રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ફેબ્રુઆરી, 2025ની એમપીસી મીટિંગમાં ડિજિટલ છેતરપિંડીના વધતા કિસ્સાઓ અંગે ફરી ચિંતા વ્યક્ત કરી છે. આપને જણાવી દઈએ કે, ઓનલાઈન બેંકિંગ અને ડિજિટલ વ્યવહારોમાં વધારા સાથે સાયબર છેતરપિંડીના કિસ્સાઓ પણ વધી રહ્યા છે, આવા ડિજિટલ ફ્રોડને અટકાવવા રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા છે.
પહેલનો હેતુ
દ્વિમાસિક નાણાકીય નીતિ સમીક્ષા (MPC) વિશે માહિતી આપતા, RBI ગવર્નર સંજય મનલહોત્રાએ જણાવ્યું હતું કે, ડિજિટલ પેમેન્ટમાં છેતરપિંડીના વધતા કિસ્સાઓ ચિંતાનો વિષય છે. આનો સામનો કરવા માટે, રિઝર્વ બેંક આ વર્ષે એપ્રિલથી ભારતીય બેંકો માટે વિશેષ ઇન્ટરનેટ ડોમેન 'bank.in' શરૂ કરી રહી છે. આ ઉપરાંત, આવનારા સમયમાં નોન-બેંકિંગ નાણાકીય એકમો (NBFC) માટે ‘Fin.in’ (fin.in) શરૂ કરવામાં આવશે. પહેલનો હેતુ સાયબર સુરક્ષાના જોખમો અને 'ફિશિંગ' જેવી ગેરરીતિઓનો સામનો કરીને સુરક્ષિત નાણાકીય સેવાઓને સુવ્યવસ્થિત કરવાનો છે. જેથી લોકોનો ડિજિટલ બેંકિંગ અને પેમેન્ટ સેવાઓમાં વિશ્વાસ વધે. મલ્હોત્રાએ જણાવ્યું હતું કે ઇન્સ્ટિટ્યૂટ ફોર ડેવલપમેન્ટ એન્ડ રિસર્ચ ઇન બેન્કિંગ ટેક્નોલોજી (IDRBT) વિશેષ રજિસ્ટ્રાર તરીકે કામ કરશે. વાસ્તવિક નોંધણી એપ્રિલ 2025 થી શરૂ થશે. બેંકો માટે વિગતવાર માર્ગદર્શિકા અલગથી જારી કરવામાં આવશે.
ડિજિટલ એરેસ્ટને અટકાવવા RBIના મહત્વના પગલાં
ડિજિટલ છેતરપિંડીના વધતા કિસ્સાઓ અંગે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ફરીથી ચિંતા વ્યક્ત કરી છે. જેને રોકવા માટે નક્કર પગલાં લેવાની જરૂર છે. આ દિશામાં દેશભરની ફાઇનાન્શિયલ સંસ્થાઓ માટે એક અલગ જ ડોમેન શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આપને જણાવી દઈએ કે, ભારતમાં એપ્રિલ, 2025થી બેંકો માટે બેંક ડોટ ઈન (bank.in) ડોમેન શરૂ કરવામાં આવશે. નોંધનીય છે કે, ગ્રાહકોને સુરક્ષિત ડિજિટલ બેંકિંગ સેવાઓ સુનિશ્ચિત કરાવવા અને નકલી વેબસાઇટ્સથી સુરક્ષિત રાખવા આ ડોમેન ફક્ત અધિકૃત બેંકો માટે જ ઉપલબ્ધ રહેશે.
નોન-બેંકિંગ નાણાંકીય સંસ્થાઓ માટે fin.in ડોમેન
બેંકોના રજિસ્ટ્રેશન અને સમગ્ર ચકાસણી પ્રક્રિયામાંથી પસાર થયા બાદ બેંકોને આ ડોમેન આરબીઆઈ જ આપી શકશે. રિઝર્વ બેંક એપ્રિલ, 2025થી બેંકિંગ સેવાઓ આપતી સંસ્થા માટે બેંક ડોટ ઈન (bank.in) તો જ્યારે નોન-બેંકિંગ નાણાંકીય સંસ્થાઓ માટે ફિન ડોટ ઈન (fin.in) ડોમેન આપવાની શરૂઆત કરશે અને દરેક બેંકે આ ડોમેન પર શિફ્ટ થવું ફરજિયાત કરવામાં આવશે. જેથી દેશભરમાં બેંકોના રૂટ થકી થતા ફાઈનાન્શિયલ ફ્રોડને અટકાવી શકાય.