ક્રિકેટની દુનિયામાં અફઘાનિસ્તાનની ટીમે છેલ્લા કેટલાક વર્ષોમાં પોતાની આગવી ઓળખ બનાવી છે,પરંતુ મેદાનની બહાર તેને અનેક પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે.હવે ક્રિકેટ સ્કોટલેન્ડે અફઘાનિસ્તાન સામે દ્વિપક્ષીય શ્રેણી નહીં રમવાનો નિર્ણય જાહેર કર્યો હોવાના અહેવાલ છે.તાલિબાન સરકાર હેઠળ અફઘાનિસ્તાનમાં મહિલાઓ અને યુવતીઓ પર લાદવામાં આવેલા પ્રતિબંધો તથા તેમના ક્રિકેટ રમવાના અધિકારના મુદ્દે સ્કોટલેન્ડે આ વલણ અપનાવ્યું છે.આ નિર્ણય પ્રમાણે બંને ટીમો માત્ર ICCની મોટી ટૂર્નામેન્ટ અથવા તેમાં જરૂરી બને તેવી વોર્મ-અપ મેચોમાં જ એકબીજા સામે રમી શકે છે.એટલે કે સ્કોટલેન્ડ પોતાની રીતે અફઘાનિસ્તાન સામે કોઈ દ્વિપક્ષીય શ્રેણીનું આયોજન નહીં કરે.

અફઘાનિસ્તાન સામે દ્વિપક્ષીય શ્રેણી નહીં રમે સ્કોટલેન્ડ

ક્રિકેટ સ્કોટલેન્ડે પોતાના પુરુષ અને મહિલા કરારબદ્ધ ખેલાડીઓને નવી નીતિ અંગે જાણ કરી છે. બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે અફઘાનિસ્તાન સામે દ્વિપક્ષીય શ્રેણી કે ત્રણ દેશોની શ્રેણીનું આયોજન કરવામાં નહીં આવે. અફઘાનિસ્તાનની ટીમને ICCની સ્પર્ધાઓ સિવાય પ્રેક્ટિસ મેચ, વોર્મ-અપ મેચ કે પ્રવાસ પહેલાંના તાલીમ શિબિર માટે પણ સ્કોટલેન્ડમાં આવકારવામાં નહીં આવે.બોર્ડના જણાવ્યા અનુસાર, અફઘાનિસ્તાનની મહિલા ક્રિકેટની સ્થિતિ અને માનવાધિકારના મુદ્દે નોંધપાત્ર સુધારો થાય તો આ નિર્ણયમાં ફેરફાર થઈ શકે છે. આ નીતિની દર વર્ષે સમીક્ષા કરવામાં આવશે. 

અફઘાનિસ્તાનની ટીમે સ્કોટલેન્ડ પાસે માગી હતી તાલીમની સુવિધા

આ સમગ્ર મામલો ત્યારે ચર્ચામાં આવ્યો જ્યારે અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે આયર્લેન્ડ પ્રવાસ પહેલાં સ્કોટલેન્ડમાં તાલીમની સુવિધા માગી હતી.આ વિનંતી જુલાઈમાં કરવામાં આવી હતી,પરંતુ મોડેથી વિનંતી મળવી અને યોગ્ય સ્થળ ઉપલબ્ધ ન હોવાને કારણે સ્કોટલેન્ડે તેને નકારી દીધી હતી.ત્યારબાદ સપ્ટેમ્બરમાં અફઘાનિસ્તાન પ્રીમિયર લીગ એટલે કે APLમાં સ્કોટલેન્ડના ખેલાડીઓ ભાગ લઈ શકે કે નહીં તે અંગે પણ અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ તરફથી વાતચીત થઈ હતી. આ બંને બાબતોને પગલે ક્રિકેટ સ્કોટલેન્ડે અફઘાનિસ્તાન સાથેના પોતાના સંબંધોની સમીક્ષા કરી હતી.

જ્યોર્જ મુન્સે APLમાં રમશે? ICCની મંજૂરી જરૂરી

અફઘાનિસ્તાન પ્રીમિયર લીગના ડ્રાફ્ટમાં સ્કોટલેન્ડના ઓપનર જ્યોર્જ મુન્સેની પસંદગી થઈ છે. તેઓ આ લીગના ડ્રાફ્ટમાં પસંદગી પામેલા સ્કોટલેન્ડના એકમાત્ર ખેલાડી છે.ક્રિકેટ સ્કોટલેન્ડે સ્પષ્ટ કર્યું છે કે APLને ICCની સત્તાવાર મંજૂરી મળે તો મુન્સેને નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ એટલે કે NOC આપવામાં આવશે. જોકે, કોઈ ખેલાડીને લીગમાં રમવાની મંજૂરી આપવાનો અર્થ અફઘાનિસ્તાનની સરકાર કે તેની નીતિઓને સમર્થન આપવું એવો નહીં થાય. 

2021 પછી બંને ટીમો વચ્ચે રમાઈ નથી સત્તાવાર મેચ

સ્કોટલેન્ડ અને અફઘાનિસ્તાન વચ્ચે 2021ના T20 વર્લ્ડ કપ બાદ કોઈ સંપૂર્ણ આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ નથી. જોકે, 2024 અને 2026ના T20 વર્લ્ડ કપ પહેલાં બંને ટીમો વોર્મ-અપ મેચમાં એકબીજાની સામે આવી હતી.સ્કોટલેન્ડનો આ નિર્ણય ક્રિકેટ ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડના વલણને અનુરૂપ છે. આ બંને બોર્ડ પણ અફઘાનિસ્તાન સામે દ્વિપક્ષીય શ્રેણી રમવા અંગે મહિલાઓ અને યુવતીઓના અધિકારોના મુદ્દે વાંધો ઉઠાવી ચૂક્યાં છે. જોકે, ICCની ટૂર્નામેન્ટમાં બંને ટીમો અફઘાનિસ્તાન સામે રમી શકે છે

આ પણ વાંચો - Rinku Singh Wedding : ક્રિકેટ અને રાજકારણનું રોયલ મિલન! 4 ડિસેમ્બરે સાંસદ પ્રિયા સરોજ સાથે સાત ફેરા લેશે રિંકુ સિંહ