એશિયન ગેમ્સ 2026 શરૂ થવામાં હવે ગણતરીના દિવસો બાકી છે.ભારતનો 207 સભ્યોનો વિશાળ દળ 2022ની રમતોમાં કરેલા પ્રદર્શન કરતાં વધુ સારા પરિણામની આશા સાથે મેદાનમાં ઉતરશે.જોકે, રમતો શરૂ થાય તે પહેલાં જ ભારતીય એથ્લેટિક્સ દળ સામે વિઝાને લઈને મુશ્કેલી ઊભી થઈ છે. અહેવાલો અનુસાર, 4થી 5 ભારતીય એથ્લેટ્સને હજુ સુધી જાપાનના વિઝા મળ્યા નથી.

એથ્લેટિક્સ ખેલાડીઓ વિઝા અટવાયા

ભારતના એથ્લેટિક્સ દળના કેટલાક ખેલાડીઓ નવા વાતાવરણ સાથે વહેલા અનુકૂળ થઈ શકે તે માટે ટોક્યો નજીકના એક સ્થળે યોજાયેલા અનુકૂલન શિબિરમાં પહોંચી ગયા છે. જોકે, વિઝા મંજૂરીમાં થઈ રહેલા વિલંબને કારણે કેટલાક ખેલાડીઓને આ શિબિરનો પૂરતો સમય મળી શકે નહીં. કેટલાક ખેલાડીઓ શિબિરમાં જોડાઈ પણ ન શકે અને સીધા જ નાગોયા પહોંચીને ભારતીય દળ સાથે જોડાય તેવી શક્યતા છે.

4થી 5 ખેલાડીઓના વિઝામાં વિલંબ

4થી 5 ભારતીય એથ્લેટ્સના જાપાનના વિઝા હજુ મંજૂર થયા નથી.જોકે,એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઈન્ડિયાના અધિકારીઓને આશા છે કે આ સમસ્યાનો ટૂંક સમયમાં ઉકેલ આવી જશે. જરૂર પડ્યે ફેડરેશન આ મામલે સરકારની મદદ પણ લઈ શકે છે.વિઝા અને પાસપોર્ટ સંબંધિત કામગીરી સંભાળતી આઉટસોર્સિંગ કંપની VFSએ અરજી તે જ સ્થળેથી કરવાની વાત પર ભાર મૂક્યો છે,જ્યાં સંબંધિત પાસપોર્ટ જારી કરવામાં આવ્યા હોય. આ પ્રક્રિયાને કારણે કેટલાક ખેલાડીઓના વિઝામાં વિલંબ થયો હોવાનું માનવામાં આવે છે.

ભારત માટે સૌથી મોટી ચિંતા

ભારત માટે સૌથી મોટી ચિંતા એ છે કે વિઝામાં વિલંબ થતાં ખેલાડીઓને અનુકૂલન શિબિરમાં તાલીમ અને નવા વાતાવરણ સાથે ટેવાવા માટે ઓછો સમય મળશે. એથ્લેટિક્સ જેવી રમતમાં હવામાન,સમય અને પરિસ્થિતિ સાથે વહેલા અનુકૂળ થવું મહત્વનું હોય છે. તેથી વિઝાની સમસ્યા ઝડપથી ઉકેલાય તે ભારતીય દળ માટે જરૂરી બની ગયું છે.ભારતીય એથ્લેટ્સનો એક જૂથ સુકુબા યુનિવર્સિટીમાં 20 સપ્ટેમ્બર સુધી તાલીમ લેશે. ત્યારબાદ એથ્લેટિક્સની સ્પર્ધાઓ શરૂ થવાના 2 દિવસ પહેલાં ખેલાડીઓ ટોક્યોથી નાગોયા પહોંચશે. એશિયન ગેમ્સમાં એથ્લેટિક્સની સ્પર્ધાઓ 23 સપ્ટેમ્બરથી શરૂ થવાની છે.

ભારતીય ક્રિકેટ ટીમ 28 સપ્ટેમ્બરે રમશે

એશિયન ગેમ્સ 2026માં ભારતનો સૌથી મોટો દળ એથ્લેટિક્સનો છે.ત્યારબાદ હોકીનો નંબર આવે છે,જેમાં ભારતના 40 સભ્યો સામેલ છે.ક્રિકેટમાં પણ ભારતને સીધો ફાયદો મળ્યો છે.આઈસીસી રેન્કિંગના આધારે ભારત સહિત 4 ટીમોને સીધી ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ મળ્યો છે.ભારતીય ક્રિકેટ ટીમ એશિયન ગેમ્સમાં પોતાનો પ્રથમ મુકાબલો 28 સપ્ટેમ્બરે રમશે.ભારતનું લક્ષ્ય આ રમતોમાં વધુ મેડલ જીતવાનું છે,પરંતુ શરૂઆત પહેલાં વિઝાની આ મુશ્કેલી ઝડપથી દૂર થાય તે ભારતીય ખેલાડીઓ માટે રાહતરૂપ રહેશે.

આ પણ વાંચો - Imran Khanના સમર્થનમાં એકઠા થયા 7 ભૂતપૂર્વ કપ્તાન, વિદેશ મંત્રીને પત્ર લખી કરી આ ચોંકાવનારી માગ