ક્રિકેટમાં ખેલાડી તરીકે પોતાની આગવી ઓળખ બનાવ્યા બાદ કોચિંગમાં સફળતા મેળવનાર શ્રીલંકાના પૂર્વ કેપ્ટન મહેલા જયવર્ધનેને હવે નવી અને મોટી જવાબદારી મળી છે. GMR Sportsએ તેમને ડિરેક્ટર ઓફ ક્રિકેટ તરીકે નિયુક્ત કર્યા છે. આ પદ સાથે હવે તેઓ એક નહીં, પરંતુ અલગ-અલગ દેશો અને ક્રિકેટ લીગમાં રમતી ત્રણ ટીમોની ક્રિકેટ વ્યવસ્થાનું માર્ગદર્શન આપશે. તેમાં મહિલા પ્રીમિયર લીગની દિલ્હી કેપિટલ્સ, ILT20ની દુબઈ કેપિટલ્સ અને ઇંગ્લેન્ડની ધ હન્ડ્રેડ લીગની સધર્ન બ્રેવનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ઇંગ્લેન્ડની હેમ્પશાયર ક્રિકેટ ટીમ સાથે પણ તેઓ ક્રિકેટ સંબંધિત જ્ઞાન અને અનુભવની આપ-લે કરશે.
GMR Sportsમાં મહેલા જયવર્ધનેની નવી ઇનિંગ
GMR Sportsએ 20 નવેમ્બર 2026ના રોજ મહેલા જયવર્ધનેની ડિરેક્ટર ઓફ ક્રિકેટ તરીકે નિમણૂકની જાહેરાત કરી હતી. આ જવાબદારી હેઠળ તેઓ કંપની સાથે જોડાયેલી ક્રિકેટ ટીમોની રણનીતિ, ખેલાડીઓની પસંદગી, તાલીમ અને પ્રદર્શન વ્યવસ્થાપન પર દેખરેખ રાખશે. તેઓ દિલ્હી કેપિટલ્સની મહિલા ટીમ, દુબઈ કેપિટલ્સ અને ઇંગ્લેન્ડની સધર્ન બ્રેવ સાથે કામ કરશે. આ ઉપરાંત હેમ્પશાયર ક્રિકેટના ડિરેક્ટર ઓફ ક્રિકેટ ગાઇલ્સ વ્હાઇટ સાથે પણ સંકલન કરશે. તેનો હેતુ અલગ-અલગ ટીમોમાં ક્રિકેટનું જ્ઞાન, તાલીમની પદ્ધતિઓ અને ખેલાડીઓના વિકાસ માટેના અનુભવોની આપ-લે કરવાનો છે.
ત્રણ ટીમોની રણનીતિ બનાવશે
જયવર્ધનેની નવી ભૂમિકામાં સૌથી મહત્ત્વની જવાબદારી ટીમોની લાંબા ગાળાની ક્રિકેટ યોજના તૈયાર કરવાની રહેશે. તેઓ ખેલાડીઓની પ્રતિભા ઓળખવા, યોગ્ય ખેલાડીઓની પસંદગી કરવા અને તેમની ક્ષમતામાં સુધારો લાવવા માટે કામ કરશે. તેઓ દરેક ટીમના મુખ્ય કોચ, મેનેજમેન્ટ અને ક્રિકેટ વિભાગ સાથે મળીને કામ કરશે. ટીમનું પ્રદર્શન સુધારવું, ખેલાડીઓનો વિકાસ કરવો અને સતત સારું પરિણામ મળે તેવી વ્યવસ્થા ઊભી કરવી તેમની જવાબદારીનો ભાગ હશે. GMR Sportsના ચેરમેન કિરણ કુમાર ગ્રાંધીએ જણાવ્યું હતું કે જયવર્ધનેનો આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો અનુભવ અને સફળ ટીમો બનાવવાની તેમની ક્ષમતા સંસ્થાને મદદરૂપ થશે. કંપની અલગ-અલગ ફ્રેન્ચાઇઝી વચ્ચે જ્ઞાન અને અનુભવની આપ-લે થાય તેવી વ્યવસ્થા ઊભી કરવા માગે છે.
દિલ્હી કેપિટલ્સ સાથે 13 વર્ષ બાદ ફરી જોડાણ
મહેલા જયવર્ધને માટે દિલ્હી કેપિટલ્સ સાથે જોડાવું જૂના સંબંધો ફરી શરૂ કરવા જેવું છે. તેઓ 2012 અને 2013માં દિલ્હી ડેરડેવિલ્સ તરફથી IPL રમ્યા હતા. 2013ની સિઝનમાં તેમણે ટીમની કેપ્ટનશિપ પણ સંભાળી હતી. હવે 13 વર્ષથી વધુ સમય બાદ તેઓ ફરી આ ફ્રેન્ચાઇઝી સાથે જોડાયા છે, પરંતુ આ વખતે ખેલાડી તરીકે નહીં, પરંતુ ક્રિકેટ મેનેજમેન્ટના મુખ્ય હોદ્દા પર. ખાસ કરીને દિલ્હી કેપિટલ્સની મહિલા ટીમ માટે તેમની નિમણૂક મહત્ત્વપૂર્ણ છે. ટીમ WPLની પ્રથમ ચાર સિઝનમાં રનર્સ-અપ રહી છે, પરંતુ હજુ સુધી ટાઇટલ જીતી શકી નથી.
મુંબઈ ઈન્ડિયન્સ સાથેની સફર બાદ નવી જવાબદારી
જયવર્ધને અગાઉ મુંબઈ ઈન્ડિયન્સના મુખ્ય કોચ તરીકે પણ સફળ કામગીરી કરી હતી. તેમના માર્ગદર્શન હેઠળ મુંબઈએ 2017, 2019 અને 2020માં IPLનું ટાઇટલ જીત્યું હતું. 2026ની IPL સિઝન બાદ મુંબઈ ઈન્ડિયન્સ સાથેનો તેમનો કાર્યકાળ પૂર્ણ થયો હતો.
હવે GMR Sportsમાં તેમની નવી ભૂમિકા માત્ર એક ટીમ સુધી મર્યાદિત નથી. અલગ-અલગ દેશોની લીગમાં રમતી ટીમો માટે એકસમાન ઉચ્ચ પ્રદર્શનની વ્યવસ્થા ઊભી કરવાની જવાબદારી તેમને સોંપવામાં આવી છે. આ નિમણૂકથી GMRની ક્રિકેટ ફ્રેન્ચાઇઝીઓમાં આગામી સમયમાં ખેલાડીઓની પસંદગી અને ટીમની તૈયારીમાં કેવા ફેરફાર આવે છે તેના પર નજર રહેશે.
આ પણ વાંચો: Yuzvendra Chahalની રાજકારણમાં એન્ટ્રી! ભાજપના મળી મોટી જવાબદારી