દામ્બુલાના મેદાન પર ઇન્ડિયા A અને શ્રીલંકા A વચ્ચે રમાયેલી વનડે ટ્રાઈ સિરીઝની પહેલી મેચ ખૂબ જ રોમાંચક રહી. એક સમયે જ્યારે શ્રીલંકાની જીત નક્કી લાગી રહી હતી, ત્યારે ભારતીય બોલર્સે એ કામ કરી બતાવ્યું, જેની વિપક્ષ ટીમે કલ્પના પણ નહીં કરી હોય. મેચ સંપૂર્ણ રીતે શ્રીલંકાના કબજામાં હતી, પરંતુ 49મી ઓવરમાં ડાબા હાથના ફાસ્ટ બોલર અરશદ ખાને એવી બોલિંગ કરી કે માત્ર 4 બોલની અંદર જ શ્રીલંકાની જીતના સપના પર પાણી ફરી વળ્યું. ઇન્ડિયા Aએ આ મેચ 8 રને જીતીને પોતાના નામે કરી અને અરશદ ખાનની એ ઓવર મેચનો સૌથી મોટી ટર્નિંગ પોઇન્ટ બની ગઈ.
અરાચ્ચિગેએ શાનદાર ઇનિંગ રમી
ઇન્ડિયા-Aના 278 રનના પડકારજનક લક્ષ્યનો પીછો કરવા ઊતરેલી શ્રીલંકા-Aની ટીમે શરૂઆતથી જ મેચ પર પોતાની પકડ મજબૂત કરી લીધી હતી. ઓપનર બેટ્સમેન નિરોશન ડિકવેલા (47) અને અવિષ્કા ફર્નાન્ડો (45)એ પ્રથમ વિકેટ માટે 93 રનની મજબૂત શરૂઆત આપીને ભારતીય બોલરોને પાછળ ધકેલી દીધા હતા. ત્યારબાદ મધ્યક્રમમાં સદીરા સમરવિક્રમાએ 46 રનની ઇનિંગ રમી, પરંતુ શ્રીલંકાને જીતની એકદમ નજીક લઈ જવાનો શ્રેય તેમના કેપ્ટન સહાન અરાચ્ચિગેને જાય છે. અરાચ્ચિગેએ 72 બોલમાં 6 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 74 રનની ઇનિંગ રમી. તેણે વાનુજા સહાન (23) સાથે મળીને શ્રીલંકાને 260ની પાર પહોંચાડી દીધું હતું. છેલ્લા 17 બોલમાં શ્રીલંકાની જીત લગભગ નક્કી હતી કારણ કે તેમને માત્ર 16 રનની જરૂર હતી અને 4 વિકેટ હાથમાં હતી. સૌથી મોટી વાત એ કે અરાચ્ચિગે ક્રીઝ પર હતો.













