અંડર-19 એશિયા કપની ફાઇનલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી હતી.અંતિમ બોલ સુધી ચાલેલા રોમાંચક મુકાબલામાં ભારતીય ટીમે પાકિસ્તાનને 1 વિકેટે હરાવીને ખિતાબ પોતાના નામે કર્યો હતો.પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરતાં 337 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો.જવાબમાં ભારતીય ટીમે શાનદાર બેટિંગ કરીને ઐતિહાસિક જીત મેળવી હતી.આ મેચમાં પૂર્વ ભારતીય ક્રિકેટર વીરેન્દ્ર સહેવાગના દીકરા આર્યવીર સહેવાગે પણ મહત્ત્વપૂર્ણ ઇનિંગ રમી હતી.જોકે,આ ઇનિંગ દરમિયાન તેના હાથમાં ગંભીર ઈજા થઈ હતી.તેમ છતાં તે મેદાન છોડીને ગયો નહોતો અને પીડા સહન કરીને ટીમ માટે લડતો રહ્યો હતો.

હાથમાં ઈજા છતાં આર્યવીરે મેદાન છોડ્યું નહીં

ફાઇનલ મેચ પૂરી થયા બાદ BCCIએ એક વીડિયો શેર કર્યો છે.આ વીડિયોમાં આર્યવીર સહેવાગ અને ભારતીય ટીમના કેપ્ટન લક્ષ્ય રાયચંદાનીએ ફાઇનલ મેચના અનુભવો શેર કર્યા છે.આર્યવીરે જણાવ્યું કે બેટિંગ દરમિયાન તેના હાથમાં બોલ વાગ્યો હતો.ત્યારબાદ હાથ સુન્ન થઈ ગયો હતો અને ખૂબ જ દુખાવો થતો હતો. તેના હાથમાં સોજો પણ આવી ગયો હતો.ટીમના કોચ સુરેશ સરે પણ તેની ઈજા જોઈને હાથમાં ઘણો સોજો હોવાનું જણાવ્યું હતું.આટલી પીડા હોવા છતાં આર્યવીરે મેદાન છોડવાનો નિર્ણય લીધો નહોતો.તેનું કહેવું હતું કે ભારત અને પાકિસ્તાન વચ્ચેની ફાઇનલ જેવી મોટી મેચ રમવાની તક વારંવાર મળતી નથી.આ તેની છેલ્લી અંડર-19 ટૂર્નામેન્ટ પણ હતી.તેથી તે ટીમને મુશ્કેલીના સમયે છોડીને જવા માગતો નહોતો.આર્યવીરે કહ્યું કે તેના મનમાં એક જ વાત હતી કે પાકિસ્તાન સામેની આ મોટી મેચમાં અંત સુધી લડવું છે. તેણે ભગવાનનો આભાર માન્યો કે તેને દુખાવો સહન કરવાની હિંમત મળી અને તે ટીમની જીતમાં યોગદાન આપી શક્યો.

https://www.instagram.com/reel/DfzZbm6TX0L/?utm_source=ig_web_copy_link&dlrf=NTc4MTIwNjQ2YQ==

પાકિસ્તાન સામે હારનો બદલો લેવા મેદાનમાં ઉતર્યો હતો આર્યવીર

આ ફાઇનલમાં આર્યવીર સહેવાગે કેપ્ટન લક્ષ્ય રાયચંદાની સાથે મળીને ભારતીય ટીમને શાનદાર શરૂઆત અપાવી હતી. બંને વચ્ચે પ્રથમ વિકેટ માટે 95 રનની ભાગીદારી થઈ હતી.ભારતીય ટીમ માટે આ મેચ માત્ર ખિતાબ જીતવાની નહોતી.પરંતુ પાકિસ્તાન સામે અગાઉ મળેલી હારનો બદલો લેવાની તક પણ હતી.આર્યવીરે જણાવ્યું કે તે કોઈપણ સંજોગોમાં પાકિસ્તાન સામેની આ મેચ છોડવા માગતો નહોતો.તેની આ લડાયક ભાવનાએ ક્રિકેટ ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે. હાથમાં ઈજા હોવા છતાં તેણે જે રીતે ટીમ માટે રમવાનું ચાલુ રાખ્યું તે તેના આત્મવિશ્વાસ અને સમર્પણને દર્શાવે છે.

32મી ઓવરથી જપવા લાગ્યો 'સીતારામ-સીતારામ'

આર્યવીરે વીડિયોમાં ફાઇનલ મેચનો એક રસપ્રદ કિસ્સો પણ સંભળાવ્યો હતો.તેણે જણાવ્યું કે મેચ દરમિયાન તેણે જોયું કે ભારતીય કેપ્ટન લક્ષ્ય પણ સતત કોઈ નામનો જાપ કરી રહ્યો હતો.ત્યારબાદ આર્યવીરે પણ 32મી ઓવરથી સતત સીતારામ-સીતારામ'નો જાપ શરૂ કરી દીધો હતો.તેણે કહ્યું કે ટીમના તમામ ખેલાડીઓને એકબીજા પર પૂરો વિશ્વાસ હતો.ડ્રેસિંગ રૂમમાં પણ તમામ ખેલાડીઓ એક જ જગ્યાએ શાંતિથી બેઠા હતા.કોઈ પોતાની જગ્યા પરથી હલવા તૈયાર નહોતું.બધાને વિશ્વાસ હતો કે ભારતીય ટીમ મેચ જીતીને જ પાછી ફરશે.

અંતિમ ક્ષણે મોહિતના શોટે અપાવી જીત

ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ ફાઇનલ છેલ્લી ઓવર સુધી રોમાંચક રહી હતી.ભારતીય ખેલાડીઓએ દબાણ વચ્ચે પણ હિંમત જાળવી રાખી હતી. અંતે મોહિતે શાનદાર શોટ ફટકારીને ભારતને જીત અપાવી હતી.આર્યવીરે જણાવ્યું કે ભગવાનની કૃપાથી મોહિતનો શોટ યોગ્ય સમયે આવ્યો અને ભારતીય ટીમ ખિતાબ જીતવામાં સફળ રહી.આ જીત બાદ ભારતીય ખેલાડીઓની ખુશીનો પાર રહ્યો નહોતો.આમ, અંડર-19 એશિયા કપની ફાઇનલમાં ભારતની જીત માત્ર એક ક્રિકેટ મેચની જીત નહોતી.પરંતુ ખેલાડીઓના વિશ્વાસ,સંઘર્ષ અને ટીમ ભાવનાનું પણ ઉત્તમ ઉદાહરણ બની હતી.

આ પણ વાંચો- Rising Stars Asia Cup 2026 માટે દોહા પહોંચી ટીમ ઈન્ડિયા! અભિષેક-વૈભવ પર રહેશે નજર