એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ 2026માં ભારત-Aનું ફાઇનલમાં પહોંચવાનું સપનું અધૂરું રહી ગયું છે. દોહામાં રમાયેલી પ્રથમ સેમિફાઇનલમાં 317 રનનો મોટો સ્કોર બનાવવા છતાં ભારતીય ટીમ શ્રીલંકા-Aના બેટર્સને રોકી શકી નહોતી. શ્રીલંકાના ઓપનર લસિથ ક્રૂસપુલ્લે અને સિનેથ જયવર્ધનેએ સદી ફટકારીને મેચનું ચિત્ર જ બદલી નાખ્યું હતું. બંને વચ્ચેની મોટી ભાગીદારીને કારણે ભારત-Aના બોલરો વિકેટ માટે ઝઝૂમતા રહ્યા હતા. આખરે શ્રીલંકા-Aએ 9.3 ઓવર બાકી રહેતાં આઠ વિકેટે જીત મેળવી ફાઇનલમાં જગ્યા બનાવી લીધી હતી.
ભારત-Aએ બનાવ્યા 317 રન
ટોસ જીતીને ભારત-Aના કેપ્ટન તિલક વર્માએ પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. વૈભવ સૂર્યવંશીએ 27 બોલમાં 40 રન બનાવી આક્રમક શરૂઆત અપાવી હતી. ત્યારબાદ અભિષેક શર્મા અને તિલક વર્માએ ઇનિંગ્સ સંભાળી હતી. અભિષેકે 63 બોલમાં 78 રન અને તિલકે 66 બોલમાં 53 રન બનાવ્યા હતા. મધ્યક્રમમાં વિકેટ પડ્યા બાદ શાહબાઝ અહેમદે 48 બોલમાં અણનમ 54 રન ફટકાર્યા હતા. તનુષ કોટિયને પણ 28 રનનું યોગદાન આપ્યું હતું. બંનેની ઉપયોગી બેટિંગથી ભારત-Aએ 50 ઓવરમાં 8 વિકેટે 317 રન બનાવ્યા હતા. શ્રીલંકા તરફથી રવિન્દુ ફર્નાન્ડો અને નિપુન ધનંજયે બે-બે વિકેટ લીધી હતી.
https://x.com/BCCI/status/2126002306164637821?a=_7Ozy0MAznmRZLWd2mw&s=20
શ્રીલંકાના ઓપનર્સની સદીએ મેચ પલટી
318 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકા-Aએ શરૂઆતથી જ આક્રમક બેટિંગ કરી હતી. સિનેથ જયવર્ધને અને લસિથ ક્રૂસપુલ્લેએ ભારતીય બોલરોને વિકેટ માટે તરસાવ્યા હતા. સિનેથે ખાસ કરીને અર્શદ ખાનની ઓવરમાં આક્રમક બેટિંગ કરીને રનનો પ્રવાહ વધાર્યો હતો. બંનેએ પ્રથમ વિકેટ માટે મોટી ભાગીદારી નોંધાવીને શ્રીલંકાને મજબૂત સ્થિતિમાં પહોંચાડી દીધું હતું. સિનેથ જયવર્ધનેએ 70 બોલમાં 105 રન બનાવ્યા હતા. તેની ઇનિંગમાં 10 ચોગ્ગા અને છ છગ્ગા સામેલ હતા. બીજી તરફ, ક્રૂસપુલ્લેએ 107 બોલમાં 116 રન ફટકાર્યા હતા, જેમાં 12 ચોગ્ગા અને ત્રણ છગ્ગાનો સમાવેશ થતો હતો. બંનેની સદીએ ભારત-Aની જીતની આશા લગભગ ખતમ કરી દીધી હતી.
બે વિકેટ પડી, પરંતુ ભારતને જીત ન મળી
શાહબાઝ અહેમદે સિનેથ જયવર્ધનેને તનુષ કોટિયનના હાથે કેચ કરાવીને ભારત-Aને પ્રથમ સફળતા અપાવી હતી. ત્યારબાદ હર્ષિત રાણાએ 36મી ઓવરમાં ક્રૂસપુલ્લેને રિંકુ સિંહના હાથે કેચ કરાવ્યો હતો. જોકે, ત્યાં સુધીમાં શ્રીલંકા-A જીતની નજીક પહોંચી ગયું હતું. ત્યારબાદ નિશાન મધુશંકા અને પવન રત્નાયકેએ જવાબદારી સંભાળી હતી. મધુશંકાએ 56 બોલમાં અણનમ 58 રન બનાવ્યા હતા, જ્યારે પવન રત્નાયકેએ 16 બોલમાં અણનમ 31 રન ફટકાર્યા હતા. બંનેએ ટીમને 41.3 ઓવરમાં 2 વિકેટે 318 રન સુધી પહોંચાડી દીધી હતી. આ સાથે શ્રીલંકા-Aએ આઠ વિકેટે જીત મેળવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો અને ભારત-Aનું ટૂર્નામેન્ટમાં અભિયાન પૂરું થયું હતું.
આ પણ વાંચો: Vaibhav Sooryavanshi હવે ટેસ્ટમાં 500 રન ફટકારશે ! પીટરસનની મોટી આગાહી