સચિન તેંડુલકરને ક્રિકેટના ભગવાન માનવામાં આવે છે. હવે તેમનો પુત્ર અર્જુન તેંડુલકર પર પણ પિતાના પગલે ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. મુંબઈ T20માં અર્જુનના બેટિંગ અને બોલિંગમાં ધુઆંધાર પ્રદર્શનથી દર્શકો જ નહીં વિવેચકો પણ ચૂપ થયા. અર્જુન તેંડુલકરના આ ઓલરાઉન્ડ પ્રદર્શનની ક્રિકેટના નિષ્ણાતોએ પણ નોંધ લીધી. અર્જુનના વિસ્ફોટક ઇનિંગ્સથી આર્ક્સ અંધેરીએ મુંબઈ T20 લીગની ફાઇનલ મેચ 9 વિકેટના મોટા માર્જિનથી જીતી લીધી છે. અર્જુનના મેચ વિનિંગ પ્રદર્શનને જોઈને હવે ક્રિકેટ ચાહકો તેને ભારતીય રાષ્ટ્રીય ટીમમાં સામેલ કરવાની જોરદાર માંગ કરી રહ્યા છે.


અર્જુન તેંડુલકરનું મુંબઈ T20 લીગમાં વિસ્ફોટક પ્રદર્શન

મુંબઈ T20માં અર્જુન તેડુંલકરનું ઓલરાઉન્ડર પ્રદર્શન ટીમ ઇન્ડિયામાં સામેલ થવાનો માર્ગ સરળ બનાવશે. ભારતીય ટીમ મેનેજમેન્ટ હાલમાં એક મજબૂત ઓલરાઉન્ડરની શોધમાં છે, અને અર્જુનનું આ ફોર્મ તેના માટે ટીમ ઇન્ડિયાના દરવાજા ખોલી શકે છે. હાલમાં ભારતીય ટીમ પાસે હાર્દિક પંડ્યા, નીતિશ કુમાર રેડ્ડી અને શિવમ દુબેના રૂપમાં ત્રણ મુખ્ય ઓલરાઉન્ડરના વિકલ્પો ઉપલબ્ધ છે. જોકે, હાલમાં આ ત્રણેય ખેલાડીઓ અલગ-અલગ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે.

ટીમ ઇન્ડીયાના ઓલરાઉન્ડર ખેલાડીની ફિટનેસ

હાર્દિકની ફિટનેસ હંમેશા ચિંતાનો વિષય રહી છે. તે હાલમાં બેંગલુરુ સ્થિત 'સેન્ટર ઓફ એક્સેલન્સ'માં છે, જોકે અહેવાલો અનુસાર તેને ફિટનેસ ક્લિયરન્સ મળી ગયું છે. જયારે તાજેતરમાં રમાયેલી IPL 2026 દરમિયાન શિવમ દુબે ખરાબ ફોર્મમાં જોવા મળ્યો હતો અને તેણે બોલિંગ પણ ખૂબ ઓછી કરી હતી. આ ઉપરાંત ટીમ ઇન્ડિયાના અન્ય ઓલરાઉન્ડર ખેલાડી નીતિશ રેડ્ડી હજુ પણ પ્લેઇંગ ઇલેવનમાં પોતાનું કાયમી સ્થાન સુનિશ્ચિત કરવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. મુખ્ય ખેલાડીઓની આ અનિશ્ચિતતા વચ્ચે અર્જુન તેંડુલકર માટે ભારતીય ટીમમાં સ્થાન મેળવવાનો એક સુવર્ણ માર્ગ ખુલી શકે છે.

IPL 2026 માં ન મળ્યો પૂરતો મોકો

અર્જુન તેંડુલકર IPL 2026 માં લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) ટીમનો હિસ્સો હતો. ટીમ સતત મેચો હારી રહી હોવા છતાં શરૂઆતમાં અર્જુનને પ્લેઇંગ ઇલેવનમાં તક આપવામાં આવી ન હતી. જ્યારે લખનૌ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગયું, ત્યારે છેલ્લી મેચમાં તેને સામેલ કરાયો હતો. પંજાબ કિંગ્સ સામેની એ મેચમાં પણ અર્જુને પોતાની બોલિંગથી પ્રભાવિત કર્યા હતા અને તેની પહેલી જ ઓવરમાં વિકેટ લેવાની તક ઊભી કરી હતી. આઈપીએલમાં અર્જુન તેંડુલકરને સારા પ્રદર્શનની તક ના મળી. પરંતુ હાલમાં મુંબઈ T20 લીગમાં અર્જુન તેડુંલકરે જે રીતે ઓલરાઉન્ડર પરફોર્મન્સ આપ્યું તે પસંદગીકારોનું ધ્યાન પોતાની તરફ ચોક્કસપણે ખેંચ્યું છે.


આ પણ વાંચો : IND-A vs SL-A : આ એક ઓવર, જેના કારણે હારેલી બાજી જીતી ગઈ ટીમ ઈન્ડિયા

  • Follow us on: