ટેસ્ટ ક્રિકેટમાં ઉંમર માત્ર એક આંકડો છે, તે વાત ઝિમ્બાબ્વેના બે દિગ્ગજ બેટ્સમેન બ્રેન્ડન ટેલર અને ક્રેગ ઇરવિને સાબિત કરી છે. અફઘાનિસ્તાન સામે શારજાહમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં બંને ખેલાડીઓએ 40 વર્ષથી વધુ ઉંમરે સદી ફટકારીને ઇતિહાસ રચ્યો છે. ટેસ્ટ ક્રિકેટના 149 વર્ષના ઇતિહાસમાં આવું માત્ર ત્રીજી વખત બન્યું છે, જ્યારે એક જ ટેસ્ટ મેચમાં બે 40 કે તેથી વધુ ઉંમરના બેટ્સમેનોએ સદી ફટકારી હોય.
ટેલરે પહેલા દિવસે જ રચ્યો ઇતિહાસ
મેચની પ્રથમ ઇનિંગમાં બ્રેન્ડન ટેલરે શાનદાર બેટિંગ કરી હતી. 40 વર્ષ 272 દિવસની ઉંમરે મેદાનમાં ઉતરેલા ટેલરે 168 બોલમાં 131 રનની ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેણે 14 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. તેની આ ઇનિંગના કારણે ઝિમ્બાબ્વે પ્રથમ ઇનિંગમાં 504 રનનો મોટો સ્કોર ઊભો કરી શક્યું હતું. આ સદી સાથે ટેલર ઝિમ્બાબ્વે માટે ટેસ્ટ ક્રિકેટમાં સદી ફટકારનાર સૌથી મોટી ઉંમરના ખેલાડી બન્યો હતો. તેણે આ મામલે પોતાના જ સાથી ક્રેગ ઇરવિનનો અગાઉનો રેકોર્ડ તોડ્યો હતો. ટેલર માટે આ ટેસ્ટ સદી ખાસ હતી, કારણ કે તેણે લગભગ આઠ વર્ષ બાદ ટેસ્ટ ક્રિકેટમાં સદી ફટકારી હતી.
ઇરવિને પાંચમી ટેસ્ટ સદી સાથે ટેલરનો રેકોર્ડ તોડ્યો
મેચની બીજી ઇનિંગમાં ક્રેગ ઇરવિને પણ પોતાની બેટિંગનો જાદુ બતાવ્યો હતો. 41 વર્ષ 82 દિવસની ઉંમરે તેણે સદી ફટકારી અને ટેલરનો થોડા દિવસ પહેલાં જ બનેલો રેકોર્ડ તોડી નાખ્યો. હવે ઇરવિન ઝિમ્બાબ્વે માટે ટેસ્ટ સદી ફટકારનાર સૌથી મોટી ઉંમરનો ખેલાડી બની ગયો છે. આ ઇરવિનની ટેસ્ટ કારકિર્દીની પાંચમી સદી હતી. આ સાથે તેણે ટેસ્ટ ક્રિકેટમાં 2,000 રન પણ પૂરા કર્યા. ઝિમ્બાબ્વે તરફથી ટેસ્ટ ક્રિકેટમાં 2,000 રનનો આંકડો પાર કરનાર તે સાતમો બેટ્સમેન બન્યો છે.
ટેસ્ટ ક્રિકેટમાં માત્ર ત્રીજી વખત આવો રેકોર્ડ
આ મેચની સૌથી મોટી ખાસિયત એ છે કે બંને ખેલાડીઓએ 40 વર્ષની ઉંમર પાર કર્યા પછી એક જ ટેસ્ટમાં સદી ફટકારી. 149 વર્ષના ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં આ માત્ર ત્રીજી ઘટના છે. ટેલરે પ્રથમ ઇનિંગમાં સદી ફટકારી અને ઇરવિને બીજી ઇનિંગમાં આ સિદ્ધિ મેળવી. ટેલર બીજી ઇનિંગમાં પણ સદીની નજીક પહોંચ્યો હતો, પરંતુ 88 બોલમાં 82 રન બનાવી આઉટ થયો હતો. બીજી તરફ ઇરવિને પોતાની સદી પૂરી કરીને મેચને યાદગાર બનાવી દીધી.
આ પ્રદર્શનથી બંને અનુભવી ખેલાડીઓએ સાબિત કર્યું કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અનુભવ અને ધીરજનું મહત્ત્વ આજે પણ એટલું જ છે. યુવા ખેલાડીઓની વચ્ચે 40 વર્ષથી વધુ ઉંમરના આ બે બેટ્સમેનોની સદીઓ લાંબા સમય સુધી યાદ રાખવામાં આવશે.
આ પણ વાંચો: Hardik Pandyaને પંજાબ મોકલવો યોગ્ય? ડિવિલિયર્સે સમજાવ્યું મુંબઈ-પંજાબના ટ્રેડનું ગણિત