1 ફેબ્રુઆરી 2026 દેશ માટે મહત્વનો દિવસ છે. એક તરફ કેન્દ્રીય બજેટ રજૂ થઈ રહ્યું છે, તો બીજી તરફ મહિનાની પહેલી તારીખથી અનેક નિયમો અને કિંમતોમાં ફેરફાર અમલમાં આવ્યા છે. આ ફેરફારો સામાન્ય નાગરિકના રોજિંદા જીવન, ખર્ચ અને સુવિધાઓને સીધી રીતે અસર કરે છે. ચાલો સરળ સમજીએ કે આજથી તમારા માટે શું બદલાયું છે.
LPG, CNG અને PNGના ભાવમાં ફેરફારની શક્યતા
દર મહિને ઓઇલ માર્કેટિંગ કંપનીઓ LPG સિલિન્ડરના ભાવની સમીક્ષા કરે છે. 1 ફેબ્રુઆરીની વહેલી સવારે ઘરેલુ અને કોમર્શિયલ LPGના નવા ભાવ જાહેર થવાની શક્યતા છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં કોમર્શિયલ ગેસના ભાવમાં વધઘટ જોવા મળી છે, જ્યારે ઘરેલુ ગેસના ભાવ લાંબા સમયથી સ્થિર રહ્યા છે.
CNG અને PNGના ભાવમાં ફેરફાર
આ સાથે CNG અને PNGના ભાવમાં પણ ફેરફાર થઈ શકે છે. જો CNG મોંઘી થાય, તો કાર અને ઓટોરિક્ષા દ્વારા મુસાફરી કરનાર લોકો માટે ખર્ચ વધશે. એવિએશન ફ્યુઅલ (ATF)ના ભાવ પણ આજથી નક્કી થશે, જેનાથી આવનારા દિવસોમાં હવાઈ ભાડાં મોંઘા થઈ શકે છે.
સિગારેટ અને ગુટખા હવે વધુ મોંઘા
જો તમે સિગારેટ, પાન મસાલા અથવા ગુટખા વાપરો છો, તો હવે વધારે પૈસા ચૂકવવા પડશે. સરકાર આ હાનિકારક ઉત્પાદનો પર એક્સાઇઝ ડ્યુટી અને સેસ વધારવાની તૈયારીમાં છે. આ વધારો GST સિવાયનો હશે, એટલે કે તેની સીધી અસર ગ્રાહકો પર પડશે. સરકાર આવા પગલાં સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને લે છે, જેથી લોકો તમાકુ ઉત્પાદનોનો ઉપયોગ ઘટાડે. પરંતુ વાસ્તવમાં તેનો સીધો અસર સામાન્ય ગ્રાહકના ખિસ્સા પર પડે છે.
FASTag વપરાશકર્તાઓને મોટી રાહત
વાહનચાલકો માટે સારા સમાચાર છે. હવે FASTag માટે વારંવાર KYC કરાવવાની જરૂર નહીં રહે. 1 ફેબ્રુઆરીથી FASTagની KYCની સંપૂર્ણ જવાબદારી તેને જારી કરતી બેંકોની રહેશે. બેંકો FASTag આપતા પહેલા વાહન અને માલિકની યોગ્ય ચકાસણી કરશે. આ બદલાવથી ટોલ પ્લાઝા પર થતી મુશ્કેલી ઘટશે અને રોડ યાત્રા વધુ સરળ બનશે.
ક્રેડિટ કાર્ડ નિયમોમાં કડકાઈ
ક્રેડિટ કાર્ડ વપરાશકર્તાઓ માટે કેટલાક નિયમો કડક બન્યા છે. HDFC બેંકના Infinia Metal કાર્ડ ધારકો હવે મહિનામાં માત્ર 5 વખત જ રિવોર્ડ પોઈન્ટ રિડીમ કરી શકશે. આ સાથે ICICI બેંક કેટલાક પસંદગીના કાર્ડ્સ પર BookMyShowની મફત મૂવી ટિકિટ ઓફર બંધ કરી રહી છે. એટલે મનોરંજનના લાભો હવે સીમિત થશે.
SBI IMPS ચાર્જમાં ફેરફાર
- SBI એ IMPS ટ્રાન્ઝેક્શન માટે નવા સર્વિસ ચાર્જ જાહેર કર્યા છે, જે 15 ફેબ્રુઆરી 2026થી લાગુ થશે.
- ₹25,000 થી ₹1 લાખ: ₹2 + GST
- ₹1 લાખ થી ₹2 લાખ: ₹6 + GST
- ₹2 લાખ થી ₹5 લાખ: ₹10 + GST
- આ ફેરફાર ખાસ કરીને મોટા ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરનાર ગ્રાહકોને અસર કરશે.
PNB ગ્રાહકો માટે KYC ચેતવણી
પંજાબ નેશનલ બેંકે તેના ગ્રાહકોને KYC અપડેટ કરવાની સૂચના આપી છે. જો તમારા ખાતાની KYC તારીખ 31 ડિસેમ્બર 2025 સુધી માન્ય હતી, તો 2 ફેબ્રુઆરી 2026 પહેલાં અપડેટ કરવી જરૂરી છે. KYC અપડેટ ન કરાવવાથી ખાતા પર પ્રતિબંધ લાગી શકે છે, જેમ કે ટ્રાન્ઝેક્શન બંધ થવું.
આ પણ વાંચો : Political Profile : કોણ છે સુનેત્રા પવાર? શાંત સામાજિક કાર્યકરથી NCPના સત્તાકેન્દ્ર સુધીની સફર