ઓસ્ટ્રેલિયાના ક્રિકેટ જગતના 7 પૂર્વ કેપ્ટનોએ પાકિસ્તાનની જેલમાં બંધ પૂર્વ વડાપ્રધાન અને ભૂતપૂર્વ ક્રિકેટર ઇમરાન ખાનના સમર્થનમાં અવાજ ઉઠાવ્યો છે. આ દિગ્ગજોએ ઓસ્ટ્રેલિયાની વિદેશ મંત્રી પેની વોંગને પત્ર લખીને ઇમરાન ખાન સાથે માનવીય વ્યવહાર થાય તે માટે રાજદ્વારી સ્તરે હસ્તક્ષેપ કરવાની અપીલ કરી છે.

ઇમરાન ખાનની તબિયતને લઈને ચિંતા વ્યક્ત કરી

ઇમરાન ખાનની તબિયતને લઈને સતત ચિંતા વ્યક્ત થઈ રહી છે.અગાઉ 22 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કેપ્ટનોએ પણ ઇમરાન ખાન સાથે યોગ્ય અને માનવીય વ્યવહાર કરવાની માંગ કરી હતી. હવે ઓસ્ટ્રેલિયાના 7 પૂર્વ કેપ્ટનો પણ આ મુદ્દે આગળ આવ્યા છે. તેમણે પાકિસ્તાનના અધિકારીઓ સાથે વાતચીત કરીને ઇમરાન ખાનની તબિયત અને જેલમાં મળતી સુવિધાઓ અંગે જરૂરી પગલાં ભરવા ઓસ્ટ્રેલિયન સરકારને અપીલ કરી છે.આ પત્ર પર ઓસ્ટ્રેલિયાના જાણીતા પૂર્વ કેપ્ટનો એલન બોર્ડર,ગ્રેગ ચેપલ,ઇયાન ચેપલ,બેલિન્ડા ક્લાર્ક,કિમ હ્યુઝ,માર્ક ટેલર અને સ્ટીવ વોએ હસ્તાક્ષર કર્યા છે.આ તમામ દિગ્ગજોએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ ઇમરાન ખાનના કાયદાકીય કે રાજકીય મામલામાં કોઈ પક્ષ લઈ રહ્યા નથી.તેમના મતે આ પાકિસ્તાનનો આંતરિક મામલો છે અને તેનો ઉકેલ પાકિસ્તાને જ લાવવો જોઈએ.

ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટને વિદેશ મંત્રી સાથે કરી ચર્ચા 

ઇમરાન ખાન સાથે રાવલપિંડીની અદિયાલા જેલમાં થઈ રહેલા વ્યવહાર અંગે તેમણે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે.પૂર્વ કેપ્ટનોએ કહ્યું કે રાજકીય વિચારધારા કે કાયદાકીય મામલાથી અલગ ઇમરાન ખાન સાથે યોગ્ય માનવીય વ્યવહાર થવો એ મૂળભૂત માનવતાનો મુદ્દો છે.ઓસ્ટ્રેલિયાના જાણીતા પૂર્વ કેપ્ટન ગ્રેગ ચેપલે વિદેશ મંત્રી પેની વોંગ સાથે ઇમરાન ખાનના મામલે ચર્ચા કરવા માટે મુલાકાતની વિનંતી પણ કરી છે.આ ઘટનાક્રમ એવા સમયે સામે આવ્યો છે જ્યારે ઇમરાન ખાનના પુત્રોએ તાજેતરમાં એક મુલાકાત દરમિયાન તેમના પિતાના જીવને ગંભીર જોખમ હોવાનો દાવો કર્યો હતો.

 પૂર્વ કેપ્ટનોએ પત્રમાં શું માંગ કરી

ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટનોએ પત્રમાં 3 મુખ્ય માંગણીઓ કરી છે. પ્રથમ માંગણી મુજબ, સુપ્રીમ કોર્ટ દ્વારા બનાવવામાં આવેલા મેડિકલ બોર્ડને ઇમરાન ખાનની તબિયતની સંપૂર્ણ અને સ્વતંત્ર તપાસ કરવાની મંજૂરી આપવામાં આવે. આ મેડિકલ બોર્ડમાં ઇમરાન ખાનના પોતાના ડોક્ટરોને પણ સામેલ કરવાની વાત કરવામાં આવી છે. ખાસ કરીને તેમની જમણી આંખની દૃષ્ટિ અંગે સામે આવેલા અહેવાલોની પણ તપાસ કરવાની માંગ કરવામાં આવી છે.બીજી માંગણી ઇમરાન ખાનને પરિવાર સાથે દર અઠવાડિયે થતી મુલાકાતને લઈને છે. પૂર્વ કેપ્ટનોનું કહેવું છે કે કોર્ટ દ્વારા ફરી શરૂ કરવામાં આવેલી પરિવાર સાથેની સાપ્તાહિક મુલાકાતમાં કોઈ પ્રકારનો વહીવટી વિલંબ કે અડચણ ન હોવી જોઈએ.ત્રીજી માંગણીમાં કહેવામાં આવ્યું છે કે મેડિકલ તપાસના પરિણામો જે હોય તેના આધારે ઇમરાન ખાનને જરૂરી સારવાર વિલંબ વગર આપવામાં આવે.

મોઇન ખાને પણ ચિંતા વ્યક્ત કરી

ઇમરાન ખાનની તબિયત અંગે માત્ર ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટનો જ નહીં, પરંતુ પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટર જાવેદ મિયાંદાદ, વસીમ અકરમ અને મોઇન ખાને પણ ચિંતા વ્યક્ત કરી છે. તેમણે પણ ઇમરાન ખાનને જરૂરી સારવાર આપવાની માંગ કરી છે. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયાના વર્તમાન કેપ્ટન પેટ કમિન્સ પણ ઇમરાન ખાન માટે ચાલી રહેલી આ ઝુંબેશનો હિસ્સો હોવાનું જણાવવામાં આવ્યું છે.

આ પણ વાંચો - Vaibhav Sooryavanshi બહાર થતાં શ્રીકાંત રોષે ભરાયા, ટીમ મેનેજમેન્ટ પર સાધ્યું નિશાન