ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર આકાશ દીપે લાંબા સમય બાદ ટેસ્ટ ક્રિકેટમાં શાનદાર વાપસી કરી છે.ન્યૂઝીલેન્ડ સામે વેલિંગ્ટનમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટની પહેલી ઇનિંગમાં તેમણે 53 રન આપીને 3 વિકેટ ઝડપી હતી.આ સફળ વાપસી બાદ આકાશ દીપે પોતાના મુશ્કેલ સમયને યાદ કર્યો હતો.તેમણે જણાવ્યું કે પીઠની ઈજામાંથી સાજા થવા દરમિયાન ભારતીય ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીર સતત તેમના સંપર્કમાં રહેતા હતા અને તેમની તબિયતના સમાચાર પૂછતા હતા.ગૌતમ ગંભીરનો આ સાથ આકાશ દીપ માટે ખૂબ મહત્ત્વનો રહ્યો હતો. લાંબા સમય સુધી ક્રિકેટથી દૂર રહ્યા બાદ મેદાન પર પાછા ફરવું તેમના માટે સરળ નહોતું.

પીઠની ઈજાને કારણે દોઢ વર્ષ સુધી ક્રિકેટથી દૂર રહ્યો 

આકાશ દીપ ઓગસ્ટ 2025થી ક્રિકેટના મેદાનથી દૂર હતા.તેમની પીઠમાં સ્ટ્રેસ ફ્રેક્ચર થયું હતું.જેના કારણે તેમને લાંબા સમય સુધી સારવાર અને રિહેબિલિટેશનમાંથી પસાર થવું પડ્યું હતું.આ દરમિયાન તેમણે બેંગલુરુ સ્થિત BCCIના સેન્ટર ઓફ એક્સેલન્સમાં પોતાની ફિટનેસ પર કામ કર્યું હતું. માત્ર ઈજામાંથી સાજા થવા પર જ નહીં, પરંતુ પોતાની બોલિંગને વધુ સારી બનાવવા અને શરીરને પહેલાં કરતાં મજબૂત બનાવવા પર પણ તેમણે ધ્યાન આપ્યું હતું.

https://x.com/BCCI/status/2123694722686578821?a=rt0lJymISun-QgzJkzA&s=20


'ગંભીર સર સતત પૂછતા હતા કે કેમ ચાલી રહ્યું છે?'

શુક્રવારે બીજા દિવસની રમત પૂરી થયા બાદ આકાશ દીપે પોતાના મુશ્કેલ સમય વિશે વાત કરી હતી.તેમણે કહ્યું કે રિહેબિલિટેશન દરમિયાન ગૌતમ ગંભીર સતત તેમની ખબર પૂછતા હતા.આકાશ દીપે જણાવ્યું કે,ગંભીર સર સતત અપડેટ લેતા હતા અને પૂછતા હતા કે બધું કેવું ચાલી રહ્યું છે?તેમનો આ સપોર્ટ મારા માટે ખૂબ મહત્ત્વનો હતો.આકાશના જણાવ્યા પ્રમાણે,આ સમયગાળા દરમિયાન તેમણે પોતાની બોલિંગની ખામીઓ સુધારવા માટે પણ મહેનત કરી હતી.લાંબા સમય બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરવા છતાં તેમને એવું લાગ્યું નહોતું કે તેઓ દોઢ વર્ષ પછી મેદાનમાં ઉતરી રહ્યા છે.ઇન્ડિયા A તરફથી કરેલા સારા પ્રદર્શને પણ તેમનો આત્મવિશ્વાસ વધાર્યો હતો. આકાશે કહ્યું કે ઇન્ડિયા A માટે પોતાની બોલિંગથી તેઓ ખુશ હતા.

ગ્લેન ફિલિપ્સને આઉટ કરનાર બોલ વિશે શું કહ્યું?

ન્યૂઝીલેન્ડની પ્રથમ ઇનિંગમાં આકાશ દીપે 3 વિકેટ ઝડપી હતી.આ દરમિયાન ગ્લેન ફિલિપ્સને બોલ્ડ કરનાર તેમનો બોલ ખાસ ચર્ચામાં રહ્યો હતો.આકાશ દીપ ક્રીઝની બહારથી બોલિંગ કરવા આવ્યા હતા.તેમણે બોલને હવામાં થોડો સમય રાખ્યો અને ટપ્પો પડ્યા બાદ બોલ બહારની તરફ વળ્યો હતો.આ બોલ સીધો ફિલિપ્સના ઓફ સ્ટમ્પ સાથે અથડાયો હતો.આ બોલને જાદુઈ ગણાવવાને બદલે આકાશે પોતાની મહેનતને તેનું કારણ ગણાવ્યું હતું.તેમણે કહ્યું કે,આ કોઈ જાદુઈ બોલ નહોતો.હું સતત એક ચોક્કસ જગ્યાએ બોલિંગ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો.આ બોલ પર મેં થોડો વધારે પ્રયાસ કર્યો અને મને જે પરિણામ જોઈતું હતું તે મળ્યું.

નવી બોલથી ભારતીય બોલરોને મળી મદદ

આકાશ દીપે પિચ અને બોલની સ્થિતિ વિશે પણ વાત કરી હતી.તેમના મતે,પ્રથમ દિવસના છેલ્લા બે સેશનમાં બોલ જૂનો થઈ ગયો હતો.જોકે,બીજા દિવસે નવી બોલ મળતાં ભારતીય બોલરોને ફરીથી મદદ મળી હતી.તેમણે કહ્યું કે બોલરોની પહેલી જવાબદારી રન રોકવાની હોવી જોઈએ.ત્યારબાદ નક્કી કરેલી યોજના પ્રમાણે બોલિંગ કરવી જોઈએ.બેટિંગ માટે અનુકૂળ બનતી પિચ પર બોલરોએ ધીરજ રાખવી અને સતત યોગ્ય જગ્યાએ બોલ નાખવો જરૂરી છે.

રાહુલ અને જયસ્વાલની આક્રમક બેટિંગનાં વખાણ કર્યા

આકાશ દીપે ભારતીય બેટ્સમેનોના આક્રમક અંદાજનાં પણ વખાણ કર્યા હતા.કેએલ રાહુલ અને યશસ્વી જયસ્વાલે ઝડપી ગતિએ રન બનાવીને ન્યૂઝીલેન્ડના બોલરો પર દબાણ ઊભું કર્યું હતું.આકાશના મતે,જ્યારે બેટ્સમેનો આક્રમક અંદાજમાં રમે છે ત્યારે વિરોધી ટીમના બોલરો દબાણમાં આવી જાય છે. ટીમ માટે આ એક સકારાત્મક સંકેત છે.

આ પણ વાંચો- PAK vs SL : બે વર્ષ બાદ પાકિસ્તાનનો ટેસ્ટમાં મોટો ધમાકો! જાણો સિરીઝ જીતતાં જ WTC પોઈન્ટ ટેબલમાં શું બદલાયું?