ભારત સામેની લાંબી સિરીઝ શરૂ થાય તે પહેલાં ન્યૂઝીલેન્ડની ટીમ માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે.ન્યૂઝીલેન્ડના સ્ટાર ઓલરાઉન્ડર રચિન રવિન્દ્ર પ્રમોશનલ શૂટ દરમિયાન ઈજાગ્રસ્ત થયા છે.મીડિયા મુજબ ઓકલેન્ડમાં એક પ્રમોશનલ શૂટ દરમિયાન ડ્રાઇવિંગ કેચ લેતી વખતે તેમનો ખભો ખસી ગયો હતો.હાલ રચિન રવિન્દ્રની તબીબી તપાસ ચાલી રહી છે. જોકે, તેમની ઈજા કેટલી ગંભીર છે અને તેઓ કેટલા સમય સુધી ક્રિકેટથી દૂર રહેશે તે અંગે હજુ સત્તાવાર માહિતી સામે આવી નથી. આ ઈજાને કારણે ભારત સામેની આગામી સિરીઝમાં તેમના રમવા અંગે પણ સવાલો ઊભા થયા છે.
22 ઓક્ટોબરથી શરૂ થશે ભારત-ન્યૂઝીલેન્ડ સિરીઝ
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ઓક્ટોબરથી લાંબી ક્રિકેટ સિરીઝ રમાવાની છે. બંને ટીમો વચ્ચે T20, ODI અને ટેસ્ટ મેચોની શ્રેણી રમાશે. સિરીઝની શરૂઆત 22 ઓક્ટોબરથી થવાની છે.હાલ સિરીઝ શરૂ થવામાં લગભગ એક મહિનો બાકી છે. આ સ્થિતિમાં રચિનની ઈજા ન્યૂઝીલેન્ડ માટે મોટો પડકાર બની શકે છે. ખભાની ઈજામાંથી સંપૂર્ણપણે સાજા થવામાં કેટલો સમય લાગશે તે તેમની તપાસના પરિણામ બાદ જ સ્પષ્ટ થશે.
https://x.com/ani_digital/status/2101166052315115597?s=20
ડ્રાઇવિંગ કેચ લેતી વખતે થઈ ઈજા
મળતી માહિતી મુજબ ઓકલેન્ડમાં પ્રમોશનલ શૂટ દરમિયાન રચિન કેચ લેવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ દરમિયાન તેમનો ખભો ખસી ગયો હતો. ત્યારબાદ તેમને તબીબી નિષ્ણાત પાસે લઈ જવામાં આવ્યા હતા અને તેમની તપાસ કરવામાં આવી રહી છે.હજુ સુધી ન્યૂઝીલેન્ડ ક્રિકેટ તરફથી તેમની ઈજા અંગે સંપૂર્ણ વિગતો જાહેર કરવામાં આવી નથી. ભારત સામેની સિરીઝ માટે ન્યૂઝીલેન્ડની ટીમની સત્તાવાર જાહેરાત પણ બાકી છે.
ત્રણેય ફોર્મેટમાં મહત્વનો ખેલાડી
રચિન રવિન્દ્ર ન્યૂઝીલેન્ડ માટે ત્રણેય ફોર્મેટમાં રમે છે.અત્યાર સુધી તેણે 24 ટેસ્ટ મેચમાં 1865 રન બનાવ્યા છે.ODIમાં 39 મેચમાં તેના નામે 1424 રન છે, જ્યારે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેણે 52 મેચમાં 759 રન બનાવ્યા છે.ભારત સામે પણ રચિનનો રેકોર્ડ નોંધપાત્ર રહ્યો છે. તેણે ભારત સામે 5 ટેસ્ટમાં 309 રન બનાવ્યા છે, જેમાં 1 સદી અને 1 અડધી સદી સામેલ છે.ODIમાં ભારત સામે 4 મેચમાં તેણે 131 રન બનાવ્યા છે. જ્યારે 7 T20 આંતરરાષ્ટ્રીય મેચમાં તેના નામે 89 રન છે.હવે ન્યૂઝીલેન્ડ માટે સૌથી મહત્વનો સવાલ એ છે કે રચિન રવિન્દ્ર સમયસર ફિટ થઈને ભારત સામેની સિરીઝમાં રમી શકશે કે નહીં. તેમની તબીબી તપાસ અને રિકવરી બાદ જ આ અંગે અંતિમ સ્થિતિ સ્પષ્ટ થશે.
આ પણ વાંચો - IPL 2027: ઓક્શનની તારીખ અંગે મોટો ખુલાસો, ડિસેમ્બરમાં લાગશે કરોડોની બોલી!