એશિયાની સૌથી મોટી ક્રિકેટ ટૂર્નામેન્ટમાં સામેલ એશિયા કપ 2027ને લઈને મોટી માહિતી સામે આવી છે. જો તમામ તૈયારીઓ યોજના મુજબ પૂર્ણ થશે તો આગામી વર્ષે આ પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટની યજમાની બાંગ્લાદેશ કરશે. ટૂર્નામેન્ટ માટે સંભવિત તારીખો અને યજમાન શહેરોની વિગતો પણ સામે આવી છે.
બાંગ્લાદેશમાં યોજાઈ શકે છે
એશિયા કપ 2027નું આયોજન 18 જૂનથી 4 જુલાઈ 2027 દરમિયાન બાંગ્લાદેશમાં કરવામાં આવી શકે છે. આ માટે ઢાકાના મીરપુર, ચટ્ટોગ્રામ અને સિલહટને સંભવિત યજમાન શહેરો તરીકે પસંદ કરવામાં આવ્યા છે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)ની સુરક્ષા સમિતિના અધ્યક્ષ સઈદ ઇબ્રાહિમ અહમદે જણાવ્યું કે એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)એ આ ત્રણેય સ્ટેડિયમ સંબંધિત વિસ્તૃત માહિતી માગી છે.
BCB હાલ ટૂર્નામેન્ટની યજમાની માટેની તૈયારીઓને અંતિમ સ્વરૂપ આપી રહ્યું છે. ઇબ્રાહિમે જણાવ્યું કે ACC સાથે ચર્ચા ચાલી રહી છે અને આગામી દિવસોમાં પ્રક્રિયા પૂર્ણ થવાની આશા છે. તેમણે એ પણ કહ્યું કે બોગુરાનું શહીદ ચંદુ સ્ટેડિયમ પણ વિચારણા હેઠળ છે, પરંતુ હાલ મીરપુર, સિલહટ અને ચટ્ટોગ્રામને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.
2016માં એશિયા કપની યજમાની બાંગ્લાદેશને મળી હતી
બાંગ્લાદેશને છેલ્લે 2016માં એશિયા કપની યજમાની મળી હતી. તે વખતે ટૂર્નામેન્ટ T20 ફોર્મેટમાં રમાઈ હતી. હવે લગભગ 10 વર્ષ બાદ ફરી એકવાર આ મોટા ક્રિકેટ આયોજનની યજમાની મળવાની સંભાવનાથી બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ ઉત્સાહિત છે. BCBના અધિકારીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ત્રણેય પ્રસ્તાવિત શહેરોમાં ઓછામાં ઓછી એક-એક મેચ યોજવામાં આવશે. અંતિમ મંજૂરી મળ્યા બાદ સંપૂર્ણ કાર્યક્રમ જાહેર કરવામાં આવશે.
રાજકીય પરિસ્થિતિઓ પર પણ નજર રહેશે
જોકે, 2027ના એશિયા કપ દરમિયાન રાજકીય પરિસ્થિતિઓ પર પણ નજર રહેશે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના ક્રિકેટ સંબંધોને લઈને અગાઉ કેટલીક અનિશ્ચિતતાઓ જોવા મળી હતી. તેમ છતાં BCBએ સ્પષ્ટ કર્યું છે કે મોટી ક્રિકેટ ટીમોના પ્રવાસ દરમિયાન સુરક્ષા તેની સર્વોચ્ચ પ્રાથમિકતા રહેશે અને તે માટે સંપૂર્ણ તૈયારી કરવામાં આવશે.
આ પણ વાંચો: Abhishek Sharma ઈશાન કિશનના રન આઉટ પર થયો ગુસ્સે, કહ્યું- શું કરી રહ્યો છે યાર...?