વૈભવ સૂર્યવંશીની 204 રનની ઇનિંગની ચર્ચા હવે માત્ર ભારતના ક્રિકેટરો પૂરતી રહી નથી. ન્યૂઝીલેન્ડના બોલિંગ કોચ અને પૂર્વ ઓલરાઉન્ડર જેકબ ઓરમ પણ આ યુવા બેટરની બેટિંગથી પ્રભાવિત થયા છે. તેમણે વૈભવની આક્રમક બેટિંગને અદ્ભુત ગણાવી અને કહ્યું કે તેની ઉંમર કરતાં તેની રમત કેટલી સારી છે તે વધારે મહત્ત્વનું છે. ઓરમે મજાકમાં એવી ઇચ્છા પણ વ્યક્ત કરી કે વૈભવ ન્યૂઝીલેન્ડ સામે 50 બોલમાં બેવડી સદી ન ફટકારે. વૈભવની ઇનિંગ બાદ વનડે ક્રિકેટના ભવિષ્ય અંગે પણ ચર્ચા શરૂ થઈ છે. આ મુદ્દે ઓરમે સ્પષ્ટ કહ્યું કે ટી20ની લોકપ્રિયતા અને ટેસ્ટ ક્રિકેટના ચાહકો વચ્ચે પણ 50 ઓવરના ક્રિકેટનું પોતાનું સ્થાન છે.

‘50 બોલમાં 200 રન પાગલપંતી છે’

ન્યૂઝીલેન્ડના બોલિંગ કોચ જેકબ ઓરમે વૈભવની બેટિંગનાં વખાણ કરતાં કહ્યું હતું કે, "50 બોલમાં 200 રન બનાવવું પાગલપંતી છે. તમે વિચારો કે આ પછી ખેલાડી ક્યાં જઈ શકે?" તેમણે વૈભવને અદ્ભુત પ્રતિભા ગણાવ્યો હતો. ઓરમે કહ્યું કે તેમણે IPL અને અન્ય ટુર્નામેન્ટમાં વૈભવને રમતો જોયો છે. તેની બેટિંગમાં રોમાંચ અને મનોરંજન બંને છે. ક્રિકેટમાં આવા ખેલાડીઓ જેટલા વધારે હશે, તેટલી આ રમતની લોકપ્રિયતા વધશે. જોકે, તેમણે મજાકમાં કહ્યું હતું કે આશા છે કે વૈભવ ન્યૂઝીલેન્ડ સામે રમતી વખતે 50 બોલમાં બેવડી સદી નહીં ફટકારે. કારણ કે તેની સામે બોલિંગ કરતી વખતે દરેક વખતે સંપૂર્ણ તૈયારી સાથે મેદાનમાં ઊતરવું પડશે.

https://x.com/PTI_News/status/2125446089771999404?a=2pJw_aW_kqCuIOOqIdE&s=20

ઉંમર નહીં, તેની રમત મહત્ત્વની

વૈભવની ઉંમર અંગે વાત કરતાં ઓરમે કહ્યું કે તે 15 વર્ષનો હોય કે 16 વર્ષનો, તેનાથી તેની પ્રતિભામાં કોઈ ફરક પડતો નથી. જો તે 25 કે 26 વર્ષનો હોત, તો પણ તેની રમત એટલી જ પ્રભાવશાળી ગણાત. ઓરમના મતે ખેલાડીની ઉંમર કરતાં તે કેટલો સારો ખેલાડી છે તે મહત્ત્વનું છે. તેમણે વૈભવની ન્યૂઝીલેન્ડ સામેની વેલિંગ્ટન ટી20 મેચનો પણ ઉલ્લેખ કર્યો હતો. આ મેચમાં વૈભવે માત્ર 19 બોલમાં 45 રન બનાવ્યા હતા. ઓરમે કહ્યું કે એ ઇનિંગમાં પણ તેની આક્રમક બેટિંગની ઝલક જોવા મળી હતી. હવે 204 રનની ઇનિંગ બાદ તેની પ્રતિભા વિશે કોઈ શંકા રહેતી નથી.

શું વૈભવ વનડે ક્રિકેટનો તારણહાર બનશે?

વૈભવની 53 બોલમાં 204 રનની ઇનિંગ બાદ વનડે ક્રિકેટની ઉપયોગિતા અંગે પણ ચર્ચા શરૂ થઈ છે. ટી20 ક્રિકેટની વધતી લોકપ્રિયતા વચ્ચે 50 ઓવરની મેચોનું ભવિષ્ય શું હશે, તે સવાલના જવાબમાં ઓરમે કહ્યું કે 15 વર્ષના ખેલાડીને અત્યારથી વનડે ક્રિકેટનો તારણહાર ગણાવવો યોગ્ય નથી. સમય જતાં તેની કારકિર્દી કેવી આગળ વધે છે તે જોવું પડશે. જોકે, ઓરમ માને છે કે વનડે ક્રિકેટનું પોતાનું સ્થાન છે. તેમણે કહ્યું કે સામાન્ય દર્શકોને ટી20 ક્રિકેટ પસંદ છે અને પરંપરાગત ક્રિકેટના ચાહકો ટેસ્ટ મેચને પસંદ કરે છે, પરંતુ આ બંનેની વચ્ચે 50 ઓવરના ક્રિકેટ માટે પણ જગ્યા છે. એટલે વૈભવની એક ઇનિંગના આધારે વનડે ક્રિકેટનું ભવિષ્ય નક્કી કરી શકાય નહીં.

આ પણ વાંચો: Vaibhav Sooryavanshiના જાડેજા, સેહવાગથી માઇકલ વોન સુધી દિગ્ગજો થયા ફેન