ભારતનું કેન્દ્રીય બજેટ માત્ર આંકડાઓનો ખેલ નથી, પરંતુ તે દેશના કરોડો લોકોના ભવિષ્યનો રોડમેપ છે. વર્ષ 2026નું બજેટ રજૂ થવાની તૈયારીઓ હવે અંતિમ તબક્કામાં છે. દર વર્ષની જેમ આ વખતે પણ 1 ફેબ્રુઆરીએ નાણાં મંત્રી સંસદમાં દેશનું સરવૈયું રજૂ કરશે. પરંતુ આ તારીખ પાછળ એક રસપ્રદ ઇતિહાસ અને મજબૂત વહીવટી તર્ક છુપાયેલો છે.

બજેટની તારીખ બદલવાનું મનોવિજ્ઞાન

વર્ષ 2017 પહેલા સુધી ભારતનું બજેટ ફેબ્રુઆરીના અંતિમ દિવસે રજૂ કરવામાં આવતું હતું. આ પરંપરા બ્રિટિશ કાળથી ચાલી આવતી હતી. જોકે, મોદી સરકારના શાસનકાળ દરમિયાન તત્કાલીન નાણાં મંત્રી અરુણ જેટલીએ આમાં મોટો ફેરફાર કર્યો. તેની પાછળનું મુખ્ય કારણ એ હતું કે ભારતનું નાણાકીય વર્ષ 1 એપ્રિલથી શરૂ થાય છે. જો બજેટ ફેબ્રુઆરીના અંતમાં આવે, તો તેની મંજૂરીની પ્રક્રિયા મે કે જૂન સુધી ખેંચાઈ જતી, જેના કારણે નવી યોજનાઓ માટે ફંડ ફાળવવામાં મોડું થતું. 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરવાથી સરકારને બે મહિનાનો સમય મળે છે, જેથી એપ્રિલ મહિનાના પહેલા જ દિવસથી વિકાસ કાર્યો માટે નાણાંનો પ્રવાહ શરૂ થઈ શકે.

સેક્શન 80C

કરદાતાઓની વર્ષો જૂની માગ બજેટ 2026માં નોકરીપેશા વર્ગની સૌથી મોટી નજર સેક્શન 80C પર છે. મોંઘવારી જે ગતિએ વધી છે, તે જોતા હાલની 1.5 લાખ રૂપિયાની છૂટની મર્યાદા હવે અપૂરતી લાગે છે. કરદાતાઓ આશા રાખી રહ્યા છે કે સરકાર આ મર્યાદામાં વધારો કરશે, જેથી પી.પી.એફ. (PPF) અને લાઈફ ઈન્સ્યોરન્સ જેવી બચત યોજનાઓમાં રોકાણ કરવા માટે વધુ પ્રોત્સાહન મળે. જો આ મર્યાદા વધશે, તો મધ્યમ વર્ગના હાથમાં ખર્ચ કરવા માટે વધુ નાણાં બચશે.

મ્યુચ્યુઅલ ફંડ અને રોકાણકારો માટે ખુશખબર?

રોકાણકારો માટે પણ આ બજેટ મહત્વનું સાબિત થઈ શકે છે. મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓના સંગઠન 'AMFI' એ સરકારને ખાસ ભલામણો કરી છે. તેમનો આગ્રહ છે કે રિટેલ રોકાણકારોને લાંબા ગાળાના રોકાણ (Long-term) માટે ટેક્સમાં વધુ રાહત આપવામાં આવે. જો સરકાર આ સૂચનો સ્વીકારે, તો સામાન્ય માણસ માટે સંપત્તિ સર્જન (Wealth Creation) વધુ સરળ બનશે અને શેરબજારમાં સ્થાનિક રોકાણ વધશે. ટૂંકમાં, બજેટ 2026 એ માત્ર સરકારી ખર્ચનો હિસાબ નહીં, પણ બદલાતી અર્થવ્યવસ્થામાં સામાન્ય માણસની બચત અને રોકાણને વેગ આપવાની એક મોટી તક છે.

આ પણ વાંચોઃ Budget 2026: Auto સેક્ટર માટે 'ટર્નિંગ પોઈન્ટ' સાબિત થશે? ટેક્સમાં રાહત અને EV સબસિડી પર ઉદ્યોગ જગતની નજર