ભારત-A અને શ્રીલંકા-A વચ્ચેની એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ 2026ની સેમિફાઇનલમાં માત્ર બેટિંગ અને બોલિંગ જ નહીં, અમ્પાયરના એક નિર્ણયને લઈને પણ મેદાન પર ગરમાવો જોવા મળ્યો હતો. શ્રીલંકાની ઇનિંગ દરમિયાન શાહબાઝ અહેમદે લસિથ ક્રૂસપુલ્લે સામે LBWની અપીલ કરી હતી. ભારતીય ખેલાડીઓને લાગ્યું હતું કે બોલ સીધો વિકેટ તરફ જઈ રહ્યો છે, પરંતુ અમ્પાયરે બેટરને નોટઆઉટ જાહેર કર્યો હતો. આ નિર્ણયથી વૈભવ સૂર્યવંશી અને કેપ્ટન તિલક વર્મા નારાજ દેખાયા હતા. વૈભવ અમ્પાયર પાસે જઈને સવાલ કરતો પણ જોવા મળ્યો હતો.

શાહબાઝની અપીલ અમ્પાયરે ફગાવી

આ ઘટના શ્રીલંકા-Aની ઇનિંગની 24મી ઓવર દરમિયાન બની હતી. શાહબાઝ અહેમદ બોલિંગ કરી રહ્યો હતો અને સામે લસિથ ક્રૂસપુલ્લે બેટિંગ કરી રહ્યો હતો. શાહબાઝનો બોલ ક્રૂસપુલ્લેના પેડ પર વાગતાં તેણે જોરદાર LBWની અપીલ કરી હતી. ભારતીય ટીમના અન્ય ખેલાડીઓએ પણ વિકેટની માગ કરી હતી, પરંતુ અમ્પાયરે તરત જ બેટરને નોટઆઉટ જાહેર કર્યો હતો. અમ્પાયરનો નિર્ણય આવતાં જ શાહબાઝે નિરાશામાં પોતાનું માથું પકડી લીધું હતું. તેને વિશ્વાસ હતો કે બોલ વિકેટને અડકશે. બીજી તરફ, વૈભવ સૂર્યવંશી પણ આ નિર્ણયથી ખુશ નહોતો. તે પોતાની ફિલ્ડિંગ પોઝિશન પરથી અમ્પાયર પાસે પહોંચ્યો હતો.

https://x.com/SonySportsNetwk/status/2125986339695026401?a=AE-ulN397rJqQOMXYVw&s=20

વૈભવે અમ્પાયરને કર્યો સવાલ

વૈભવ અમ્પાયર પાસે જઈને જાણે એ સમજવાનો પ્રયાસ કરી રહ્યો હતો કે બોલ બેટને અડ્યા બાદ પેડ પર વાગ્યો હતો કે નહીં. જો બોલ બેટની અંદરની કિનારીને અડ્યો હોય તો બેટર LBW આઉટ થઈ શકે નહીં. જોકે, રિપ્લેમાં પણ બોલનો બેટ સાથે સંપર્ક થયો હતો કે નહીં તે સ્પષ્ટ રીતે નક્કી કરવું મુશ્કેલ હતું. કેપ્ટન તિલક વર્મા પણ અમ્પાયરના નિર્ણયથી નારાજ દેખાતો હતો. જોકે, તેણે પરિસ્થિતિ વધુ ન વણસે તે માટે વૈભવને અમ્પાયર પાસેથી દૂર જવા કહ્યું હતું. અમ્પાયરે પણ ખેલાડીઓને શાંત રહેવા સૂચના આપી હતી. શ્રીલંકાના બેટર પવન રત્નાયકે આ સમગ્ર ઘટનાને શાંતિથી જોઈ રહ્યો હતો.

રિપ્લેમાં પણ નિર્ણય અંગે સ્પષ્ટતા નહીં

રિપ્લેમાં બોલ બેટની અંદરની કિનારીને અડ્યો હતો કે નહીં તે સ્પષ્ટ થઈ શક્યું નહોતું. અમ્પાયરનું માનવું હતું કે બોલ લેગ સ્ટમ્પની બહાર જઈ રહ્યો હતો, તેથી તેણે LBWની અપીલ ફગાવી હતી. આ નિર્ણયને કારણે ભારતીય ખેલાડીઓમાં નિરાશા જોવા મળી હતી. જોકે, આ ઘટનાની સૌથી રસપ્રદ વાત એ હતી કે ક્રૂસપુલ્લે ત્યારબાદ પણ લાંબો સમય ક્રીઝ પર ટકી રહ્યો હતો. તેણે 107 બોલમાં 116 રનની સદી ફટકારી હતી અને સિનેથ જયવર્ધને સાથે મોટી ભાગીદારી કરીને શ્રીલંકા-Aને જીતની નજીક પહોંચાડી દીધું હતું.

આ પણ વાંચો: IND A vs SL A: ભારતનું ફાઇનલમાં પહોંચવાનું સપનું રોળાયું, શ્રીલંકા-Aએની આસાન જીત