ભારતીય ક્રિકેટ ટીમનો ઝડપી બોલર અર્શદીપ સિંહ હવે માત્ર T20 ક્રિકેટમાં જ નહીં, પરંતુ વનડે ફોર્મેટમાં પણ પોતાની બોલિંગનો જલવો બતાવી રહ્યો છે. ખાસ કરીને નવી બોલથી પાવરપ્લેમાં વિકેટ લેવાની તેની ક્ષમતા ભારતીય ટીમ માટે મોટી તાકાત બની રહી છે. ન્યૂઝીલેન્ડ સામે ઓકલેન્ડમાં રમાયેલી પ્રથમ વનડેમાં પણ અર્શદીપે શાનદાર બોલિંગ કરીને માત્ર પાવરપ્લેમાં જ 2 વિકેટ ઝડપી હતી.
બુમરાહ અને સિરાજ વગર ચમક્યો અર્શદીપ
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ વનડેમાં ભારતીય ટીમ પહેલાં બોલિંગ કરવા મેદાનમાં ઉતરી હતી. આ શ્રેણીમાં જસપ્રીત બુમરાહ ટીમનો ભાગ નહોતો, જ્યારે પ્રથમ મેચમાં મોહમ્મદ સિરાજને આરામ આપવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં ભારતીય બોલિંગ આક્રમણમાં સૌથી અનુભવી બોલર તરીકે અર્શદીપ સિંહ પર મોટી જવાબદારી હતી.પંજાબના આ ડાબોડી ઝડપી બોલરે પોતાની જવાબદારી સારી રીતે નિભાવી હતી. ન્યૂઝીલેન્ડની ઇનિંગ્સની પાંચમી ઓવરમાં જ અર્શદીપે ભારતને પ્રથમ સફળતા અપાવી હતી. તેણે શોર્ટ પિચ બોલ નાખ્યો હતો, જેના પર વિલ યંગે પુલ શોટ રમવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, તે બોલને યોગ્ય રીતે રમી શક્યો નહોતો અને વિકેટ ગુમાવી બેઠો હતો.ત્યારબાદ નવમી ઓવરમાં અર્શદીપે હેનરી નિકોલ્સને પણ પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. આ રીતે પ્રથમ 10 ઓવરના પાવરપ્લેમાં જ અર્શદીપે 2 વિકેટ લઈને ન્યૂઝીલેન્ડની ટીમને દબાણમાં મૂકી દીધી હતી.
https://x.com/BCCI/status/2117848526235611619?a=ptFRfKVBThyVWAec6s8&s=20
વનડેના પાવરપ્લેમાં અર્શદીપની 17 વિકેટ
અર્શદીપ સિંહના વનડે પ્રદર્શન પર નજર કરીએ તો તેની અસરકારકતા સ્પષ્ટ જોવા મળે છે. આ તેની વનડે કારકિર્દીની 19મી મેચ હતી. તેણે અત્યાર સુધી 18 ઇનિંગ્સમાં બોલિંગ કરી છે અને શરૂઆતની 10 ઓવરમાં કુલ 17 વિકેટ ઝડપી છે.આ દરમિયાન અર્શદીપે 71 ઓવર બોલિંગ કરી છે. તેની સરેરાશ માત્ર 20.17 રહી છે, જ્યારે ઇકોનોમી રેટ 4.83 રન પ્રતિ ઓવરનો છે. આ આંકડા દર્શાવે છે કે નવી બોલથી અર્શદીપ ભારતીય ટીમ માટે કેટલો અસરકારક સાબિત થઈ રહ્યો છે.
T20માં પણ બનાવી ચૂક્યો છે ખાસ રેકોર્ડ
અર્શદીપની ખાસિયત માત્ર વનડે સુધી મર્યાદિત નથી. T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પણ પાવરપ્લે દરમિયાન તેની બોલિંગનો કોઈ જવાબ નથી. તાજેતરમાં ન્યૂઝીલેન્ડ સામેની T20 શ્રેણી દરમિયાન તેણે પાવરપ્લેમાં સૌથી વધુ 65 વિકેટ લેવાના ટિમ સાઉથીના રેકોર્ડની બરાબરી કરી હતી.ખાસ વાત એ છે કે અર્શદીપે આ સિદ્ધિ માત્ર 99 ઇનિંગ્સમાં મેળવી હતી. નવી બોલથી વિકેટ લેવાની તેની ક્ષમતા અને સતત સારું પ્રદર્શન તેને ભારતીય ટીમના મહત્ત્વના ઝડપી બોલરોમાં સ્થાન અપાવે છે.હવે જોવાનું રહેશે કે ન્યૂઝીલેન્ડ સામેની બાકીની વનડે મેચોમાં પણ અર્શદીપ પોતાની આ જ લય જાળવી રાખે છે કે નહીં. બુમરાહ અને સિરાજની ગેરહાજરીમાં ભારતીય બોલિંગ આક્રમણ માટે તેનું પ્રદર્શન ઘણું મહત્ત્વનું બની રહેશે.
આ પણ વાંચો - Rohit Sharma- Virat Kohli : રોહિતે પલક ઝપકાવતાં જ ખેલ ખતમ કર્યો અને વિરાટ બન્યો સુપરમેન,જુઓ VIDEO