વેલિંગ્ટન ટેસ્ટ દરમિયાન ભારતીય કેપ્ટન શુભમન ગિલનો એક અલગ જ અંદાજ જોવા મળ્યો હતો.સામાન્ય રીતે મેદાન પર પોતાની આક્રમક ઉજવણી અને ડાન્સથી વિરાટ કોહલી ચાહકોનું ધ્યાન ખેંચતા હોય છે, પરંતુ આ વખતે ભારતીય ક્રિકેટના પ્રિન્સ શુભમન ગિલે સૌને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ મેચના પાંચમા દિવસે ગિલ મેદાનની વચ્ચે જ ડાન્સ કરતા જોવા મળ્યા હતા. તેમનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.ગિલનો આ અંદાજ જોઈને ચાહકોને વિરાટ કોહલીની યાદ આવી ગઈ હતી. વિકેટ મળવાની ખુશીમાં ભારતીય કેપ્ટને જે રીતે ડાન્સ કરીને ઉજવણી કરી તે જોઈને મેદાન પર હાજર ખેલાડીઓ પણ ઉત્સાહિત થઈ ગયા હતા.
કઈ વિકેટ મળતાં ગિલ મેદાન પર ઝૂમી ઊઠ્યા?
વેલિંગ્ટન ટેસ્ટના પાંચમા દિવસે ન્યૂઝીલેન્ડની બીજી ઇનિંગ ચાલી રહી હતી. ભારતીય ટીમ યજમાન ટીમને વધુમાં વધુ દબાણમાં લાવવાનો પ્રયાસ કરી રહી હતી. આ દરમિયાન ભારતને પાંચમી સફળતા મળી અને શુભમન ગિલ પોતાની ખુશી રોકી શક્યા નહોતા.ન્યૂઝીલેન્ડની બીજી ઇનિંગની 77મી ઓવરના છેલ્લા બોલ પર અંશુલ કંબોજે ટોમ બ્લંડેલને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. જોકે, આ વિકેટ મેળવવા માટે ભારતીય ટીમે DRSનો સહારો લેવો પડ્યો હતો. આ નિર્ણય બાદ જ ગિલનો ડાન્સ જોવા મળ્યો હતો.
https://x.com/AhmedGT_/status/2124674266952282215?a=_xuAeK2S_6Hpe4e-mLc&s=20
ગિલે DRS લીધો અને બદલાઈ ગયો અમ્પાયરનો નિર્ણય
ટોમ બ્લંડેલ બેટિંગ કરી રહ્યા હતા ત્યારે અંશુલ કંબોજના બોલ પર ભારતીય ટીમે કેચ પાછળની જોરદાર અપીલ કરી હતી. જોકે, વિકેટકીપર ઋષભ પંતને બોલ બેટ સાથે અડ્યો હોવાનો કોઈ અંદાજ આવ્યો નહોતો. મેદાન પરના અમ્પાયરે પણ ભારતીય ટીમની અપીલ ફગાવી દીધી હતી.પરંતુ બોલર અંશુલ કંબોજને પોતાની અપીલ પર પૂરો વિશ્વાસ હતો. તેણે કેપ્ટન શુભમન ગિલને DRS લેવાનો સંકેત આપ્યો હતો. ગિલે પણ પોતાના બોલર પર વિશ્વાસ મૂકીને રિવ્યૂ લીધો હતો.થર્ડ અમ્પાયરે રિપ્લે તપાસતાં સ્પષ્ટ થયું કે બોલ બેટની હળવી કિનારીને અડ્યો હતો અને ત્યારબાદ વિકેટકીપરના હાથમાં ગયો હતો. પરિણામે મેદાન પરના અમ્પાયરનો નિર્ણય બદલાયો અને ટોમ બ્લંડેલને આઉટ જાહેર કરવામાં આવ્યા હતા. આ રીતે ભારતને પાંચમી વિકેટ મળી હતી.
વિકેટ મળતાં ગિલે કર્યો વિરાટ કોહલી જેવો ડાન્સ
DRSનો નિર્ણય ભારતની તરફેણમાં આવતાં જ ભારતીય કેપ્ટન શુભમન ગિલ ખુશીથી ઝૂમી ઊઠ્યા હતા. તેમણે મેદાનની વચ્ચે જ ડાન્સ કરીને વિકેટની ઉજવણી કરી હતી. ગિલનો આ અંદાજ કેમેરામાં કેદ થયો હતો અને હવે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે.ટોમ બ્લંડેલ 54 બોલમાં 15 રન બનાવીને આઉટ થયા હતા. અંશુલ કંબોજે બીજી ઇનિંગમાં પોતાની પ્રથમ વિકેટ મેળવી હતી. આ વિકેટ માત્ર ભારત માટે મહત્વપૂર્ણ નહોતી, પરંતુ ગિલની ઉજવણીને કારણે પણ ખાસ બની ગઈ હતી.
આ પણ વાંચો- India A vs Pakistan A : તિલક વર્માની એક ભૂલથી પાકિસ્તાનીઓનો પિત્તો ગયો! અમ્પાયર સાથે મેદાનમાં થયો જોરદાર હોબાળો