ભારતના પૂર્વ વિસ્ફોટક ઓપનર વીરેન્દ્ર સેહવાગના પરિવારમાંથી ક્રિકેટની દુનિયામાં વધુ એક નામ ચર્ચામાં આવ્યું છે. આ વખતે સેહવાગનો મોટો દીકરો આર્યવીર નહીં, પરંતુ નાનો દીકરો વેદાંત પોતાની બોલિંગના કારણે ચર્ચામાં છે. 16 વર્ષના વેદાંતે કૂચ બિહાર ટ્રોફીમાં દિલ્હી અંડર-19 તરફથી રમતાં પંજાબ સામે એક જ ઇનિંગમાં સાત વિકેટ ઝડપી હતી. ખાસ વાત એ છે કે આ મેચમાં દિલ્હીની ટીમની કમાન તેના મોટા ભાઈ આર્યવીરના હાથમાં છે. વેદાંતે પોતાની ઓફ સ્પિનથી પંજાબની બેટિંગ લાઇનઅપને મુશ્કેલીમાં મૂકી દીધી હતી.
વેદાંતે 22.3 ઓવરમાં 7 વિકેટ ઝડપી
રોપરમાં દિલ્હી અને પંજાબની અંડર-19 ટીમો વચ્ચે કૂચ બિહાર ટ્રોફીની એલિટ ગ્રુપની ચાર દિવસીય મેચ રમાઈ રહી છે. પ્રથમ દિવસે પંજાબે ટોસ બાદ બેટિંગ કરતાં 65.3 ઓવરમાં 238 રન બનાવ્યા હતા. આ દરમિયાન દિલ્હીના 16 વર્ષના ઓફ સ્પિનર વેદાંત સેહવાગે શાનદાર બોલિંગ કરી હતી. વેદાંતે 22.3 ઓવર બોલિંગ કરીને 88 રન આપ્યા હતા અને પાંચ ઓવર મેઇડન નાખી હતી. તેણે પંજાબની કુલ 10 વિકેટમાંથી સાત વિકેટ પોતાના નામે કરી હતી. તેની ઇકોનોમી 3.91 રહી હતી. વેદાંતે પંજાબના ટોપ ઓર્ડરથી લઈને નીચલા ક્રમ સુધીના બેટર્સને પરેશાન કર્યા હતા. પંજાબ તરફથી સાહિજબોતવીર સિંહે સૌથી વધુ 61 રન બનાવ્યા હતા, જ્યારે નૂરવીર સિંહે 58 રનની ઇનિંગ રમી હતી. જોકે, વેદાંતની બોલિંગ સામે પંજાબની ટીમ મોટો સ્કોર ઊભો કરી શકી નહોતી.
