કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે રજૂ કરેલા બજેટ 2026-27માં સરકારનો ફોકસ વિકાસ, ટેક્નોલોજી અને સર્વસમાવેશી વિકાસ પર જોવા મળે છે. નાણાકીય વર્ષ 2026-27 માટે રાજકોષીય ખાધ 4.3 ટકા રાખવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે, જ્યારે મૂડી ખર્ચ વધારીને ₹12.2 લાખ કરોડ કરવામાં આવ્યો છે, જે ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રોજગારી માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
વિદેશ યાત્રા અને રેમિટન્સ સસ્તી
વિદેશ યાત્રા કરનારાઓ માટે સારા સમાચાર છે. વિદેશી યાત્રા પેકેજ પર લાગતો TCS દર હવે 5% અને 20% થી ઘટાડીને માત્ર 2% કરવામાં આવ્યો છે. ખાસ વાત એ છે કે હવે કોઈ મર્યાદા લાગુ નહીં પડે. તે જ રીતે, શિક્ષણ અને તબીબી હેતુઓ માટે LRS હેઠળ લાગતો TCS દર પણ 5% થી ઘટાડીને 2% કરવામાં આવ્યો છે.
દવાઓ અને કસ્ટમ ડ્યુટીમાં મોટી રાહત
બજેટમાં આરોગ્ય ક્ષેત્રને મોટી રાહત આપવામાં આવી છે. 17 કેન્સર વિરોધી દવાઓ અને સાત દુર્લભ રોગોની દવાઓને બેઝિક કસ્ટમ ડ્યુટીમાંથી સંપૂર્ણ મુક્તિ આપવામાં આવશે. આ પગલાથી ગંભીર રોગોની સારવાર સસ્તી થવાની શક્યતા છે.
કરદાતાઓ માટે મહત્વપૂર્ણ જાહેરાતો
પાંચ વર્ષથી ભારતમાં રહેતા વિદેશી નાગરિકોને તેમની વિદેશી આવક પર ટેક્સમાંથી મુક્તિ મળશે. મોટર અકસ્માત દાવા ટ્રિબ્યુનલ (MACT) દ્વારા મળતું વ્યાજ હવે સંપૂર્ણપણે આવકવેરા અને TDS મુક્ત રહેશે. નવો આવકવેરા કાયદો 1 એપ્રિલ 2026થી અમલમાં આવશે અને ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ હવે 31 માર્ચ સુધી લંબાવવામાં આવી છે.
ડેટા, AI અને ટેકનોલોજી પર ભાર
ભારતમાં ક્લાઉડ કંપનીઓ માટે 2047 સુધી ટેક્સ હોલિડે જાહેર કરવામાં આવી છે. નાના કરદાતાઓ માટે લોઅર અથવા ઝીરો TDS સર્ટિફિકેટ્સ હવે નિયમ આધારિત સ્વચાલિત પ્રક્રિયા દ્વારા સરળતાથી મળશે. ફોર્મ 15G/15H સીધા ડિપોઝિટરી દ્વારા કંપનીઓ સુધી પહોંચાડવામાં આવશે.
ખેડૂતો અને માનસિક સ્વાસ્થ્ય માટે નવી પહેલ
ખેડૂતો માટે બહુભાષી AI આધારિત કૃષિ સાધન શરૂ કરવામાં આવશે, જે ખેતીને વધુ આધુનિક અને લાભદાયી બનાવશે. ઉત્તર ભારત માટે માનસિક સ્વાસ્થ્ય પર કેન્દ્રિત NIMHANS 2.0ની સ્થાપનાની પણ જાહેરાત કરવામાં આવી છે.
ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઉદ્યોગ વિકાસ
દેશભરમાં સાત હાઈ-સ્પીડ રેલ કોરિડોર બનાવવાનો પ્રસ્તાવ છે. MSME ક્ષેત્ર માટે ₹10,000 કરોડનું ભંડોળ ફાળવવામાં આવ્યું છે. બાયોફાર્મા ક્ષેત્રમાં “શક્તિ” યોજના હેઠળ આગામી પાંચ વર્ષ માટે ₹10,000 કરોડ ફાળવાશે. સેમિકન્ડક્ટર મિશન 2.0 પણ શરૂ કરવામાં આવશે.
શું સસ્તુ શું મોંઘું ?
બજેટ 2026માં સરકારએ એક તરફ ખનીજ, ભંગાર અને દારૂ જેવી વસ્તુઓ પર કર વધારીને આવક વધારવાનો પ્રયાસ કર્યો છે, જ્યારે બીજી તરફ સામાન્ય જનતા અને ઉદ્યોગોને રાહત મળે તે માટે અનેક જરૂરી વસ્તુઓ સસ્તી કરી છે. ચામડું અને કાપડ ઉદ્યોગ, વિદેશ યાત્રા, આરોગ્ય ક્ષેત્ર, ગ્રીન એનર્જી અને ઇલેક્ટ્રિક વાહન જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રોને સીધી મદદ મળશે. ખાસ કરીને કેન્સરની દવાઓ, માઇક્રોવેવ, EV બેટરી અને બાયોગેસ મિશ્રિત CNG સસ્તા થવાથી મધ્યમ વર્ગ પરનો ખર્ચનો બોજ ઘટશે. કુલ મળીને, બજેટ 2026 ‘વિકસિત ભારત 2047’ના લક્ષ્યને ધ્યાનમાં રાખીને મોંઘવારી નિયંત્રણ, ઉત્પાદન પ્રોત્સાહન અને જનહિત વચ્ચે સંતુલન સાધવાનો પ્રયાસ કરે છે.
આ પણ વાંચો : Union Budget 2026 : સસ્તા જૂતા, મોંઘો દારૂ! બજેટ 2026એ કોને આપી રાહત અને કોને લાગ્યો ઝટકો?