ક્રિકેટના નિયમોમાં ભવિષ્યમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે. વનડે અને T20 ક્રિકેટની જેમ હવે ટેસ્ટ ક્રિકેટમાં પણ ફ્રી હિટનો નિયમ લાગુ કરવાની શક્યતા છે. મેરીલેબોન ક્રિકેટ ક્લબ એટલે કે MCCના ક્રિકેટ પ્રમુખ ફ્રેઝર સ્ટુઅર્ટના નિવેદન બાદ આ મુદ્દે ચર્ચા શરૂ થઈ છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે ટેસ્ટ ક્રિકેટમાં ફ્રી હિટ લાગુ કરવા અંગે વિચારણા અને ચર્ચા થઈ છે, પરંતુ હજુ સુધી આ નિયમને તમામ ફોર્મેટમાં લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો નથી.

ટેસ્ટ ક્રિકેટમાં પણ ફ્રી હિટ મળશે

હાલમાં વનડે અને T20 ક્રિકેટમાં બોલર નો-બોલ ફેંકે તો બેટિંગ કરનારી ટીમને ફ્રી હિટ મળે છે. આ બોલ પર બેટ્સમેનને રનઆઉટ, બોલ્ડ અથવા કેચ આઉટ જેવા સામાન્ય નિયમો હેઠળ આઉટ કરી શકાતો નથી. જોકે, કેટલાક ખાસ પ્રકારના આઉટના નિયમો લાગુ રહે છે. બીજી તરફ ટેસ્ટ ક્રિકેટમાં હાલમાં ફ્રી હિટનો નિયમ નથી. જો આ નિયમ ટેસ્ટ ક્રિકેટમાં લાગુ કરવામાં આવે તો રમતની રણનીતિ અને બોલરોની મુશ્કેલીઓમાં મોટો ફેરફાર થઈ શકે છે.

MCCએ ટેસ્ટ ક્રિકેટમાં ફ્રી હિટ અંગે શું કહ્યું?

ક્રિકેટના નિયમો બનાવવાની અને તેમાં ફેરફાર કરવાની જવાબદારી સંભાળતી સંસ્થા MCCના ક્રિકેટ પ્રમુખ ફ્રેઝર સ્ટુઅર્ટે ટેસ્ટ ક્રિકેટમાં ફ્રી હિટના નિયમ અંગે મહત્વનું નિવેદન આપ્યું છે.ઇન્ટરનેશનલ લીગ T20 દરમિયાન મીડિયા સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે MCCમાં આ મુદ્દે ચર્ચા કરવામાં આવી છે. જોકે, અત્યારે આ નિયમને ક્રિકેટના તમામ ફોર્મેટમાં લાગુ કરવા માટે સંસ્થા તૈયાર નથી.તેમના જણાવ્યા અનુસાર, હાલમાં ફ્રી હિટ રમતના નિયમો તરીકે મર્યાદિત છે. જોકે, ભવિષ્યમાં તેને ટેસ્ટ ક્રિકેટમાં પણ લાગુ કરવામાં આવે તેવી શક્યતા નકારી શકાય નહીં. તેમણે સંકેત આપ્યો કે આવનારા સમયમાં આ મુદ્દે વધુ વિચારણા થઈ શકે છે.આ નિવેદન બાદ ટેસ્ટ ક્રિકેટના ચાહકોમાં પણ ચર્ચા શરૂ થઈ છે કે જો ફ્રી હિટનો નિયમ લાગુ થશે તો ટેસ્ટ ક્રિકેટમાં બોલિંગ અને બેટિંગની રમત કેટલી બદલાશે.

ફ્રી હિટનો નિયમ લાગુ થશે તો શું બદલાશે?

હાલમાં ટેસ્ટ ક્રિકેટમાં બોલર નો-બોલ ફેંકે તો બેટિંગ કરનારી ટીમને એક વધારાનો રન મળે છે, પરંતુ ત્યારબાદના બોલ પર બેટ્સમેનને ફ્રી હિટ મળતી નથી.જો વનડે અને T20ની જેમ ટેસ્ટમાં પણ આ નિયમ લાગુ કરવામાં આવે તો નો-બોલ ફેંક્યા બાદના બોલ પર બેટ્સમેનને ફ્રી હિટ મળી શકે છે.આનાથી બોલરો માટે મુશ્કેલી વધી શકે છે, કારણ કે નો-બોલ બાદ બેટ્સમેનને જોખમ લઈને મોટા શોટ રમવાની તક મળશે. બીજી તરફ બેટિંગ કરનારી ટીમને પણ તેનો ફાયદો થઈ શકે છે.જોકે, MCCએ હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર નિર્ણય જાહેર કર્યો નથી. તેથી હાલ આ માત્ર વિચારણા અને ચર્ચાનો વિષય છે.

સેન્ડપેપર વિવાદ પર પણ MCC પ્રમુખે આપ્યું નિવેદન

ટેસ્ટ ક્રિકેટમાં ફ્રી હિટના નિયમ ઉપરાંત ફ્રેઝર સ્ટુઅર્ટે 2018ના ઓસ્ટ્રેલિયાના સેન્ડપેપર વિવાદ અંગે પણ પોતાનો મત રજૂ કર્યો હતો.2018માં દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ મેચ દરમિયાન ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ બોલ સાથે ચેડાં કરતા પકડાયા હતા. આ ઘટનામાં સેન્ડપેપરનો ઉપયોગ કરીને બોલની સ્થિતિ બદલવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ વિવાદને કારણે ક્રિકેટ જગતમાં મોટો હોબાળો થયો હતો.

આ પણ વાંચો- Shubman Gill Viral Video : વિકેટ મળતાં જ ગિલનો જબરદસ્ત જશ્ન, મેદાન વચ્ચે ડાન્સ કરીને લૂંટી મહેફિલ!