રાઇઝિંગ સ્ટાર્સ એશિયા કપ 2026 માટે ભારતીય A ટીમ કતારના દોહા પહોંચી ગઈ છે.આ ટૂર્નામેન્ટની શરૂઆત 19 નવેમ્બરથી થવાની છે.આ વખતે એશિયા કપ 50 ઓવરના વનડે ફોર્મેટમાં રમાશે.ગયા વર્ષે સેમિફાઇનલમાં બાંગ્લાદેશ A સામે હાર્યા બાદ ભારતીય ટીમ આ વખતે ટાઇટલ જીતવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે.યુવા બેટ્સમેન તિલક વર્માને ટીમની કેપ્ટનશિપ સોંપવામાં આવી છે.આ ટૂર્નામેન્ટમાં અભિષેક શર્મા અને 15 વર્ષીય વૈભવ સૂર્યવંશી જેવા વિસ્ફોટક બેટ્સમેનો પર ખાસ નજર રહેશે.

અભિષેક શર્મા અને વૈભવ સૂર્યવંશી પર રહેશે નજર

ભારતીય ટીમમાં ઘણા પ્રતિભાશાળી ખેલાડીઓને સ્થાન આપવામાં આવ્યું છે.જોકે,ક્રિકેટ ચાહકોની સૌથી વધુ નજર અભિષેક શર્મા અને વૈભવ સૂર્યવંશી પર રહેશે.બંને ખેલાડીઓ પોતાની આક્રમક બેટિંગ માટે જાણીતા છે.અભિષેક શર્મા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની તોફાની બેટિંગથી ઓળખ બનાવી ચૂક્યો છે. બીજી તરફ વૈભવ સૂર્યવંશીએ નાની ઉંમરે જ પોતાની પ્રતિભાથી સૌને પ્રભાવિત કર્યા છે.હવે આ બંને ખેલાડીઓ પાસેથી ભારતીય ટીમને ઝડપી શરૂઆત અને મોટા સ્કોરની આશા રહેશે.ટીમની કમાન તિલક વર્માના હાથમાં છે.તેની સાથે રિંકુ સિંહ, સૂર્યકુમાર શેડગે,આયુષ બદોની અને પ્રભસિમરન સિંહ જેવા ખેલાડીઓ પણ ટીમને મજબૂતી આપશે.

https://x.com/BCCI/status/2122544873886896302?a=CmMD2O4b6uO6e7fUWnw&s=20

હર્ષિત રાણાની મેદાન પર વાપસી

આ ટૂર્નામેન્ટમાં ભારતીય ચાહકો માટે વધુ એક સારા સમાચાર છે.ઝડપી બોલર હર્ષિત રાણા લાંબા સમય બાદ ક્રિકેટના મેદાન પર વાપસી કરવા તૈયાર છે.ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન ઈજાગ્રસ્ત થયા બાદ તે લાંબા સમય સુધી ક્રિકેટથી દૂર રહ્યો હતો.હવે ફિટનેસ મેળવ્યા બાદ તેને રાઇઝિંગ સ્ટાર્સ એશિયા કપ માટે ભારતીય ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે.હર્ષિતની વાપસીથી ભારતીય ટીમના ઝડપી બોલિંગ વિભાગને મજબૂતી મળશે.બીજી તરફ ગત વખતની ચેમ્પિયન પાકિસ્તાન શાહીન પણ આ વખતે પોતાનો ખિતાબ જાળવી રાખવાના ઇરાદા સાથે ઉતરશે.પાકિસ્તાનની ટીમની કેપ્ટનશિપ અબ્દુલ સમદ કરશે.

22 નવેમ્બરે ભારત-પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો

આ ટૂર્નામેન્ટમાં ભારતને ગ્રુપ Bમાં સ્થાન આપવામાં આવ્યું છે.આ ગ્રુપમાં ભારત ઉપરાંત પાકિસ્તાન A, નેપાળ અને સંયુક્ત આરબ અમીરાતની ટીમો સામેલ છે.ભારતીય ટીમ 20 નવેમ્બરે નેપાળ સામે પોતાની પ્રથમ મેચ રમશે.ત્યારબાદ 22 નવેમ્બરે ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈવોલ્ટેજ મુકાબલો રમાશે.આ મેચ પર બંને દેશોના ક્રિકેટ ચાહકોની નજર રહેશે.ભારત ગ્રુપ સ્ટેજની પોતાની છેલ્લી મેચ 24 નવેમ્બરે UAE સામે રમશે.આ ત્રણેય મેચ ભારતીય ટીમ માટે સેમિફાઇનલમાં સ્થાન મેળવવા માટે મહત્ત્વપૂર્ણ રહેશે.

29 નવેમ્બરે રમાશે ફાઇનલ

રાઇઝિંગ સ્ટાર્સ એશિયા કપ 2026ની ગ્રુપ સ્ટેજની મેચો પૂરી થયા બાદ 26 અને 27 નવેમ્બરે બંને સેમિફાઇનલ રમાશે. જ્યારે ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ 29 નવેમ્બરે રમાશે.આ ટૂર્નામેન્ટની તમામ મેચો દોહાના બે મુખ્ય ક્રિકેટ મેદાનો પર યોજાશે. ગ્રુપ Aમાં અફઘાનિસ્તાન, શ્રીલંકા, હોંગકોંગ અને બાંગ્લાદેશની ટીમોને સ્થાન આપવામાં આવ્યું છે.

આ પણ વાંચો- MS Dhoni માટે CSKનો પ્લાન તૈયાર? રિટેન થશે કે IPLને કહેશે અલવિદા?