ઓસ્ટ્રેલિયા અને ઝિમ્બાબ્વે વચ્ચે રમાઈ રહેલી 3 મેચની ODI સિરીઝમાં ઓસ્ટ્રેલિયાએ સતત બીજી જીત મેળવીને સિરીઝમાં 2-0ની લીડ મેળવી લીધી છે.બીજા ODIમાં ઓસ્ટ્રેલિયાએ ઝિમ્બાબ્વેને 84 રનથી હરાવ્યું હતું. આ મેચમાં ઓસ્ટ્રેલિયાના બેટર્સની સાથે બોલર્સે પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું.ઓસ્ટ્રેલિયાના સ્ટાર લેગ સ્પિનર એડમ ઝમ્પા આ મેચમાં ખાસ ચર્ચામાં રહ્યા.ઝમ્પાએ 9 ઓવરમાં 62 રન આપીને 2 વિકેટ ઝડપી હતી.આ 2 વિકેટ સાથે તેમણે પોતાના ODI કરિયરમાં 200 વિકેટનો આંકડો પાર કર્યો અને ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ સ્પિનર શેન વોર્નનો મોટો રેકોર્ડ પણ તોડી નાખ્યો.

શેન વોર્નને પાછળ છોડ્યા

એડમ ઝમ્પાએ પોતાના 123મા ODIમાં 200 વિકેટ પૂરી કરી છે. આ સાથે તે ઓસ્ટ્રેલિયા તરફથી સૌથી ઝડપી 200 ODI વિકેટ લેનારા બોલર બની ગયા છે.આ પહેલા આ રેકોર્ડ શેન વોર્નના નામે હતો.વોર્ને પોતાના 125મા ODIમાં 200 વિકેટ પૂરી કરી હતી. ઝમ્પાએ 2 મેચ વહેલા આ સિદ્ધિ મેળવીને વોર્નને પાછળ છોડી દીધા છે.ઝમ્પા હવે ઓવરઓલ સૌથી ઝડપી 200 ODI વિકેટ લેનારા લેગ સ્પિનરોમાં પણ ત્રીજા સ્થાને પહોંચી ગયા છે. પાકિસ્તાનના સકલૈન મુશ્તાકે 104 મેચમાં આ સિદ્ધિ મેળવી હતી, જ્યારે અફઘાનિસ્તાનના રાશિદ ખાને 115મા ODIમાં 200 વિકેટ પૂરી કરી હતી.

ઝમ્પાનું શાનદાર આંતરરાષ્ટ્રીય કરિયર

એડમ ઝમ્પા છેલ્લા એક દાયકાથી ઓસ્ટ્રેલિયાના મહત્વના સ્પિન બોલર રહ્યા છે. ODI ક્રિકેટમાં તેમણે સતત શાનદાર પ્રદર્શન કર્યું છે.ઝમ્પાએ અત્યાર સુધી 123 ODIમાં 201 વિકેટ ઝડપી છે. T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 118 મેચમાં તેમના નામે 153 વિકેટ છે. IPLમાં પણ તેમણે 22 મેચમાં 31 વિકેટ ઝડપી છે.ODIમાં ઝમ્પાની ઇકોનોમી 5.54 રહી છે, જ્યારે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેમણે 7.36ની ઇકોનોમી સાથે બોલિંગ કરી છે.

https://x.com/ani_digital/status/2101157125473067117?s=20


ઓસ્ટ્રેલિયાની 84 રનથી શાનદાર જીત

બીજા ODIમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરીને 50 ઓવરમાં 6 વિકેટે 356 રન બનાવ્યા હતા. ટ્રેવિસ હેડે શાનદાર 112 રનની ઇનિંગ રમી હતી. કૂપર કોનેલી અને કેપ્ટન મિચેલ માર્શે પણ 53-53 રનનું યોગદાન આપ્યું હતું.356 રનના મોટા લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ઝિમ્બાબ્વેની ટીમ 272 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. પરિણામે ઓસ્ટ્રેલિયાએ 84 રનથી મેચ જીતી લીધી હતી.ઝમ્પા ઉપરાંત જોશ હેઝલવુડ, મેટ રેનશો અને કૂપર કોનેલીએ 2-2 વિકેટ ઝડપી હતી. નાથન એલિસ અને ઓલિવર પીકને 1-1 વિકેટ મળી હતી.આ જીત સાથે ઓસ્ટ્રેલિયાએ 3 મેચની સિરીઝમાં 2-0ની અપરાજિત લીડ મેળવી લીધી છે. હવે ત્રીજી મેચમાં ઝિમ્બાબ્વે સામે ઓસ્ટ્રેલિયાની નજર સિરીઝમાં ક્લીન સ્વીપ પર રહેશે.

આ પણ વાંચો - Cricket News : ભારત સામેની સિરીઝ પહેલાં ન્યૂઝીલેન્ડને મોટો ઝટકો, આ સ્ટાર ખેલાડી થયો ઈજાગ્રસ્ત