મુંબઈ ઈન્ડિયન્સે IPL 2027 પહેલાં મોટો નિર્ણય લેતાં પાંચ વખત ટીમને ચેમ્પિયન બનાવનાર રોહિત શર્માને ફરી કેપ્ટનશિપ સોંપી છે. હાર્દિક પંડ્યાના પંજાબ કિંગ્સમાં ગયા બાદ આ જવાબદારી કોને મળશે તેની ચર્ચા હતી, પરંતુ ફ્રેન્ચાઇઝીએ પોતાના સૌથી સફળ કેપ્ટન પર ફરી વિશ્વાસ મૂક્યો છે. રોહિતની વાપસીની જાહેરાત થતાં જ ટીમ સાથે જોડાયેલા ખેલાડીઓ અને માલિકો તરફથી પ્રતિક્રિયાઓ સામે આવી છે. ખાસ કરીને સૂર્યકુમાર યાદવની સોશિયલ મીડિયા પોસ્ટે ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે. તેમણે રોહિત માટે માત્ર ત્રણ શબ્દો લખીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી.
સૂર્યકુમાર યાદવે શું લખ્યું?
રોહિત શર્માની કેપ્ટન તરીકે વાપસી બાદ સૂર્યકુમાર યાદવે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર ખાસ મેસેજ શેર કર્યો હતો. તેમણે મુંબઈ ઈન્ડિયન્સની જાહેરાતને રીશેર કરીને છ બ્લૂ હાર્ટ ઇમોજી મૂક્યા હતા. ત્યારબાદ બીજી પોસ્ટમાં રોહિત માટે ‘લીડર, બ્રધર, મેન્ટર’ શબ્દો લખ્યા હતા. સાથે જ ચાહકોને સંબોધીને કહ્યું હતું, ‘પલટન, કુર્સી કી પેટી બાંધ લો.’
https://x.com/CricCrazyJohns/status/2126341316191965426?a=ePEszrvz-S_nz0iAFEw&s=20
સૂર્યકુમારની આ પોસ્ટને રોહિતની કેપ્ટનશિપમાં ફરી રમવા માટેના તેમના ઉત્સાહ તરીકે જોવામાં આવી રહી છે. સૂર્યકુમાર લાંબા સમયથી મુંબઈની ટીમનો ભાગ છે અને અગાઉ રોહિતની કેપ્ટનશિપમાં ટીમ સાથે બે IPL ટાઇટલ પણ જીતી ચૂક્યા છે.
નીતા અંબાણી અને આકાશ અંબાણીએ પણ કર્યું સ્વાગત
મુંબઈ ઈન્ડિયન્સની કો-ઓનર નીતા અંબાણીએ રોહિતની વાપસીને ફ્રેન્ચાઇઝી માટે ખાસ ક્ષણ ગણાવી હતી. તેમણે યાદ કર્યું કે 2011માં એક યુવા ખેલાડી તરીકે રોહિત મુંબઈની ટીમ સાથે જોડાયા હતા અને ત્યારથી તેમને એક ચેમ્પિયન તથા લીડર તરીકે વિકસતા જોવાનો અનુભવ શાનદાર રહ્યો છે. નીતા અંબાણીએ આશા વ્યક્ત કરી કે IPLની 20મી સિઝનમાં રોહિતના નેતૃત્વમાં ટીમ અને ચાહકોને વધુ યાદગાર ક્ષણો મળશે. બીજી તરફ, આકાશ અંબાણીએ પણ રોહિત સાથેની વાતચીત અને આગામી સિઝન માટેની તેમની મહત્વાકાંક્ષા અંગે ઉત્સાહ વ્યક્ત કર્યો હતો.
બુમરાહને પણ મળી હતી જવાબદારીની ઓફર?
રોહિતની વાપસી પહેલાં મુંબઈ ઈન્ડિયન્સમાં કેપ્ટનશિપ માટે સૂર્યકુમાર યાદવ અને જસપ્રીત બુમરાહનાં નામની પણ ચર્ચા હતી. જોકે, અંતે ફ્રેન્ચાઇઝીએ રોહિતને ફરી કમાન સોંપવાનો નિર્ણય લીધો. મિડિયા અહેવાલ અનુસાર, મુંબઈ ઈન્ડિયન્સે જસપ્રીત બુમરાહને IPL 2027 માટે વાઇસ-કેપ્ટન બનવાની ઓફર પણ કરી હતી, પરંતુ તેમણે આ જવાબદારી સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. જોકે, આ અંગે ફ્રેન્ચાઇઝી તરફથી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
ત્રણ વર્ષ બાદ ફરી રોહિતના હાથમાં કમાન
રોહિત શર્માએ 2013માં પ્રથમ વખત મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશિપ સંભાળી હતી. તેમના નેતૃત્વમાં ટીમે 2013, 2015, 2017, 2019 અને 2020માં કુલ પાંચ IPL ટાઇટલ જીત્યાં હતાં. IPL 2024 પહેલાં તેમની જગ્યાએ હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવવામાં આવ્યા હતા.
હાર્દિકના નેતૃત્વમાં મુંબઈ 2024માં પોઇન્ટ ટેબલમાં 10મા સ્થાને રહ્યું હતું, 2025માં ક્વોલિફાયર-2 સુધી પહોંચ્યું હતું અને 2026માં નવમા સ્થાને રહ્યું હતું. હવે 2027માં રોહિત ફરી ટીમનું નેતૃત્વ કરશે. મુંબઈ ઈન્ડિયન્સ માટે આ તેમની બીજી કેપ્ટનશિપની શરૂઆત હશે અને ટીમનું લક્ષ્ય 2020 પછી ફરી IPL ટ્રોફી જીતવાનું રહેશે.
આ પણ વાંચો: Bronson Reed: ક્રાઉન જ્વેલમાં ઈજા, પછી સર્જરી અને અચાનક મોત! WWE સ્ટાર સાથે શું થયું હતું?