IPL 2027ની તૈયારીને લઈને મોટું અપડેટ સામે આવ્યું છે.ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે BCCIએ આગામી સિઝનની ખેલાડી હરાજી માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે.હવે IPL 2027ના મિની ઓક્શનની તારીખને લઈને પણ મહત્વની માહિતી સામે આવી છે.દરેક IPL સિઝન પહેલાં ખેલાડીઓની હરાજી યોજાય છે.આ દરમિયાન તમામ ફ્રેન્ચાઇઝી પોતાની જરૂરિયાત પ્રમાણે નવા ખેલાડીઓને ટીમમાં સામેલ કરે છે અને પોતાના સ્ક્વોડને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરે છે.IPL 2027 માટેનું ઓક્શન ડિસેમ્બરમાં યોજાશે તે અંગે અગાઉથી ચર્ચા હતી,પરંતુ હવે કયા સપ્તાહમાં હરાજી થશે તે અંગે પણ માહિતી સામે આવી છે.
ડિસેમ્બરના બીજા સપ્તાહમાં થશે IPL 2027 ઓક્શન
ક્રિકઇન્ફોના અહેવાલ મુજબ IPL 2027નું ઓક્શન ડિસેમ્બરના બીજા સપ્તાહમાં યોજાઈ શકે છે. 7 ડિસેમ્બરથી 13 ડિસેમ્બરની વચ્ચે ખેલાડીઓ માટે બોલી લગાવવામાં આવશે.આ હરાજી 2028ની મેગા ઓક્શન પહેલાંની છેલ્લી મિની ઓક્શન હશે. એટલે ફ્રેન્ચાઇઝીઓ માટે પોતાની ટીમમાં જરૂરી ફેરફાર કરવા અને ચોક્કસ સ્થાન માટે ખેલાડીઓ પસંદ કરવાની આ મહત્વની તક રહેશે.
https://x.com/HustlerCSK/status/2101017422337806576?s=20
આ વખતે ભારતમાં થશે હરાજી
IPL ઓક્શન છેલ્લા ત્રણ વર્ષથી ભારતની બહાર યોજાઈ રહ્યું છે.અગાઉ દુબઈ, જેદ્દાહ અને અબુ ધાબીમાં હરાજીનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે IPL 2027નું મિની ઓક્શન ભારતની ધરતી પર યોજવાની તૈયારી ચાલી રહી છે.IPLના ચેરમેન અરુણ ધૂમલે પણ અગાઉ આ અંગે સંકેત આપ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે BCCI દર વર્ષે ભારતમાં ઓક્શન યોજવાનો પ્રયાસ કરે છે, પરંતુ લગ્નની સિઝનને કારણે યોગ્ય સ્થળ મળવામાં મુશ્કેલી પડે છે.આ વખતે ઓક્શન મિની ઓક્શન હોવાથી ભારતમાં જ સ્થળ મળી જશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે
IPLના 20 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે
IPL 2027ની સિઝન ભારતીય ક્રિકેટ લીગ માટે ખાસ રહેશે. IPL પોતાના 20 વર્ષ પૂર્ણ કરવાની દિશામાં આગળ વધી રહ્યું છે. અહેવાલો અનુસાર BCCI ટુર્નામેન્ટને વધુ ભવ્ય બનાવવાની તૈયારીમાં છે.આ કારણે આગામી સિઝન સાથે જોડાયેલી કેટલીક ખાસ યોજનાઓ પણ જોવા મળી શકે છે. જોકે તેની સંપૂર્ણ સત્તાવાર વિગતો હજુ જાહેર થવાની બાકી છે.
WPL 2027 ઓક્શનની તારીખ પણ જાહેર
વુમન્સ પ્રીમિયર લીગ એટલે કે WPL 2027 માટે પણ ખેલાડી હરાજીની તારીખ જાહેર થઈ ચૂકી છે. WPL 2027નું ઓક્શન 28 ઓક્ટોબરે યોજાશે.તમામ 5 ફ્રેન્ચાઇઝીએ 28 સપ્ટેમ્બર સુધી પોતાની રિટેન્શન યાદી આપવાની રહેશે. ત્યારબાદ હરાજી માટેની અંતિમ તૈયારીઓ કરવામાં આવશે.WPL 2027નું ઓક્શન કોચીના ગ્રાન્ડ હયાત હોટેલમાં યોજાશે. આગામી વર્ષે મહિલા ચેમ્પિયન્સ ટ્રોફીને ધ્યાનમાં રાખીને WPLનું આયોજન અગાઉની સરખામણીમાં થોડું વહેલું પૂરું કરવાની યોજના છે.મહિલા ચેમ્પિયન્સ ટ્રોફી 2027ની શરૂઆત 14 જાન્યુઆરીથી થવાની છે અને ફાઇનલ 7 ફેબ્રુઆરીએ રમાઈ શકે છે.
આ પણ વાંચો - IPL 2027: ઓક્શનની તારીખ અંગે મોટો ખુલાસો, ડિસેમ્બરમાં લાગશે કરોડોની બોલી!