ઈરાને ગત પહેલી ઑક્ટોબરે ઈઝરાયલ પર કરેલા મિસાઈલ હુમલા પછી ભારતીય શેરબજારમાં ગુરુવારે માર્કેટ તૂટીને ઓપન થયું હતું. બીજી ઑકટોબરે મહાત્મા ગાંધીની જયંતીએ શેરબજાર બુધવારે બંધ હતું. જેથી સેન્સેક્સ અને નિફ્ટી બંને ગુરુવારે બજાર ખુલ્યા બાદ તૂટીને કારોબાર કરી રહ્યા છે.



આજે ત્રીજી ઑક્ટોબરે, બીએસઈ સેન્સેક્સ લગભગ એખ ટકાના ઘટાડા સાથે 83,002.09 પોઇન્ટ પર ખુલ્યો હતો, જે પછી તરત જ તૂટીને લગભગ 850 પોઇન્ટ્સ પર આવી ગયો હતો. જો કે, 9.30 વાગ્યા સુધીમાં બજાર સુધરવાનું શરૂ કર્યું અને સેન્સેક્સનો ઘટાડો માત્ર 550 પોઈન્ટની આસપાસ જ રહ્યો. જ્યારે અગાઉ પ્રી-ઓપન માર્કેટમાં સેન્સેક્સ 1,264.2 પોઈન્ટ્સ તૂટ્યો હતો.


એ જ રીતે એનએસઈ નિફ્ટી 345.3 પોઈન્ટના ઘટાડા સાથે 25,452.85 પોઈન્ટ પર ખુલ્યો હતો. જો કે, બજારમાં ટૂંક સમયમાં રિકવરી દેખાવા લાગી અને ઘટાડો માત્ર 200 પોઈન્ટ જ રહ્યો. પ્રી-ઓપન માર્કેટમાં નિફ્ટીમાં 1 ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો.

શેરબજારમાં છ લાખ કરોડ સ્વાહા

બજાર ટૂંક સમયમાં સુધરવાના સંકેતો દેખાતું હોવા છતાં, શરૂઆતના ઘટાડાથી રોકાણકારોના લગભગ રૂપિયા 6 લાખ કરોડનું ધોવાણ થયું હતું. બીએસઈ પર લિસ્ટેડ તમામ કંપનીઓની કુલ માર્કેટ કેપિટલાઇઝેશન મંગળવારની સરખામણીમાં રૂપિયા 5.63 લાખ કરોડ ઘટી હતી અને ગુરુવારે બજાર ખુલતાની સાથે જ રૂપિયા 4.69 લાખ કરોડ પર આવી ગયું હતું.

આંતરરાષ્ટ્રીય માર્કેટની સ્થિતિ

મંગળવારે ઈરાન દ્વારા ઈઝરાયલ પરના ભીષણ હુમલા બાદ વિશ્વભરના બજારોમાં અરાજકતાનો ભય જોવા હતો. જો કે, જ્યારે બીજી ઑક્ટોબરે આંતરરાષ્ટ્રીય બજારમાં ટ્રેડિંગ થયું ત્યારે બજાર પર તેની અસર નહિવત હતી. એશિયાના મુખ્ય બજાર જાપાનના નિક્કી 225 ઈન્ડેક્સમાં 2% સુધીનો વધારો જોવા મળ્યો છે. તે જ સમયે, અમેરિકાના એસએન્ડપી 500 ઈન્ડેક્સમાં 0.79 ટકાની વૃદ્ધિ નોંધવામાં આવી છે.

આંતરરાષ્ટ્રીય સ્તરે શેરબજારમાં રિકવરીની પ્રક્રિયા પણ ડાઉ જોન્સમાં 39.55 પોઈન્ટના વધારાના રૂપમાં જોવા મળી રહી છે. આઈટી કંપનીઓનો મુખ્ય ઈન્ડેક્સ નાસ્ડેક પણ 14 પોઈન્ટના વધારા સાથે ગ્રીન ઝોનમાં આવી ગયો છે. દરમિયાન, ભારતના પાડોશી દેશ ચીનનો સીએસઆઈ 300 ઈન્ડેક્સ 314 પોઇન્ટ મજબૂત થયો છે. તે જ સમયે, શાંઘાઈ કમ્પોઝિટ ઇન્ડેક્સ પણ 249 પોઇન્ટ સુધી ગ્રીન ઝોનમાં રહ્યો છે. માત્ર હોંગકોંગના હેંગ શેંગ ઈન્ડેક્સમાં 700 પોઈન્ટ સુધીનો ઘટાડો જોવા મળ્યો છે.

  • Follow us on: