- ઈપીએફઓએ એક મહત્ત્વનો નિર્ણય કર્યો
- મહામારીમાં સારવાર માટે પીએફમાંથી 75 ટકા રકમ ઉપાડી શકાતી હતી
- ઈપીએફઓએ કોવિડ-19 એડવાન્સ ફેસિલિટી બંધ કરી દીધી
નોકરી કરતા લોકોના પગારથી દર મહિને થોડી રકમ કાપીને કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનની પાસે પીએફમાં જમા થતી હોય છે. આ રકમ તેઓની નિવૃત્તિને રાહત આપવાનું કામ કરે છે. તો મુશ્કેલ સમયમાં મદદ પણ કરે છે. આમ તો ઈપીએફઓમાંથી નાણાં કાઢવાના પોતાના નિયમો છે પરંતુ ગત વર્ષથી ઈપીએફઓએ આ માટે એક સરળ સવલત ઉભી કરી છે. જેને હવે તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવી છે.
કોવિડ -19 મહામારી દરમિયાન, EPFOએ લોકોને સારવારથી લઈને તેમના આવશ્યક ખર્ચાઓને પહોંચી વળવા માટે તેમના ભવિષ્ય નિધિમાંથી 75 ટકા સુધીની રકમ ઉપાડવાની મંજૂરી આપી હતી. આ સુવિધા દ્વારા પૈસા ઉપાડવાનું ખૂબ જ સરળ બનાવવામાં આવ્યું હતું.
કોવિડ-19 એડવાન્સ ફેસિલિટી બંધ
EPFOએ 'કોવિડ-19 એડવાન્સ ફેસિલિટી'ને તાત્કાલિક અસરથી બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ યોજના નોન-રીફંડપાત્ર એડવાન્સ સ્કીમ હતી. આ સેવા કોવિડ-19 ના પ્રારંભિક તબક્કામાં EPF સભ્યોને મદદ કરવા માટે શરૂ કરવામાં આવી હતી, બાદમાં આ સેવામાં વધુ સુધારો કરીને 2021માં શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ દેશમાં કોવિડ-19ની બીજી લહેર જોવા મળી હતી.
EPFOએ એક નિવેદનમાં કહ્યું છે કે હવે ન તો કોવિડ-19 છે અને ન તો મહામારી છે. તેથી, આ એડવાન્સ (એડવાન્સમાં પૈસા ચૂકવવાની) સુવિધા તાત્કાલિક અસરથી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ લોકોને ફાયદો થતો હતો
EPFOની આ સુવિધા માટે આભાર, કોવિડ-19 દરમિયાન જે લોકોને પોતાની અથવા તેમના પરિવારના સભ્યોની સારવાર માટે પૈસાની જરૂર હતી તેમને ઘણો ફાયદો થયો. તે જ સમયે, જે લોકોએ તેમની નોકરી અથવા રોજગાર ગુમાવ્યો તેમને પણ આ સુવિધાથી ઘણી મદદ મળી હતી.
આ સેવા હેઠળ, EPF સભ્યો તેમના 3 મહિનાનો પગાર (મૂળભૂત અને મોંઘવારી ભથ્થું) અથવા ફંડમાં જમા થયેલી રકમના 75% સુધી, જે પણ ઓછું હોય, તેમના ખાતામાંથી ઉપાડી શકે છે. તેણે આ રકમ તેના EPF ખાતામાં પાછી જમા કરાવવાની જરૂર નહોતી.