ભારતીય ક્રિકેટ ટીમ 22 ઓક્ટોબરથી ન્યૂઝીલેન્ડ સામે 5 મેચની T20 આંતરરાષ્ટ્રીય શ્રેણી રમવા ઉતરશે.આ શ્રેણીમાં ટીમ ઈન્ડિયાના સ્ટાર ઝડપી બોલર અર્શદીપ સિંહ પાસે મોટી સિદ્ધિ હાંસલ કરવાની તક છે.અર્શદીપ માત્ર 5 વિકેટ લેવામાં સફળ રહેશે તો T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 150 વિકેટ લેનારા પ્રથમ ભારતીય બોલર બની જશે.અર્શદીપ સિંહ હાલમાં T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારત તરફથી સૌથી વધુ વિકેટ લેનારા બોલર છે.અત્યાર સુધી તેમણે 99 મેચની 95 ઇનિંગ્સમાં 145 વિકેટ ઝડપી છે. હવે ન્યૂઝીલેન્ડ સામેની શ્રેણીમાં તેમની નજર વધુ એક ઐતિહાસિક સિદ્ધિ પર રહેશે.
150 વિકેટના આંકડાથી માત્ર 5 ડગલાં દૂર
T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અત્યાર સુધી દુનિયાના માત્ર 8 બોલર 150 કે તેથી વધુ વિકેટ લેવાની સિદ્ધિ મેળવી શક્યા છે.અર્શદીપ આ યાદીમાં સામેલ થવાથી માત્ર 5 વિકેટ દૂર છે.જો તેઓ ન્યૂઝીલેન્ડ સામેની 5 મેચની શ્રેણીમાં આટલી વિકેટ લઈ લેશે તો ભારતીય ક્રિકેટમાં નવો ઇતિહાસ રચાશે.T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનારા બોલરોની યાદીમાં અફઘાનિસ્તાનના રાશિદ ખાન 197 વિકેટ સાથે ટોચ પર છે.આ યાદીમાં આદિલ રશીદ,એહસાન ખાન,ઇશ સોઢી અને ટિમ સાઉથી જેવા બોલરો પણ સામેલ છે.અર્શદીપ હવે પોતાની શાનદાર બોલિંગના આધારે આ વિશેષ સિદ્ધિ હાંસલ કરવાની તૈયારીમાં હશે.
100 T20 આંતરરાષ્ટ્રીય મેચ પણ થશે પૂર્ણ
અર્શદીપ સિંહ માટે ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ T20 મેચ બીજી રીતે પણ ખાસ બની શકે છે.આ મેચમાં મેદાન પર ઉતરતાં જ તેઓ પોતાની 100મી T20 આંતરરાષ્ટ્રીય મેચ રમશે.ભારત તરફથી અત્યાર સુધી માત્ર 6 ખેલાડીઓએ 100 કે તેથી વધુ T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે.આ યાદીમાં પૂર્વ ભારતીય કેપ્ટન રોહિત શર્મા 159 મેચ સાથે પ્રથમ સ્થાને છે.ત્યારબાદ હાર્દિક પંડ્યા,વિરાટ કોહલી,સૂર્યકુમાર યાદવ,અક્ષર પટેલ અને જસપ્રીત બુમરાહનો સમાવેશ થાય છે.હવે અર્શદીપ પણ આ યાદીમાં પોતાનું નામ નોંધાવશે.27 વર્ષના અર્શદીપે જુલાઈ 2022માં ઇંગ્લેન્ડ સામે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું.ત્યારથી તેમણે સતત પોતાના પ્રદર્શનથી ટીમમાં મહત્વનું સ્થાન મેળવ્યું છે.અત્યાર સુધી તેઓ 2 વખત એક ઇનિંગ્સમાં 4 વિકેટ અને 1 વખત 5 વિકેટ લેવાની સિદ્ધિ મેળવી ચૂક્યા છે.
ન્યૂઝીલેન્ડ સામેની T20 શ્રેણીનું સમયપત્રક
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની 5 મેચની T20 શ્રેણી 22 ઓક્ટોબરથી શરૂ થશે. પ્રથમ 2 મેચ ક્રાઇસ્ટચર્ચમાં રમાશે.ત્યારબાદ ત્રીજી મેચ વેલિંગ્ટન,ચોથી ઓકલેન્ડ અને પાંચમી હેમિલ્ટનમાં યોજાવાની છે.ભારતીય ટીમ માટે આ શ્રેણી મહત્વની રહેશે અને અર્શદીપ સિંહના પ્રદર્શન પર પણ ચાહકોની નજર રહેશે. હવે જોવાનું એ રહેશે કે તેઓ ન્યૂઝીલેન્ડ સામેની શ્રેણીમાં 150 વિકેટનો ઐતિહાસિક આંકડો સ્પર્શી શકે છે કે નહીં.
આ પણ વાંચો - U19 મહિલા T20 વર્લ્ડ કપ 2027નું શેડ્યૂલ જાહેર, જાણો ભારતની પહેલી મેચ ક્યારે રમાશે