નાણામંત્રી નિર્મલા સીતારમણે રવિવારે રજૂ કરેલા બજેટ 2026-27 માં ભારતની ધાર્મિક અને સાંસ્કૃતિક ધરોહરને વૈશ્વિક ફલક પર લઈ જવા માટે મોટી જાહેરાત કરી છે. સરકાર ખાસ કરીને ઉત્તર-પૂર્વીય (નોર્થ-ઈસ્ટ) ભારતમાં 'બૌદ્ધ સર્કિટ' વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. આ યોજના અંતર્ગત અરુણાચલ પ્રદેશ, સિક્કિમ, આસામ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા જેવા 6 મહત્વના રાજ્યોમાં બૌદ્ધ મઠોનું નિર્માણ અને જૂના મઠોનું સંરક્ષણ કરવામાં આવશે. આનાથી બૌદ્ધ ધર્મના અનુયાયીઓ અને વિદેશી પ્રવાસીઓ માટે આકર્ષણ વધશે.


નોર્થ-ઈસ્ટ માટે સુવિધાઓનો પિટારો

માત્ર ધાર્મિક સ્થળો જ નહીં, પણ ત્યાંની પાયાની સુવિધાઓમાં પણ મોટો સુધારો કરવામાં આવશે. પર્યાવરણની જાળવણી અને પરિવહનની સુવિધા માટે નોર્થ-ઈસ્ટના રાજ્યોમાં 4,000 નવી ઈલેક્ટ્રિક બસો દોડાવવામાં આવશે. આ ઉપરાંત, પૂર્વોત્તર રાજ્યોમાં કળા અને કૌશલ્યને પ્રોત્સાહન આપવા માટે 'નેશનલ ડિઝાઇન ઇન્સ્ટિટ્યૂટ' (NDI) ની સ્થાપના કરવાની જાહેરાત પણ કરવામાં આવી છે. 'પૂર્વોદય' યોજના હેઠળ આ રાજ્યોમાં ૫ નવા પર્યટન સ્થળો વિકસાવવાનું લક્ષ્ય છે.

પર્યટન ક્ષેત્રે રોજગારી અને આધુનિકરણ

સમગ્ર દેશમાં પર્યટન ઉદ્યોગને વેગ આપવા માટે સરકારે 10,000 ટૂરિસ્ટ ગાઈડને તાલીમ આપવાનો પ્રોગ્રામ જાહેર કર્યો છે, જેનાથી સ્થાનિક યુવાનો માટે રોજગારીની નવી તકો ઉભી થશે. આ સિવાય મેડિકલ ટૂરિઝમ હબ બનાવવાની જાહેરાત અને વિદેશી પ્રવાસ પર ટેક્સમાં રાહત આપવાથી ટ્રાવેલ એજન્ટો અને પ્રવાસન ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને મોટી આશા જાગી છે. ડિજિટલ પ્રચાર અને ઇકો-ટૂરિઝમ ટ્રેલ્સ દ્વારા પ્રકૃતિ પ્રેમીઓને પણ આકર્ષવા માટે સરકાર સજ્જ છે.

આ પણ વાંચોઃ Union Budget 2026: બજેટ રજૂ થયા બાદ સોશિયલ મીડિયામાં મીમ્સનો વરસાદ, તમે પણ જોઇને હસીને લોટ પોટ થઇ જશો!


  • Follow us on: