ભારતનું કેન્દ્રીય બજેટ માત્ર આંકડાઓનો ખેલ નથી, પરંતુ દેશની આર્થિક દિશા નક્કી કરતો દસ્તાવેજ છે. આગામી 1 ફેબ્રુઆરીના રોજ નાણાં મંત્રી નિર્મલા સીતારમણ સતત 9મી વખત બજેટ રજૂ કરીને એક નવો ઇતિહાસ રચવા જઈ રહ્યા છે. એક જ પ્રધાનમંત્રીના કાર્યકાળમાં સતત 9 વખત બજેટ રજૂ કરનાર તેઓ પ્રથમ નાણાં મંત્રી બનશે.
બજેટની શરૂઆત અને આઝાદ ભારતનો પ્રથમ પ્રયાસ
ભારતમાં બજેટની પરંપરા આઝાદી પહેલાથી ચાલી આવે છે. દેશનું સૌપ્રથમ બજેટ 7 એપ્રિલ 1860ના રોજ બ્રિટિશ શાસન દરમિયાન જેમ્સ વિલ્સન દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. જોકે, આઝાદી બાદ ભારતનું ભાગ્ય લખવાની જવાબદારી ભારતીયોના હાથમાં આવી. 26 નવેમ્બર 1947 ના રોજ દેશના પ્રથમ નાણાં મંત્રી આર. કે. શણમુખમ ચેટ્ટીએ સ્વતંત્ર ભારતનું પ્રથમ બજેટ રજૂ કર્યું હતું.
સૌથી વધુ વખત બજેટ રજૂ કરનાર દિગ્ગજો
ભારતીય રાજનીતિમાં બજેટ રજૂ કરવાનો સૌથી મોટો રેકોર્ડ પૂર્વ પ્રધાનમંત્રી મોરારજી દેસાઈના નામે છે. તેમણે જવાહરલાલ નહેરુ અને લાલ બહાદુર શાસ્ત્રીના શાસનકાળ દરમિયાન કુલ 10 વખત બજેટ રજૂ કરીને ઇતિહાસમાં પોતાનું નામ સુવર્ણ અક્ષરે અંકિત કર્યું છે.
પી. ચિદમ્બરમ
તેમણે કુલ 9 વખત બજેટ રજૂ કર્યું છે. તેમનો પ્રવાસ 1996માં એચ.ડી. દેવેગૌડાની સરકારથી શરૂ થયો હતો અને 2014 સુધી ચાલ્યો હતો.
પ્રણબ મુખર્જી
પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણબ મુખર્જીએ નાણાં મંત્રી તરીકે 8 વખત બજેટ ભાષણ આપ્યા હતા.
નિર્મલા સીતારમણ
વર્તમાન નાણાં મંત્રી પણ હવે 8 બજેટ રજૂ કરી ચૂક્યા છે અને 2026માં તેઓ પોતાનું 9મું બજેટ રજૂ કરીને પી. ચિદમ્બરમની બરાબરી કરશે.
ડો. મનમોહન સિંહ
ભારતના આર્થિક સુધારાના જનક ગણાતા મનમોહન સિંહે 1991થી 1995 વચ્ચે સતત 5 વખત બજેટ રજૂ કર્યું હતું.
સમયની સાથે બજેટ રજૂ કરવાની રીત અને પરંપરાઓ બદલાઈ છે, પરંતુ તેનું મહત્વ આજે પણ એટલું જ છે. શણમુખમ ચેટ્ટીથી શરૂ થયેલી આ સફર આજે નિર્મલા સીતારમણ સુધી પહોંચી છે, જે દર્શાવે છે કે ભારતની અર્થવ્યવસ્થા કેટલી મજબૂત અને પરિવર્તનશીલ રહી છે.
આ પણ વાંચોઃ Union Budget 2026 : પ્રવાસન ક્ષેત્રની સરકાર સામે બે મોટી માંગણીઓ