ક્રિકેટ જગતમાં હવે 2027 વનડે વર્લ્ડ કપને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ છે. દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામીબિયાની યજમાનીમાં યોજાનારા આ મહાકુંભ માટે ક્રિકેટ ચાહકોમાં અત્યારથી જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન એરોન ફિન્ચે વર્લ્ડ કપની સેમિફાઇનલમાં પહોંચનારી 4 ટીમને લઈને મોટી આગાહી કરી છે. તેમની પસંદગીમાં ભારત, ઇંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાનો સમાવેશ થાય છે.જોકે,ફિન્ચે પોતાની યાદીમાં પાકિસ્તાનને સ્થાન આપ્યું નથી.

ક્યારે રમાશે 2027 વનડે વર્લ્ડ કપ?

2027 વનડે વર્લ્ડ કપનું આયોજન 2 ઓક્ટોબરથી 21 નવેમ્બર દરમિયાન કરવામાં આવશે. આ ટૂર્નામેન્ટની યજમાની દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામીબિયા કરશે. વિશ્વની ટોચની ટીમો વચ્ચે ખિતાબ માટે રોમાંચક મુકાબલા જોવા મળશે.ભારત અને પાકિસ્તાનને એક જ ગ્રુપમાં રાખવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી છે. બંને ટીમો વચ્ચે 10 ઓક્ટોબર, 2027ના રોજ જોહાનિસબર્ગમાં મુકાબલો રમાવાનો ઉલ્લેખ છે. ભારત-પાકિસ્તાનની મેચ હંમેશાં ક્રિકેટ જગતનું સૌથી મોટું આકર્ષણ રહી છે, તેથી આ મેચને લઈને ચાહકોમાં અત્યારથી જ ઉત્સુકતા જોવા મળી રહી છે.

એરોન ફિંચે આ 4 ટીમને પસંદ કરી

ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન એરોન એરોન ફિન્ચના મતે ભારત, ઇંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા સેમિફાઇનલમાં પહોંચવાની ક્ષમતા ધરાવે છે. આ ચારેય ટીમમાં મજબૂત બેટિંગ અને અસરકારક બોલિંગનું સંયોજન હોવાથી તેઓ ખિતાબની દાવેદાર બની શકે છે.ફિંચે પોતાની પસંદગીમાં પાકિસ્તાનને સ્થાન આપ્યું નથી. જોકે, વર્લ્ડ કપ જેવી મોટી ટૂર્નામેન્ટમાં ટીમોનું પ્રદર્શન ખેલાડીઓની ફિટનેસ, ફોર્મ અને મેચની પરિસ્થિતિઓ પર પણ આધાર રાખે છે. તેથી, આ આગાહી છે, અંતિમ પરિણામ નહીં.

ઇંગ્લેન્ડને કેમ માને છે મજબૂત દાવેદાર?

એરોન ફિન્ચે હેરી બ્રુકના નેતૃત્વ હેઠળ ઇંગ્લેન્ડના પ્રદર્શનની પ્રશંસા કરી હતી. તેમના મતે ઇંગ્લેન્ડની ટીમ આક્રમક ક્રિકેટ રમે છે અને તેના મધ્યમ ક્રમના બેટરો સ્પિન બોલિંગ સામે સારી રીતે રમી શકે છે.હેરી બ્રુક પણ હાલના સમયના પ્રતિભાશાળી બેટરોમાં સામેલ છે. જો ઇંગ્લેન્ડના ખેલાડીઓ વર્લ્ડ કપ સુધી પોતાનું ફોર્મ જાળવી રાખશે, તો તેઓ અન્ય ટીમો માટે મોટો પડકાર બની શકે છે.

દક્ષિણ આફ્રિકાને ઘરઆંગણે મળશે ફાયદો?

એરોન ફિન્ચે યજમાન દક્ષિણ આફ્રિકાને પણ સેમિફાઇનલની મજબૂત દાવેદાર ગણાવી છે. તેમના મતે ટીમમાં ઝડપી બોલરો, સ્પિનરો અને બેટિંગ વિભાગનું સારું સંતુલન છે.યુવા અને અનુભવી ખેલાડીઓનું સંયોજન દક્ષિણ આફ્રિકાને વધુ મજબૂત બનાવે છે.ઘરઆંગણે રમવાનો ફાયદો પણ દક્ષિણ આફ્રિકાની ટીમને મળી શકે છે. પોતાની પરિસ્થિતિઓથી પરિચિત હોવાને કારણે ખેલાડીઓ માટે મેચની યોજના બનાવવી સરળ બની શકે છે.

ભારત અને ઓસ્ટ્રેલિયા પણ ખિતાબના દાવેદાર

ભારત પાસે મજબૂત બેટિંગ અને વિવિધ પ્રકારના બોલરોનો વિકલ્પ છે. બીજી તરફ, ઓસ્ટ્રેલિયાનો વર્લ્ડ કપમાં શાનદાર ઇતિહાસ રહ્યો છે. મોટી ટૂર્નામેન્ટમાં દબાણ હેઠળ રમવાની ક્ષમતા તેને હંમેશાં ખતરનાક બનાવે છે.હવે જોવાનું એ રહેશે કે 2027 વર્લ્ડ કપ સુધી ચારેય ટીમ પોતાનું પ્રદર્શન કેવું જાળવી રાખે છે અને એરોન ફિન્ચની આગાહી કેટલી સાચી સાબિત થાય છે.વર્લ્ડ કપ શરૂ થાય ત્યાં સુધી ટીમોની પસંદગી, ખેલાડીઓનું ફોર્મ અને તૈયારીઓમાં અનેક ફેરફાર થઈ શકે છે.

આ પણ વાંચો -Steve Smithએ રચ્યો ઇતિહાસ! જો રૂટને પાછળ છોડીને ટેસ્ટ ક્રિકેટમાં બન્યો નંબર-1