારે કોંગ્રેસ રાજ્યમાં સત્તાધારી કેબિનેટનો હિસ્સો બનશે.

તમિલનાડુમાં પ્રથમ બહુપક્ષીય કેબિનેટ

ગુરુવારે સવારે લોકભવન ખાતે યોજાનારા શપથ ગ્રહણ સમારોહમાં મુખ્યમંત્રી વિજયના મંત્રીમંડળમાં ૨૧ નવા મંત્રીઓ સામેલ થાય તેવી શક્યતા છે. આ વિસ્તરણ સાથે જ તમિલનાડુના ઇતિહાસમાં પ્રથમ વખત બહુપક્ષીય (ગઠબંધન) મંત્રીમંડળની રચના થશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, વિજયની પાર્ટી 'તમિલનાડુ વેટ્ટી કઝગમ' (TVK) ના ૧૯ ધારાસભ્યો અને કોંગ્રેસના ૨ ધારાસભ્યો મંત્રી તરીકે શપથ લેશે. આ સિવાય ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ (IUML) અને વિદુથલાઈ ચિરુથૈગલ કાચી (VCK) ના ધારાસભ્યોને પણ આગામી સમયમાં કેબિનેટમાં સ્થાન મળી શકે છે. મુખ્યમંત્રી વિજયે અગાઉ ૧૦ મેના રોજ પદ સંભાળ્યું હતું અને તેના બે અઠવાડિયા બાદ આ મોટો નિર્ણય લેવાયો છે.

DMK ગઠબંધનનો અંત અને નવા સમીકરણો

આ નવા ઘટનાક્રમથી સ્પષ્ટ સંકેત મળે છે કે તમિલનાડુમાં ડીએમકે (DMK) ના નેતૃત્વ હેઠળના જૂના ગઠબંધનનો હવે અંત આવી ગયો છે. ડાબેરી પક્ષો અને DMDK સિવાયના મોટાભાગના પક્ષો હવે સીએમ વિજયની નવી ટીવીકે (TVK) સરકારમાં જોડાઈ રહ્યા છે.

આ પણ વાંચોઃ IMD Weather: દિલ્હી, બાંદા સહિત અનેક શહેરોમાં ગરમીનો પારો 47ને પાર, 17 રાજ્યોમાં ભારે વાવાઝોડાની ચેતવણી