ભારતીય રમતગમત ક્ષેત્રે વહીવટી પારદર્શિતા લાવવા અને ખેલાડીઓના અધિકારોના રક્ષણ માટે કેન્દ્ર સરકારે એક ઐતિહાસિક અને અત્યંત મોટો નિર્ણય લીધો છે. દેશમાં રમતગમત સંઘોની કામગીરી સુધારવા અને વિવાદોના ઝડપી નિકાલ માટે સરકારે સત્તાવાર રીતે National Sports Governance Board Rules 2026 અને National Sports Tribunal Rules 2026 ને અધિસૂચિત (નોટિફાય) કરી દીધા છે. આ નવા નિયમોના અમલીકરણ સાથે જ દેશના રમતગમત પ્રશાસનમાં એક નવા યુગની શરૂઆત થવા જઈ રહી છે.

નેશનલ સ્પોર્ટ્સ બોર્ડ રાખશે કડક નજર

નવી વ્યવસ્થા હેઠળ દેશમાં એક શક્તિશાળી નેશનલ સ્પોર્ટ્સ બોર્ડ (National Sports Board) ની સ્થાપના કરવામાં આવશે. આ બોર્ડનું મુખ્ય કામ વિવિધ રમતગમત સંઘોની માન્યતા, તેમની કામગીરીમાં પારદર્શિતા અને વહીવટી ધોરણોની કડક દેખરેખ રાખવાનું રહેશે. અત્યાર સુધી રમતગમત સંઘો પર નાણાકીય ગેરરીતિઓ અને પક્ષપાતના જે આક્ષેપો થતા આવ્યા છે, તેના પર લગામ કસવા માટે આ બોર્ડ સંસ્થાઓમાં નાણાકીય અને નૈતિક માપદંડોનું પાલન સુનિશ્ચિત કરશે. કોઈપણ સંઘ નિયમોનું ઉલ્લંઘન કરશે તો તેની માન્યતા પર પણ તલવાર લટકી શકે છે.

અદાલતોના ચક્કરમાંથી મુક્તિ

ખેલાડીઓ અને રમતગમત સંસ્થાઓ વચ્ચે અવારનવાર થતા વિવાદોને કારણે રમત અને ખેલાડી બંનેનું નુકસાન થતું હોય છે. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે નેશનલ સ્પોર્ટ્સ ટ્રિબ્યુનલ (National Sports Tribunal) ની રચના કરવામાં આવશે. આ ટ્રિબ્યુનલનો મુખ્ય ઉદ્દેશ્ય રમતગમતને લગતા તમામ વિવાદોનું સ્વતંત્ર, નિષ્પક્ષ, ઝડપી અને ઓછા ખર્ચમાં નિવારણ લાવવાનો છે. આનાથી ખેલાડીઓને પોતાની રમત છોડીને વારંવાર હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટના ચક્કર કાપવામાંથી મુક્તિ મળશે અને તેમનો કિંમતી સમય બચશે.

 ડિજિટલ અને હાઈટેક બનશે સમગ્ર પ્રક્રિયા

આ નવી વ્યવસ્થાને સંપૂર્ણપણે આધુનિક અને યુઝર-ફ્રેન્ડલી બનાવવામાં આવી છે. વિવાદોના ઉકેલ અને વહીવટી કામગીરી માટે ખાસ ડિજિટલ પોર્ટલ તૈયાર કરવામાં આવશે. આ પોર્ટલના માધ્યમથી:

કેસની વચ્યુઅલ (ઓનલાઇન) સુનાવણી થઈ શકશે.

દસ્તાવેજો ઓનલાઇન જ સબમિટ અને વેરિફાય કરી શકાશે.

ટ્રિબ્યુનલના આદેશો અને નિર્ણયો પણ ઓનલાઈન પોર્ટલ પર જ ઉપલબ્ધ કરાવાશે, જેથી ખેલાડી ગમે ત્યાંથી તેને એક્સેસ કરી શકે.

સરકારનો દાવો

કેન્દ્ર સરકારના જણાવ્યા અનુસાર, આ ક્રાંતિકારી પગલાથી ભારતીય રમતગમત પ્રશાસનમાં જવાબદારી અને પારદર્શિતામાં અભૂતપૂર્વ વધારો થશે. વિવાદોના ઉકેલની પ્રક્રિયા અત્યંત સરળ અને ડિજિટલ બનવાને કારણે દેશના એથ્લેટ્સ કોઈપણ માનસિક તણાવ વગર માત્ર અને માત્ર પોતાના પર્ફોર્મન્સ પર ધ્યાન કેન્દ્રિત કરી શકશે.

આ પણ વાંચો:Hormuz Crisis: આ દેશે શોધ્યો નવો રસ્તો,,એશિયા-યુરોપ વચ્ચે 15 દિવસ વહેલો પહોંચશે સામાન