ભારતે અંડર-19 એશિયા કપ 2026ની ફાઇનલમાં પાકિસ્તાનને એક વિકેટે હરાવીને નવમી વખત ખિતાબ જીત્યો. આ યાદગાર જીતમાં કેપ્ટન લક્ષ્ય રાયચંદાની અને મોહિત ઉલ્વા સાથે ઓપનર આર્યવીર સેહવાગનું યોગદાન પણ મહત્વનું રહ્યું. પાકિસ્તાને આપેલા 338 રનના લક્ષ્યાંકનો પીછો કરતી વખતે આર્યવીરે ઈજા છતાં 61 બોલમાં 58 રન બનાવ્યા હતા. આ પ્રદર્શન સાથે તેણે ટૂર્નામેન્ટનો સર્વશ્રેષ્ઠ ખેલાડી બનવાનો એવોર્ડ પણ જીત્યો.

પાંચમી ઓવરમાં હાથ પર વાગ્યો બોલ

પાકિસ્તાન સામેની ફાઇનલમાં આર્યવીર સેહવાગ બેટિંગ કરી રહ્યો હતો ત્યારે પાંચમી ઓવરમાં અલી રઝાનો બોલ તેના હાથની કોણી પાસે વાગ્યો હતો. ઈજાને કારણે તેને ભારે પીડા થઈ હતી અને ફિઝિયોએ મેદાન પર આવીને સારવાર પણ કરી હતી. જોકે, આર્યવીરે બેટિંગ ચાલુ રાખી હતી. તેણે કેપ્ટન લક્ષ્ય રાયચંદાની સાથે મળીને પ્રથમ વિકેટ માટે 95 રનની ભાગીદારી કરી હતી. આર્યવીરે 61 બોલમાં 58 રન બનાવ્યા હતા, જેમાં 9 ચોગ્ગાનો સમાવેશ થાય છે. અર્ધસદી પૂરી કર્યા બાદ તેણે વિરાટ કોહલીની જાણીતી ઉજવણીની નકલ પણ કરી હતી.
https://x.com/kholi_babar/status/2121543330022731875?a=JXr_z6R-iaV5eLny7-A&s=20

ભારતની જીતથી દુખાવો ભૂલી ગયો

મેચ બાદ આર્યવીરે કહ્યું કે હવે તેના હાથમાં કોઈ દુખાવો નથી. તેણે જણાવ્યું કે ભારત-પાકિસ્તાનની મેચમાં લાગણીઓ હંમેશાં ઊંચી હોય છે. અગાઉની મેચમાં પાકિસ્તાન સામે તે વહેલો આઉટ થયો હતો, તેથી ફાઇનલમાં તે સારું પ્રદર્શન કરવા માગતો હતો. ઈજા થઈ હોવા છતાં તેણે ક્રીઝ પર ટકી રહેવાનું નક્કી કર્યું હતું, કારણ કે તેની હાજરીથી પાકિસ્તાનના બોલરો પર દબાણ જળવાઈ રહેતું હતું. ભારતની જીત બાદ તેણે કહ્યું કે ટીમની સફળતાએ તેની પીડા જાણે દૂર કરી દીધી છે.

ટૂર્નામેન્ટનો સર્વશ્રેષ્ઠ ખેલાડી બન્યો

આર્યવીર સેહવાગે સમગ્ર ટૂર્નામેન્ટમાં શાનદાર બેટિંગ કરી હતી. તેણે પાંચ મેચમાં 361 રન બનાવ્યા હતા અને સૌથી વધુ રન બનાવનાર બેટર રહ્યો હતો. આ પ્રદર્શન બદલ તેને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ જાહેર કરવામાં આવ્યો હતો.

ફાઇનલમાં ભારતે 338 રનના લક્ષ્યાંકનો પીછો કરતાં 50 ઓવરમાં 9 વિકેટે 339 રન બનાવ્યા હતા. એક સમયે ભારતીય ટીમ મુશ્કેલીમાં હતી, પરંતુ મનલ ચૌહાણના 47 અને મોહિત ઉલ્વાના અણનમ 49 રને ભારતને ઐતિહાસિક જીત અપાવી હતી. મોહિતે છેલ્લી બોલે ચોગ્ગો ફટકારીને ભારતને ચેમ્પિયન બનાવ્યું હતું.

આ પણ વાંચો: U19 Asia Cup જીતતાં ભારતને મળી આટલી પ્રાઈઝ મની, પાકિસ્તાનને પણ મોટી રકમ