ભારતીય ક્રિકેટના દિગ્ગજ બેટર વીરેન્દ્ર સહેવાગનો દીકરો આર્યવીર સહેવાગ પોતાની બેટિંગથી સતત ધ્યાન ખેંચી રહ્યો છે. ઓસ્ટ્રેલિયા અંડર-19 સામેની મેચમાં પણ આર્યવીરે શાનદાર શરૂઆત કરી હતી. ઓપનિંગમાં ઉતરેલા આર્યવીરે ઝડપી બેટિંગ કરી અનેક ચોગ્ગા ફટકાર્યા હતા. જોકે, તેની આ સુંદર ઇનિંગ્સનો અંત થોડો નિરાશાજનક રહ્યો હતો.આર્યવીર 47 રન બનાવીને રનઆઉટ થયો હતો અને માત્ર 3 રનથી પોતાની અર્ધસદી ચૂકી ગયો હતો. ખાસ વાત એ રહી કે તેણે પોતાની ઇનિંગ્સ દરમિયાન કોઈ બિનજરૂરી મોટો શોટ રમવાનો પ્રયાસ કર્યો નહોતો. તેણે સારા ફૂટવર્ક સાથે બોલને સમજીને રમ્યો અને સરળતાથી રન બનાવ્યા હતા.

શરૂઆતથી જ આક્રમક બેટિંગ

આર્યવીરે મેચની શરૂઆતથી જ પોતાની બેટિંગનો પરિચય આપ્યો હતો. પ્રથમ ઓવરની પાંચમી બોલ પર ચોગ્ગો ફટકારીને તેણે પોતાનું ખાતું ખોલ્યું હતું. ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલરો સામે પણ આર્યવીરને ખાસ મુશ્કેલી પડી નહોતી.તેના ફૂટવર્કને કારણે તે બોલને સારી રીતે ટાઈમ કરી રહ્યો હતો. આર્યવીરે પોતાની ઇનિંગ્સમાં જોખમી શોટ્સ રમવાને બદલે ક્રિકેટિંગ શોટ્સ પર વધારે ભાર મૂક્યો હતો. જેના કારણે તેણે સતત રન બનાવ્યા અને ભારતીય ટીમને સારી શરૂઆત અપાવી.

https://x.com/lightningspeedk/status/2101904044445036648?s=20

2 મહત્વની ભાગીદારી કરી

આર્યવીરે પોતાની ઇનિંગ્સ દરમિયાન ટીમ માટે 2 મહત્વની ભાગીદારી કરી હતી. પ્રથમ તેણે કેપ્ટન લક્ષ્ય રાયચંદાની સાથે મળીને 45 બોલમાં 46 રનની ભાગીદારી કરી હતી. આ ભાગીદારીએ ભારતીય ટીમને શરૂઆતમાં મજબૂત સ્થિતિમાં પહોંચાડી હતી.ત્યારબાદ આર્યવીરે વીકે વિનિત સાથે મળીને 68 બોલમાં 55 રન ઉમેર્યા હતા. આ ભાગીદારી દરમિયાન ભારતીય ટીમનો સ્કોર 100 રનની પાર પહોંચ્યો હતો. જોકે, ટીમનો સ્કોર 101 રન થયો ત્યારે આર્યવીરની ઇનિંગ્સનો અંત આવી ગયો.

રન લેવાની ગેરસમજથી ગુમાવી વિકેટ

આર્યવીર 47 રન પર બેટિંગ કરી રહ્યો હતો અને અર્ધસદીથી માત્ર 3 રન દૂર હતો. આ સમયે આર્યવીર અને વીકે વિનિત વચ્ચે રન લેવાને લઈને ગેરસમજ થઈ હતી. બંને બેટર વચ્ચે યોગ્ય સંકલન ન થતાં આર્યવીર રનઆઉટ થઈ ગયો હતો.રનઆઉટ થયા બાદ આર્યવીર ખૂબ જ નિરાશ જોવા મળ્યો હતો. સારી શરૂઆત કર્યા બાદ અર્ધસદીની નજીક પહોંચીને આ રીતે વિકેટ ગુમાવવી તેના માટે નિરાશાજનક રહી હતી. તે ભારે મનથી પેવેલિયન પરત ફર્યો હતો.

પ્રથમ વનડેમાં પણ કરી હતી અસરકારક બેટિંગ

ઓસ્ટ્રેલિયા અંડર-19 સામેની આ મેચ પહેલા રાજકોટમાં રમાયેલી પ્રથમ વનડેમાં પણ આર્યવીરે પોતાની બેટિંગનો દમ બતાવ્યો હતો. તેણે 26 બોલમાં 28 રનની મહત્વની ઇનિંગ્સ રમી હતી.વરસાદના કારણે આ મેચ 20-20 ઓવરની કરવામાં આવી હતી. ભારતીય અંડર-19 ટીમે પ્રથમ બેટિંગ કરીને 182 રન બનાવ્યા હતા. જવાબમાં ઓસ્ટ્રેલિયા અંડર-19 ટીમ 175 રન સુધી જ પહોંચી શકી હતી અને ભારતે આ મેચ 7 રનથી જીતી હતી.આ રીતે આર્યવીર સહેવાગ સતત પોતાના પ્રદર્શનથી ચર્ચામાં આવી રહ્યો છે. ઓસ્ટ્રેલિયા અંડર-19 સામે 47 રનની ઇનિંગ્સમાં અર્ધસદી ચૂકી ગયો હોવા છતાં તેની બેટિંગની શૈલી અને ટીમને અપાયેલી શરૂઆત મહત્વપૂર્ણ રહી હતી.

આ પણ વાંચો- Asian Games 2026: પાકિસ્તાનને મોટો ઝટકો, આ સ્ટાર બોલર થયો બહાર