ભારતીય ક્રિકેટ ટીમના વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતે ન્યૂઝીલેન્ડ સામેની વેલિંગ્ટન ટેસ્ટમાં શાનદાર સદી ફટકારીને ઇતિહાસ રચ્યો છે.લાંબા સમય બાદ ટેસ્ટ ટીમમાં વાપસી કરી રહેલા પંતે પોતાની બેટિંગથી સાબિત કરી દીધું કે તે વિદેશી પીચ પર પણ કેટલો ખતરનાક સાબિત થઈ શકે છે.વેલિંગ્ટનના બેસિન રિઝર્વ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં પંતે 128 રનની યાદગાર ઇનિંગ રમી હતી.આ ઇનિંગ સાથે તેણે ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ વિકેટકીપર બેટ્સમેન એડમ ગિલક્રિસ્ટનો મોટો રેકોર્ડ તોડી નાખ્યો છે.
ટેસ્ટ ક્રિકેટમાં ઋષભ પંતનો જલવો
ઋષભ પંત હવે ટેસ્ટ ક્રિકેટમાં વિદેશી ધરતી પર સૌથી વધુ રન બનાવનાર વિકેટકીપર બેટ્સમેન બની ગયો છે. આ પહેલાં આ ખાસ રેકોર્ડ એડમ ગિલક્રિસ્ટના નામે હતો. પંતે માત્ર રન જ બનાવ્યા નથી, પરંતુ પોતાની આક્રમક બેટિંગથી ટેસ્ટ ક્રિકેટમાં ભારતીય વિકેટકીપર તરીકે નવો માપદંડ પણ સ્થાપિત કર્યો છે.
વિદેશી ધરતી પર સૌથી વધુ રન બનાવનાર વિકેટકીપર બન્યો પંત
ટેસ્ટ ક્રિકેટમાં વિકેટકીપરની ભૂમિકા ઘણી મુશ્કેલ હોય છે. એક તરફ વિકેટ પાછળ સતત સતર્ક રહેવું પડે છે, તો બીજી તરફ બેટિંગમાં પણ ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડવાની જવાબદારી હોય છે. જોકે, ઋષભ પંતે બંને જવાબદારીઓ સારી રીતે નિભાવી છે.વિદેશી ધરતી પર ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાના મામલે પંતે એડમ ગિલક્રિસ્ટને પાછળ છોડી દીધા છે. ગિલક્રિસ્ટે વિદેશમાં 38 ટેસ્ટ મેચની 58 ઇનિંગમાં 50.24ની સરેરાશથી કુલ 2512 રન બનાવ્યા હતા.બીજી તરફ ઋષભ પંતે વિદેશી ધરતી પર અત્યાર સુધી 36 ટેસ્ટ મેચની 63 ઇનિંગમાં 43.61ની સરેરાશથી 2617 રન બનાવ્યા છે. આ દરમિયાન તેના બેટમાંથી 7 સદી અને 11 અડધી સદી પણ જોવા મળી છે.

છગ્ગો મારવાની ઉતાવળમાં ઘણી સદી ગુમાવી છે: ઋષભ પંત
વેલિંગ્ટન ટેસ્ટના ચોથા દિવસની રમત પૂર્ણ થયા બાદ ઋષભ પંતે પોતાની સદી અંગે બ્રોડકાસ્ટર સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન તેણે પોતાની બેટિંગની શૈલી અને સદી પૂરી કરવાની માનસિકતા અંગે રસપ્રદ ખુલાસો કર્યો હતો.પંતે જણાવ્યું હતું કે ન્યૂઝીલેન્ડની ધરતી પર સદી ફટકારવી તેના માટે ખાસ હતી. તે હંમેશાં બોલરની માનસિકતા સમજવાનો પ્રયાસ કરે છે. જ્યારે તેને લાગે છે કે બોલ તેની રમવાની મર્યાદામાં છે, ત્યારે તે મોટો શોટ રમવાથી પાછળ હટતો નથી.પંતે વધુમાં જણાવ્યું કે જ્યારે પણ તે સદીની નજીક પહોંચે છે ત્યારે ઘણી વખત છગ્ગો મારીને સદી પૂરી કરવાનો પ્રયાસ કરે છે. આ ઉતાવળમાં તેણે અગાઉ ઘણી સદીઓ ગુમાવી પણ છે. જોકે, આ વખતે તેણે ધીરજ રાખવાનું નક્કી કર્યું હતું અને યોગ્ય તક મળતાં જ શોટ રમ્યો હતો.આ રીતે ઋષભ પંતે પોતાની શાનદાર સદી સાથે માત્ર ભારતીય ટીમને મજબૂતી આપી નથી, પરંતુ ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં પણ પોતાનું નામ સુવર્ણ અક્ષરે નોંધાવ્યું છે.
આ પણ વાંચો- Test Cricket Free Hit Rule : હવે ટેસ્ટ ક્રિકેટમાં પણ મળશે ફ્રી હિટ? MCCના નિવેદનથી ક્રિકેટ જગતમાં ખળભળાટ!