ભારતના બજેટ 2026માં સરકારે કૃષિ સાથે જોડાયેલા ક્ષેત્રોને મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ પગલાં લીધા છે. ખેતી સાથે માછીમારી અને જળચરઉછેર જેવા વ્યવસાયો પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે નાણાકીય વર્ષ 2026-27 માટે સંસદમાં રજૂ કરેલા બજેટમાં સ્પષ્ટ કર્યું છે કે માછીમારી આવનારા સમયમાં ગ્રામિણ અર્થવ્યવસ્થાનું મજબૂત સ્તંભ બનશે.

ખેતી સિવાયના ક્ષેત્રોને આપ્યું પ્રોત્સાહન

બજેટ 2026માં સરકારએ પરંપરાગત ખેતી સિવાયના ક્ષેત્રોને પણ પ્રોત્સાહન આપવાનો નિર્ણય કર્યો છે. ખાસ કરીને દક્ષિણ ભારતના વાવેતર પાકો જેમ કે નાળિયેર, કોકો, કાજુ અને ચંદન સાથે જળ પ્રાણીઓનો ઉછેર અને માછીમારીને પણ વિકાસના મુખ્ય કેન્દ્રમાં રાખવામાં આવ્યા છે. આ સાથે ખેડૂતો, પશુપાલન કામદારો, પશુચિકિત્સકો અને ગ્રામીણ વ્યવસાયોને ટેકો આપવા માટે નવી યોજનાઓની જાહેરાત કરવામાં આવી છે. મહિલાઓ દ્વારા સંચાલિત સ્વરોજગાર અને ગ્રામીણ વ્યવસાયોને પણ બજેટમાં વિશેષ પ્રોત્સાહન આપવામાં આવ્યું છે.

 દેશભરમાં 500 જળાશયો અને અમૃત સરોવરોના એકસાથે વિકાસ

બજેટની એક મહત્વપૂર્ણ જાહેરાત દેશભરમાં 500 જળાશયો અને અમૃત સરોવરોના એકસાથે વિકાસની છે. આ પગલાંથી દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારી પ્રવૃત્તિઓને વેગ મળશે અને તળાવો તથા સરોવરોમાં માછલી ઉછેર માટે નવી તકો ઊભી થશે. સરકારનો હેતુ મત્સ્યપાલકોને સીધી બજાર પહોંચ ઉપલબ્ધ કરાવવાનો છે જેથી તેઓ મધ્યસ્થીઓ પર નિર્ભર રહ્યા વગર પોતાના ઉત્પાદનોને યોગ્ય ભાવ પર વેચી શકે. આ યોજના હેઠળ સ્ટાર્ટઅપ્સ, મહિલા સ્વસહાય જૂથો અને મત્સ્ય ખેડૂત ઉત્પાદક સંગઠનોને પણ વિશેષ લાભ મળશે.

બજેટ 2026માં મોટી રાહત

નાણાકીય સહાય બાબતે બજેટ 2026માં મોટી રાહત આપવામાં આવી છે. હાલમાં દેશના કરોડો ખેડૂતો, માછીમારો અને ડેરી ખેડૂતો કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા લોન મેળવે છે. હવે સરકારએ KCC હેઠળ મળતી લોનની મર્યાદા ત્રણ લાખ રૂપિયાથી વધારીને પાંચ લાખ રૂપિયા કરવાની જાહેરાત કરી છે. આથી માછીમારી શરૂ કરવા ઈચ્છતા અથવા પોતાનો વ્યવસાય વિસ્તૃત કરવા માંગતા મત્સ્યપાલકોને વધુ મૂડી ઉપલબ્ધ થશે અને વ્યાજ સબસિડી યોજનાનો લાભ પણ ચાલુ રહેશે.

સીફૂડ નિકાસને વધુ મજબૂત

ભારતની સીફૂડ નિકાસને વધુ મજબૂત બનાવવા માટે સરકારે કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતીય સીફૂડ વધુ સ્પર્ધાત્મક બને તે માટે ફ્રોઝન ફિશ પેસ્ટ અને માછલી તથા ઝીંગા ખોરાક માટે વપરાતા કાચા માલ પરની ડ્યુટી નોંધપાત્ર રીતે ઘટાડવામાં આવી છે. આ નિર્ણયથી પ્રોસેસિંગ ઉદ્યોગને લાભ મળશે અને નિકાસ વધશે.

માછલી ઉત્પાદન અને જળચરઉછેરમાં બીજા ક્રમે

ભારત હાલમાં વિશ્વમાં માછલી ઉત્પાદન અને જળચરઉછેરમાં બીજા ક્રમે છે અને દેશમાંથી દર વર્ષે આશરે સાઠ હજાર કરોડ રૂપિયાનું સીફૂડ નિકાસ થાય છે. દરિયાઈ ક્ષેત્રની આ વિશાળ સંભાવનાનો સંપૂર્ણ ઉપયોગ કરવા માટે સરકાર ભારતીય વિશિષ્ટ આર્થિક ક્ષેત્ર અને દરિયાઈ સંસાધનોના ટકાઉ અને વૈજ્ઞાનિક ઉપયોગ માટે નવી નીતિઓ અમલમાં મૂકાશે. ખાસ કરીને આંદામાન-નિકોબાર અને લક્ષદ્વીપ ટાપુઓમાં માછીમારી વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

આ પણ વાંચો : India Defence Budget 2026 : ઓપરેશન સિંદૂર માટે મજબૂત ઢાલ બનશે નવું ડિફેન્સ બજેટ , મિસાઇલ, ડ્રોન માટે સરકારનો મોટો નિર્ણય