વેલિંગ્ટનના બેસિન રિઝર્વ મેદાન પર ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચના બીજા દિવસે મેદાન પર જોરદાર ડ્રામા જોવા મળ્યો હતો. ન્યૂઝીલેન્ડના હેનરી નિકોલ્સ અને ગ્લેન ફિલિપ્સે ભારતીય બોલરોને પરેશાન કર્યા હતા, તો બીજી તરફ ભારતીય ટીમના કેપ્ટન શુભમન ગિલ અને ઝડપી બોલર આકાશ દીપ વચ્ચે DRSને લઈને રસપ્રદ ઘટના બની હતી. આકાશ દીપની જીદને કારણે ભારતે પોતાના મહત્વના રિવ્યૂ ગુમાવ્યા હતા. ખોટા રિવ્યૂ માટે દબાણ થતાં શુભમન ગિલ પણ મેદાન પર ગુસ્સે ભરાયો હતો.

આકાશ દીપની જીદ સામે ગિલે લીધો રિવ્યૂ

આ સમગ્ર ઘટના ન્યૂઝીલેન્ડની પ્રથમ ઇનિંગની 95.2મી ઓવરમાં બની હતી. ગ્લેન ફિલિપ્સને આઉટ કર્યા બાદ આકાશ દીપનો આત્મવિશ્વાસ ઘણો વધી ગયો હતો. ત્યારબાદ તેણે નવા બેટ્સમેન નાથન સ્મિથને ગુડ લેન્થ બોલ ફેંક્યો હતો. આ બોલ અંદરની તરફ આવ્યો હતો અને આગળ વધીને રમવાનો પ્રયાસ કરી રહેલા નાથન સ્મિથના પેડ પર વાગ્યો હતો.ભારતીય ખેલાડીઓએ જોરદાર અપીલ કરી હતી, પરંતુ અમ્પાયરે બેટ્સમેનને નોટઆઉટ આપ્યો હતો. આકાશ દીપને વિશ્વાસ હતો કે બેટ્સમેન આઉટ છે. તેથી તેણે કેપ્ટન શુભમન ગિલને DRS લેવાનો આગ્રહ કર્યો હતો.શરૂઆતમાં ગિલ આકાશ દીપની વાત સાથે સહમત નહોતો. વિકેટ પાછળ ઋષભ પંત અને નજીકમાં કેએલ રાહુલ પણ હાજર હતા. જોકે, આકાશ દીપના વારંવાર આગ્રહ બાદ ગિલે હસતાં હસતાં રિવ્યૂ લેવાનો નિર્ણય કર્યો હતો.પરંતુ રિપ્લેમાં સ્પષ્ટ થયું કે બોલ ઓફ સ્ટમ્પની બહાર પડ્યો હતો અને લેગ સ્ટમ્પની ઉપરથી પસાર થઈ રહ્યો હતો. આથી નાથન સ્મિથને નોટઆઉટ જાહેર કરવામાં આવ્યો હતો. ખોટો રિવ્યૂ ગુમાવ્યા બાદ શુભમન ગિલ આકાશ દીપ પર નારાજ થયો હતો અને તેને મેદાન પર જ ફટકાર લગાવી હતી.

https://x.com/Vipul_Espeaks/status/2123556338848682118?a=5WfHattSwh8vamKcPQg&s=20


આકાશ દીપની બોલિંગમાં ફરી ગુમાવ્યો DRS

ભારત માટે મુશ્કેલી અહીં પૂરી થઈ નહોતી. ન્યૂઝીલેન્ડની ઇનિંગની 115.3મી ઓવરમાં ફરી એક વખત આકાશ દીપની બોલિંગ દરમિયાન DRS લેવાનો વારો આવ્યો હતો.આ વખતે સામે બેટિંગ કરી રહેલો બેટ્સમેન મેટ હેનરી હતો. આકાશ દીપે ઓફ સ્ટમ્પની આસપાસ શોર્ટ બોલ ફેંક્યો હતો. મેટ હેનરી પાછળની તરફ ખસ્યો હતો અને તેનો બેટ થોડો ઉપર હતો. બોલર અને કેપ્ટન બંનેને લાગ્યું કે બોલ બેટને અડ્યો હોઈ શકે છે.ત્યારબાદ ભારતીય ટીમે પોતાનો છેલ્લો બચેલો રિવ્યૂ પણ લઈ લીધો હતો. જોકે, અલ્ટ્રાએજમાં કોઈ હલચલ જોવા મળી નહોતી. પરિણામે મેટ હેનરીને નોટઆઉટ આપવામાં આવ્યો હતો અને ભારતે પોતાનો છેલ્લો DRS પણ ગુમાવી દીધો હતો.

ભારતે ત્રણેય રિવ્યૂ ગુમાવ્યા

આ બંને ઘટનાઓને કારણે ભારતીય ટીમની DRS વ્યવસ્થા પર સવાલો ઊભા થયા હતા. ટેસ્ટ ક્રિકેટમાં મુશ્કેલ પરિસ્થિતિમાં રિવ્યૂ ખૂબ જ મહત્વના સાબિત થઈ શકે છે. ખાસ કરીને જ્યારે બેટ્સમેન મોટી ભાગીદારી કરી રહ્યા હોય ત્યારે યોગ્ય સમયે DRS લેવું જરૂરી બને છે.ન્યૂઝીલેન્ડ સામેની આ ટેસ્ટમાં ભારતીય ટીમે પોતાના ત્રણેય રિવ્યૂ ગુમાવી દીધા હતા. આકાશ દીપના આગ્રહ બાદ લેવામાં આવેલા ખોટા રિવ્યૂને કારણે શુભમન ગિલની નારાજગી પણ ચર્ચાનો વિષય બની હતી.

આ પણ વાંચો- Glenn Phillipsનો ઐતિહાસિક ધડાકો! રોહિત શર્માના આ રેકોર્ડની કરી બરાબરી