ભારતની અર્થવ્યવસ્થા જ્યારે ઝડપથી આગળ વધી રહી છે, ત્યારે લાખો ભારતીયોની નજર બજેટ 2026 પર ટકેલી છે. આ વર્ષના બજેટમાં સરકાર આવાસ ક્ષેત્ર (Housing Sector) માટે કેટલીક ક્રાંતિકારી જાહેરાતો કરી શકે છે, જે સામાન્ય માણસ માટે ઘર ખરીદવાનું ગણિત સંપૂર્ણપણે બદલી નાખશે.

એફોર્ડેબલ હાઉસિંગની વ્યાખ્યામાં મોટા ફેરફારના સંકેત

લાંબા સમયથી રિયલ એસ્ટેટ નિષ્ણાતો અને સામાન્ય ખરીદદારો માંગ કરી રહ્યા છે કે 'એફોર્ડેબલ હાઉસિંગની કિંમત મર્યાદામાં સુધારો કરવામાં આવે. હાલના નિયમો મુજબ, 45 લાખ રૂપિયા સુધીની કિંમત ધરાવતા ઘરને જ આ શ્રેણીમાં ગણવામાં આવે છે. પરંતુ 2017માં નક્કી કરાયેલી આ મર્યાદા આજે મોંઘવારીના જમાનામાં જૂની અને અપૂરતી લાગે છે. બજેટ 2026માં આ મર્યાદા વધારીને 70 થી 90 લાખ રૂપિયા સુધી કરવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે.

કેમ મર્યાદા વધારવી જરૂરી છે?

છેલ્લા પાંચ-સાત વર્ષોમાં જમીનના ભાવ, સિમેન્ટ-સ્ટીલ જેવા નિર્માણ સાહિત્યના ખર્ચ અને મજૂરીમાં ધરખમ વધારો થયો છે. આજે મુંબઈ, દિલ્હી કે અમદાવાદ જેવા મોટા શહેરોમાં 45 લાખમાં સારો ફ્લેટ મળવો અશક્ય જેવો છે. મોટા શહેરોમાં 2 BHK ફ્લેટની કિંમત સરેરાશ 70 લાખને પાર પહોંચી ગઈ છે. કિંમત 45 લાખથી વધી જતા ખરીદદારો કિફાયતી આવાસની શ્રેણીમાંથી બહાર નીકળી જાય છે, જેના કારણે તેમને સરકારી સબસિડી અને ટેક્સમાં મળતી છૂટનો લાભ મળતો નથી.

સામાન્ય માણસને શું ફાયદો થશે?

જો સરકાર આ મર્યાદા વધારીને 90 લાખ રૂપિયા સુધી લઈ જશે, તો મધ્યમ વર્ગના હજારો પરિવારો સરકારી યોજનાઓના દાયરામાં આવી જશે.

ટેક્સમાં મોટી બચત: હોમ લોનના વ્યાજ પર મળતી વધારાની ટેક્સ છૂટનો લાભ વધુ લોકોને મળશે.

EMI નો ભાર ઘટશે: સબસિડી મળવાથી માસિક હપ્તામાં ઘટાડો થશે.

રિયલ એસ્ટેટમાં તેજી: માંગ વધવાથી નવા પ્રોજેક્ટ્સ શરૂ થશે અને રોજગારીની નવી તકો ઉભી થશે.

બજેટ 2026 માત્ર આંકડાઓની રમત નહીં, પરંતુ ઘરવિહોણા લોકો માટે આશાનું કિરણ સાબિત થઈ શકે છે. જો સરકાર રિયલ એસ્ટેટ સેક્ટરની આ માંગ સ્વીકારી લેશે, તો મેટ્રો શહેરોમાં પોતાનું ઘર ખરીદવું મધ્યમ વર્ગ માટે માત્ર સપનું નહીં પણ હકીકત બની જશે.

આ પણ વાંચોઃ Union Budget 2026 : આઝાદ ભારતનું પહેલું બજેટ રજૂ કરનાર કોણ? જાણો સૌથી વધુ વખત બજેટ રજૂ કરનાર મંત્રીઓ વિશે