અંડર-19 એશિયા કપ 2026ની ફાઇનલમાં પાકિસ્તાનને હરાવીને ભારતીય ટીમે નવમી વખત ખિતાબ જીત્યો છે. આ રોમાંચક જીત બાદ પૂર્વ ભારતીય ક્રિકેટર વીરેન્દ્ર સહેવાગ અને તેના પુત્ર આર્યવીર સહેવાગ વચ્ચે થયેલી વાતચીતનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ટૂર્નામેન્ટમાં પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ બનેલા આર્યવીરે જીત બાદ પોતાના પિતા સાથે વીડિયો કોલ પર વાત કરી હતી. આ દરમિયાન તેણે ફાઇનલની છેલ્લી ઓવરની રોમાંચક ક્ષણો વિશે એક રસપ્રદ કિસ્સો સંભળાવ્યો હતો.વીરેન્દ્ર સહેવાગે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ વીડિયો શેર કર્યો હતો. સાથે જ તેણે લખ્યું હતું કે કેટલીક ક્ષણો એવોર્ડ, રન અને ટ્રોફી કરતાં પણ મોટી હોય છે. આ એવી યાદો છે, જેને એક પિતા હંમેશાં પોતાની સાથે સાચવી રાખે છે.

પાકિસ્તાની ફેન્સ પણ લગાવતા હતા 'સહેવાગ-સહેવાગ'ના નારા!

વીડિયો કોલ દરમિયાન આર્યવીરે પિતાને ફાઇનલની છેલ્લી ઓવરની સ્થિતિ વિશે જણાવ્યું હતું. તેણે કહ્યું કે જ્યારે છેલ્લી ઓવરમાં ભારતને જીતવા માટે 8 રનની જરૂર હતી અને ટીમ પાસે માત્ર એક વિકેટ બાકી હતી, ત્યારે તે ખૂબ જ નર્વસ થઈ ગયો હતો.આર્યવીરે પિતાને કહ્યું હતું કે, 'પપ્પા, હું ખૂબ જ નર્વસ હતો. બસ મનમાં સીતારામ, સીતારામનો જાપ કરી રહ્યો હતો.આ દરમિયાન આર્યવીરે એક એવો કિસ્સો પણ સંભળાવ્યો, જેણે સૌનું ધ્યાન ખેંચ્યું હતું. તેણે જણાવ્યું કે જ્યારે તે મેદાન પર બેટિંગ કરી રહ્યો હતો ત્યારે સ્ટેડિયમમાં હાજર પાકિસ્તાની ફેન્સ પણ 'સહેવાગ-સહેવાગ'ના નારા લગાવી રહ્યા હતા.આ વાત સાંભળીને આ વીડિયો વધુ ચર્ચામાં આવ્યો છે. પાકિસ્તાન સામે વીરેન્દ્ર સહેવાગનો રેકોર્ડ પણ શાનદાર રહ્યો છે. તેણે મુલતાનમાં પાકિસ્તાન સામે ભારત તરફથી ટેસ્ટ ક્રિકેટમાં પ્રથમ ત્રેવડી સદી ફટકારી હતી.

https://www.instagram.com/reel/DfwFkv3hGQL/?utm_source=ig_web_copy_link&vrfl=NTc4MTIwNjQ2YQ==

પુત્રને આશીર્વાદ આપતા સહેવાગે કહી ખાસ વાત

વીરેન્દ્ર સહેવાગે પુત્ર આર્યવીરના પ્રદર્શન પર ગર્વ વ્યક્ત કર્યો હતો. તેણે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં આર્યવીરને આશીર્વાદ આપતાં લખ્યું હતું કે હંમેશાં પોતાના પગ જમીન પર રાખજે અને પોતાની મહેનત તથા પ્રતિભાના આધારે આકાશની ઊંચાઈઓને સ્પર્શજે.સહેવાગ માટે આ જીત માત્ર એક ટ્રોફી નથી, પરંતુ પુત્રની મહેનત અને સફળતાની ખાસ ક્ષણ છે. પિતા-પુત્ર વચ્ચેની આ વાતચીતે ક્રિકેટ ચાહકોનું દિલ જીતી લીધું છે.

આર્યવીરે ટૂર્નામેન્ટમાં બનાવ્યા સૌથી વધુ 361 રન

17 વર્ષના આર્યવીર સહેવાગે સમગ્ર અંડર-19 એશિયા કપમાં શાનદાર બેટિંગ કરી હતી. તેણે 5 મેચની 5 ઇનિંગમાં 90.25ની સરેરાશ અને 95થી વધુના સ્ટ્રાઇક રેટથી કુલ 361 રન બનાવ્યા હતા.આ દરમિયાન તેના બેટમાંથી 1 સદી અને 3 અડધી સદી જોવા મળી હતી. તેણે સમગ્ર ટૂર્નામેન્ટમાં સૌથી વધુ 16 છગ્ગા પણ ફટકાર્યા હતા.ખાસ વાત એ છે કે આર્યવીરે સેમિફાઇનલ અને ફાઇનલ જેવી મહત્વપૂર્ણ મેચોમાં પણ અડધી સદી ફટકારી હતી. તેના આ શાનદાર પ્રદર્શન બદલ તેને પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.આમ, આર્યવીરે પોતાના પિતા વીરેન્દ્ર સહેવાગની આક્રમક બેટિંગની વિરાસતને આગળ વધારવાના સંકેત આપ્યા છે. હવે આ યુવા બેટર પાસેથી ભારતીય ક્રિકેટ ચાહકોને ભવિષ્યમાં પણ મોટી આશા રહેશે.

આ પણ વાંચો - U19 Asia Cup: પીડા વચ્ચે રમ્યો, ટૂર્નામેન્ટનો હીરો બન્યો; ભારતની જીતથી આર્યવીર સેહવાગની પીડા થઈ દૂર