ઓસ્ટ્રેલિયાના બેટર ઉસ્માન ખ્વાજાએ 2023ની એશિઝ શ્રેણી દરમિયાન લોર્ડ્સના લોંગ રૂમમાં પોતાની સાથે થયેલા જાતિવાદી દુર્વ્યવહાર અંગે ખુલાસો કર્યો છે. ખ્વાજાએ પોતાના નવા પુસ્તક ‘સબર’માં આ ઘટનાનું વર્ણન કર્યું છે. તેમના જણાવ્યા પ્રમાણે, ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની બીજી ટેસ્ટના પાંચમા દિવસે એક મેરીલેબોન ક્રિકેટ ક્લબ (MCC)ના સભ્યે તેમની સામે જાતિવાદી અપશબ્દનો ઉપયોગ કર્યો હતો. આ ઘટના 2 જુલાઈ, 2023ના રોજ બની હતી. તે દિવસે ઇંગ્લેન્ડના જોની બેરસ્ટોને ઓસ્ટ્રેલિયાના વિકેટકીપર એલેક્સ કેરીના હાથે સ્ટમ્પિંગ થયા બાદ મેદાન પર વિવાદ થયો હતો. ત્યારબાદ ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ લંચ માટે પેવેલિયન તરફ જઈ રહ્યા હતા ત્યારે લોર્ડ્સના લોંગ રૂમમાં હાજર કેટલાક સભ્યોએ તેમની સામે બૂમાબૂમ અને અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો.
કાન પાસે આવીને બૂમ પાડી, પછી જાતિવાદી અપશબ્દ
ખ્વાજાએ પુસ્તકમાં લખ્યું છે કે ખેલાડીઓ તરફ એકસાથે અપશબ્દો બોલવામાં આવી રહ્યા હતા. આ દરમિયાન એક વ્યક્તિ તેમની કાનની નજીક આવીને બૂમ પાડી હતી. ખ્વાજાએ તેને ફરી આવું ન કરવાની ચેતવણી આપી હતી. જોકે, આગળ વધતી વખતે બીજા એક વ્યક્તિએ તેમની સામે જાતિવાદી અપશબ્દનો ઉપયોગ કર્યો હતો. આ સાંભળીને ખ્વાજાનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો અને તેમણે સુરક્ષાકર્મીઓને તે વ્યક્તિને બહાર કાઢવા કહ્યું હતું. ખ્વાજાએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે તેમણે જે વ્યક્તિનો સામનો કર્યો હતો તે જ વ્યક્તિએ જાતિવાદી અપશબ્દ કહ્યો હતો કે નહીં તેની તેમને સંપૂર્ણ ખાતરી નહોતી. ઘટનાના સમયે કેમેરામાં ખ્વાજા લોંગ રૂમના સભ્યો સાથે ઉગ્ર ચર્ચા કરતા પણ દેખાયા હતા.
