ક્રિકેટ જગતના સૌથી મોટા વિવાદોમાં સામેલ 2018નો સેન્ડપેપર કાંડ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. લગભગ 8 વર્ષ જૂના આ બોલ ટેમ્પરિંગ વિવાદને લઈને હવે દક્ષિણ આફ્રિકાના પૂર્વ દિગ્ગજ બેટ્સમેન એબી ડિવિલિયર્સે મોટો દાવો કર્યો છે. ડિવિલિયર્સના જણાવ્યા અનુસાર, આ ઘટનામાં ઓસ્ટ્રેલિયન ટીમના દરેક ખેલાડીને શું ચાલી રહ્યું હતું તેની જાણ હતી. તેણે એવો પણ દાવો કર્યો છે કે આ મામલો માત્ર પોર્ટ એલિઝાબેથ ટેસ્ટ પૂરતો મર્યાદિત નહોતો, પરંતુ ડરબનમાં પણ કંઈક આવું જ થયું હતું.
એબી ડિવિલિયર્સનું મોટું નિવેદન
ઓસ્ટ્રેલિયાના પૂર્વ ખેલાડી ઉસ્માન ખ્વાજાની આત્મકથા 'સબર'માં કરવામાં આવેલા ખુલાસા બાદ આ જૂનો વિવાદ ફરી ચર્ચામાં આવ્યો છે. ખ્વાજાએ પોતાના પુસ્તકમાં દાવો કર્યો હતો કે બોલ ટેમ્પરિંગની ઘટના વિશે ટીમમાં ઘણા લોકોને જાણ હતી. ત્યારબાદ ક્રિકેટ ઓસ્ટ્રેલિયામાં પણ આ મુદ્દે ચર્ચા તેજ બની છે. હવે આ જ ટેસ્ટ શ્રેણીનો હિસ્સો રહેલા એબી ડિવિલિયર્સના નિવેદને વિવાદને વધુ હવા આપી છે.
'દરેક વ્યક્તિને ખબર હતી કે તેઓ હદ પાર કરવાના છે'
વર્ષ 2018માં દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ટેસ્ટ શ્રેણી દરમિયાન બોલ સાથે ચેડાં કરવાનો મામલો સામે આવ્યો હતો. આ ઘટનામાં ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓએ સેન્ડપેપરની મદદથી બોલની સ્થિતિ બદલવાનો પ્રયાસ કર્યો હતો. આ વિવાદને કારણે સમગ્ર ક્રિકેટ જગતમાં ભારે હોબાળો મચ્યો હતો. મીડિયા રિપોર્ટ અનુસાર એબી ડિવિલિયર્સે ઉસ્માન ખ્વાજા અને કેમેરન બેનક્રોફ્ટના તાજેતરના ખુલાસાઓ પર પ્રતિક્રિયા આપતાં કહ્યું કે તેઓ કોઈ એક વ્યક્તિને નિશાન બનાવવા કે કોણ સાચું અને કોણ ખોટું તે નક્કી કરવા માગતા નથી.ડિવિલિયર્સે કહ્યું કે ઉસ્માન ખ્વાજાનું પુસ્તક પ્રકાશિત કરવું ખોટું નથી, પરંતુ તેની સમયસૂચિ થોડી વિચિત્ર લાગી રહી છે, કારણ કે હવે 2026 ચાલી રહ્યું છે. તેણે વધુમાં કહ્યું કે ત્યાં હાજર દરેક વ્યક્તિને આ ઘટના વિશે જાણ હતી, તેમાં તેને જરાય શંકા નથી.ડિવિલિયર્સના આ નિવેદનથી ફરી એકવાર સવાલ ઊભો થયો છે કે શું ઓસ્ટ્રેલિયન ટીમના અન્ય ખેલાડીઓને પણ આ સમગ્ર ઘટનાની જાણ હતી?
'ડરબનમાં પણ કંઈ અલગ નહોતું'
એબી ડિવિલિયર્સે પોતાના નિવેદનમાં વધુ એક મોટો દાવો કર્યો હતો. તેના મતે, બોલ ટેમ્પરિંગની ઘટના માત્ર પોર્ટ એલિઝાબેથ સુધી સીમિત નહોતી. ડરબનમાં રમાયેલી ટેસ્ટ મેચ દરમિયાન પણ આવી જ સ્થિતિ હતી.તેણે કહ્યું કે હવે બધા લોકો સ્વીકારી રહ્યા છે કે પોર્ટ એલિઝાબેથમાં પણ આવું થયું હતું. પરંતુ તે પૂરા વિશ્વાસ સાથે કહી શકે છે કે ડરબનમાં પણ કંઈ અલગ નહોતું. આ અંગે મેચના જૂના વીડિયો અને ફૂટેજ જોઈ શકાય છે. તેને આ બાબતે કોઈ શંકા નથી.ડિવિલિયર્સના મતે, આ સમગ્ર વિવાદમાં સૌથી મોટો મુદ્દો માત્ર સેન્ડપેપરનો ઉપયોગ થયો હતો કે નહીં તે નથી, પરંતુ ગેરકાયદેસર રીતે બોલની સ્થિતિ બદલવાનો નિર્ણય પહેલેથી જ સમજી-વિચારીને લેવામાં આવ્યો હતો કે કેમ તે છે.તેણે એમ પણ કહ્યું કે આ ઘટનામાં સામેલ તમામ લોકો માટે આ મામલો વ્યક્તિગત બની ગયો છે અને તેમને તે ખેલાડીઓ પ્રત્યે સહાનુભૂતિ છે. જોકે, મેદાન પર જે થયું અને તે પહેલાં કેટલી મેચોમાં આવું થયું હશે, તેને લઈને કોઈ સહાનુભૂતિ નથી.
શું હતો 2018નો સેન્ડપેપર કાંડ?
2018માં દક્ષિણ આફ્રિકા સામેની કેપટાઉન ટેસ્ટ દરમિયાન ઓસ્ટ્રેલિયાના કેમેરન બેનક્રોફ્ટને સેન્ડપેપરનો ઉપયોગ કરીને બોલ સાથે ચેડાં કરતા કેમેરામાં પકડવામાં આવ્યો હતો. ત્યારબાદ સ્ટીવ સ્મિથ, ડેવિડ વોર્નર અને બેનક્રોફ્ટ સામે કાર્યવાહી કરવામાં આવી હતી.આ ઘટનાને કારણે ઓસ્ટ્રેલિયન ક્રિકેટની છબી પર મોટો પ્રશ્ન ઊભો થયો હતો. હવે વર્ષો બાદ ઉસ્માન ખ્વાજા અને એબી ડિવિલિયર્સના નિવેદનોથી આ જૂનો વિવાદ ફરી ચર્ચામાં આવ્યો છે.
આ પણ વાંચો- Rishabh Pant Record : પંત બન્યો રેકોર્ડ કિંગ! વિદેશી ધરતી પર ગિલક્રિસ્ટનો કિલ્લો ધ્વસ્ત કર્યો